મીરા રોડમાં શોભા યાત્રા પર હુમલો થતાં તંગદિલી, 13ની ધરપકડ
પ્રાણ પ્રતિષ્ઠાની આગલી રાતે રામના ઝંડા ફાડી નાખ્યા, વાહનોની તોડફોડ
કોમી હિંસા નહીં પણ સામસામી દલીલોથી ભડકો થયાનો પોલીસનો દાવોઃ 1 મહિલા ઘાયલઃ પોલીસની ફલેગ માર્ચ બાદ 2જા દિવસે શાંતિ
મુંબઇ : અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની આગલી રાતે મુંબઈની લગોલગ આવેલાં ટ્વિન સીટી મીરા ભાયંદરમાં શોભા યાત્રા પર હુમલો થતાં તંગદિલી સર્જાઈ હતી. રવિવારે રાતે ઉપદ્રવીઓએ ભગવાન રામના ઝંડા લગાવેલ વાહનો પર હુમલો કરી ઝંડા ફાડી નાંખ્યા હતા અને વાહનો પર પથ્થર અને લાકડીઓથી હુમલા કરી વાહનોને ભારે નુકસાન પહોંચાડયું હતું. આ ઘટનામાં એક મહિલાને પણ ઇજા થઇ હતી. આ ઘટના બાદ પોલીસના ધાડેધાડા ઉમટી પડયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી હુમલા ખોરોને ત્યાંથી ખદેડી મૂક્યા હતા. આ ઘટના બાદ મીરા રોડના નયા નગર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી૧૩ જણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પૂર્વે રવિવાર મીરા રોડ વિસ્તારમાં શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાતના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં શ્રી રામના ઝંડા સાથેના અમૂક વાહનો મીરારોડના નયાનગર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક એક મોટુ ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને યાત્રામાં સામેલ લોકો સાથે વિવાદ ઉભો કરી તેમના વાહનો પર લાગેલા રામના ઝંડાઓ ફાડી નાખ્યા હતા. આટલેથી ન અટકતા અમૂક વાહનોના કાચ પથ્થર અને લાકડીથી તોડી પાડયા હતા. આ લોકોએ યાત્રામાં સામેલ અમૂક લોકો પર હુમલો પણ કર્યો હતો જેમાં એક મહિલાને ઇજા પણ થઇ હતી.
આ ઘટના બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતા જોકે પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસની ટૂકડીઓ ઘટનાસ્થળે ધસી આવી હતી અને હુમલાખોરોને ત્યાંથી ખદેડી મૂક્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો બાબતે સ્પષ્ટતા કરતા ડીસીપી બજબેલેએ જણાવ્યું હતું કે આ સાંપ્રદાયિક હિંસા નહીં પર એક નાની અથડામણ હતી . સામસામી દલીલો બાદ પરિસ્થિતિ વણસી હતી. પોલીસે પરિસ્થિતિ તરત જ કાબૂમાં લઈ ે ૧૩ જણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કે આ ઘટના બાદ સોમવારે પોલીસે ફલેગમાર્ચ કાઢી આ વિસ્તારમાં ભારે પોલીસ સોમવારે આખો દિવસ શાંતિ રહી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી દિવસભર શ્રી રામના ધ્વજ લગાડેલાં વાહનો ફરતાં રહ્યાં હતાં. આગલી રાતના બનાવના કોઈ પ્રત્યાઘાત પડયા નથી.
આ ઘટના બાબતે એક ટ્વિટ કરતા રાજ્યના ડીસીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ હું સતત સ્થાનિક સીપીના સંપર્કમાં હતો અને આ ઘટનામાં સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. આ પ્રકરણે ૧૩ જણની ધરપકડ કરવામાં આવી છે. અને સીસીટીવી ફૂટેજ તેમજ વધુ તપાસને આધારે ઘટનામાં સંડોવાયેલા વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.