અંબરનાથમાં કયો ગેસ કેવી રીતે લીક થયો તે વિશે તંત્ર 2જા દિવસે પણ અંધારામાં
મોરીવલી જીઆઈડીસીની નિકોકેમ કંપનીમાંથી ગેસ લીક થયો હતો
લોકોએ આખી રાત આંખ અને શ્વાસમાં બળતરા તથા પુઅર વિઝિબિલિટીનો સામનો કયા
મુંબઇ : અંબરનાથના મોરીવલી એમઆઈડીસી વિસ્તારમાંથી શરુ થયેલાં ગેસ લીકેજના કારણે ગુરુવારની આખી રાત સમગ્ર અંબરનાથ શહેરના લોકોએ આંખો અને શ્વાસમાં બળતરા તથા પુઅર વિઝિબિલિટીની તકલીફો અનુભવી હતી. જોકે, આજે બીજા દિવસે પણ તંત્ર કયો ગેસ કયાં કારણે લીક થયો હતો તે શોધી શક્યું ન હતું. તંત્રએ માત્ર એટલી જ ભાળ મેળવી હતી કે એમઆઈડીસીની નિકોકેમ કેમિકલ કંપનીમાંથી આ ગળતર લીક થયું હતું.
એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ કંપનીમાં મોટા જથ્થામાં કેમિકલ ડ્રમ પડી રહ્યાં છે. તેનું કેમિકલ હવાના સંસર્ગમાં આવ્યું હશે. જોકે, તંત્ર પાસે તર્કના ઘોડા જ દોડાવી રહ્યું છે. આ કંપની માત્ર દિવસના ભાગમાં જ કાર્યરત હોવાનું કહેવાય છે. રાતે કંપનીમાં કોઈ ફોલ્ટ સર્જાયો હોવા અંગે કે કોઈ ભૂલથી ગેસ લીક થયો હોવાની કોઈ નક્કર તપાસ આજે થઈ ન હતી.
આજે સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ આ કંપનીના પરિસરમાં આંટાફેરા કરીને પરત ફર્યા હતા.
ફાયર બ્રિગેડ દ્વારા કલાકો સુધી તપાસ કરવામાં આવ્યા પછી એમઆઇડીસીની નિકેકેમ કેમિકલ કંપનીના પ્લાન્ટમાંથી આ ગેસ ગળતર થયાનું શોધી કઢાયું હતું. પરંતુ, તેનું ચોક્કસ ઉત્પતિસ્થાન તથા કારણ વિશે અધિકારીઓ હવામાં જ બાચકાં ભરતાં રહ્યા હતા.
અંબરનાથની નિકાકેમ કંપની દિવસે ચાલુ રહે છે અને રાત્રે બંધ રહે છે. કંપનીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા ઓઇલ અને કેમિકલના ડ્રમ રાખવામાં આવ્યા છે, એમાંથી વાયુનું ગળતર થયું હતું એમ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ચોક્કસ કયા વાયુ ગળતર થયું હતું એ હજી સ્પષ્ટ થયું નથી એટલે તેની તપાસ ચાલે છે. કંપનીની અંદરના ભાગમાં આજે દિવસ દરમિયાન ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યું હતું, અને ક્યાંક ક્યાંક ધૂમાડો નીકળતો હતો.
મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તરફથી હવાની ગુણવત્તાની સતત તપાસ કરવા માટે બે મોબાઇલ એર મોનિટરિંગ વેન અંબરનાથના ઔદ્યોગિક વિસ્તારમાં તહેનાત કરી છે. આજે હવા ચોખ્ખી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ તપાસ માટે ડ્રાઈવરને મોકલી દીધો
અંબરનાથમાં ગેસ ગળતરના કારણે ગુરુવારે રાતે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમ છતાં પણ મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીએ તપાસ માટે ખુદ જવાને બદલે પોતાના ડ્રાઇવરને મોકલી દીધો હતો. સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર તેમણે અધિકારીનો સંપર્ક કરવા માટે વારંવાર પ્રયાસ કર્યો હતો પરંતુ અધિકારીએ ફોન જ ઉપાડયો ન હતો. આવા અધિકારીને ભરોસે એમઆઈડીસીના કેમિકલ યુનિટ ચાલતાં હોય તો સ્થાનિક લોકો માટે બહુ મોટું જોખમ સર્જાઈ શકે તેમ છે તેવો રોષ લોકોએ ઠાલવ્યો હતો અને પગલાં લેવાની માગણી કરી હતી.