તમિલનાડુના વિજ્ઞાનીને રાજ્યપાલ બનાવવાની લાલચ આપી 5 કરોડ ખંખેર્યા
સંઘ-ભાજપમાં સંપર્કોનો દાવો કરી નાસિકના ગઠિયાનું પરાક્રમ
12મી પાસ નિરંજન કુલકર્ણીએ વિજ્ઞાની પાસેથી રાજ્યપાલનું પદ અપાવવા 15 કરોડ માગ્યા હતાઃ નાગપુર કનેક્શનની પણ તપાસ
મુંબઇ : નાસિકના ફક્ત ૧૨મી પાસ થયેલા એક ગઠિયાએ તમિલનાડુના એક વિજ્ઞાાનીને રાજ્યપાલનું પદ અપાવી દેવાના નામે લલચાવી આબાદ શીશામાં ઉતારી તેમની પાસેથી પાંચ કરોડ રુપિયા પડાવી લીધા હતા. ધો. ૧૨ પાસ ગઠિયો નિરંજન કુલકર્ણી પોતે આરએસએસ તથા ભાજપના ટોચના સંપર્કો ધરાવતો હોવાનો દાવો કરતો હતો. પોલીસે તેની સામે કેસ નોંધી તેની ધરપકડ કરી છે. નિરંજનના કેટલાક સાગરિતો નાગપુરમાં હોવાનું પણ કહેવાય છે આથી પોલીસે ત્યાંનું પણ પગેરું દબાવ્યું છે.
નાસિકના મુંબઇ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ આરોપી નિરંજન નાશિકના ગાંધર્વનગરી વિસ્તારમાં રહે છે. જાન્યુઆરી ૨૦૨૪માં આરોપી કુલકર્ણી સાથે દિલ્હીમાં તામિલનાડુના ચેન્નઈમાં રહેતા વૈજ્ઞાાનિક નરસિમ્હા રેડ્ડીની મુલાકાત થઇ હતી. ઠગ નિરંજને ધીમે ધીમે રેડ્ડીનો વિશ્વાસ મેળવ્યો હતો. રેડ્ડીનો એક સંબંધી રાજકારણમાં છે. આથી બંને વચ્ચે રાજકારણ બાબતે ચર્ચા થઇ હતી. આનો ફાયદો લઇ નિરંજને દાવો કર્યો હતો કે દિલ્હીમાં મોટા રાજકીય નેતા, વરિષ્ઠ અધિકારીઓ સાથે તેની ઓળખાણ છે. તેમની મદદથી કુલકર્ણીએ ે વૈજ્ઞાાનિક રેડ્ડીને રાજ્યપાલ બનાવવાનું વચન આપ્યું હતું. ફક્ત ૧૨ પાસ નિરંજને એવી વાકપટૂતાથી જાળ પાથરી હતી કે એક વિજ્ઞાાની જેવા ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ પણ તેની જાળમાં ફસાઈ ગયા હતા.
આરોપીએ રેડ્ડીને કહ્યું કે કોઇપણ રાજ્યના ગવર્નરનું પદ મેળવવા માટે રૃા. ૧૫ કરોડનો ખર્ચ થશે. રાજ્યપાલ બનવા માગતા રેડ્ડીએ કુલકર્ણીને આ વર્ષની સાતમી ફેબુ્રઆરીથી બીજી એપ્રિલ વચ્ચે કુલ ૫,૦૮,૯૯,૮૭૬ રુપિયા ચૂકવ્યા હતા. તેમાંથી ૬૦ લાખ રોકડા આપ્યા હતા જ્યારે બાકીની રકમ રેડ્ડી તથા તેમના સ્વજનોના ખાતાંઓમાંથી કુલકર્ણીના ખાતાંમાં ટ્રાન્સફર કરાઈ હતી. સરકાર પાસેથી બે જગ્યાએ ટાઇઘર રિઝર્વ પ્રકલ્પ નજીક ૧૦૦ એકર જમીન લીઝ પર લીધી હોવાનું જણાવી કુલકર્ણીએ બનાવટી દસ્તાવેજો બતાવીને રેડ્ડીનો વધુ વિશ્વાસ જીત્યો હતો. તેમજ તેણે સરકારી સ્ટેમ્પ સાથેના બનાવટી દસ્તાવેજો રેડ્ડીને પોતાની પાસે રાખવા કહ્યું હતું.
જોકે, રાજ્યપાલના પદ બાબતે કોઈ પ્રગતિ ન થતાં રેડ્ડીેને શંકા ગઈ હતી. આથી તેમણે પૈસા પાછા માગ્યા હતા. તે વખતે કુલકર્ણીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું કહેવાય છે.
આ કૌભાંડનું કનેક્શન નાગપુર સાથે જોડાઇ રહ્યું છે. નાગપુરમાં તેના સાગરિતો ગુનામાં સંડોવાયેલા છે. જમીન લેવા માટે એક સંસ્થાના ખાતામાં અમૂક રકમ જમા કરાવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ શકમંદોને પકડવા માટે પોલીસની એક ટીમ નાગપુર ગઇ છે.
આ છેતરપિંડીની જાણ થયા બાદ આરોપી કુલકર્ણીની ધરપકડ કરાઇ છે. તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને દસ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.
નાસિકમાં જ અગાઉ ધારાસભાની ટિકટ માટે ઠગાઈ થઈ હતી
છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં અસ્થિર રાજકીય પરિસ્થિતિ બાદ વિધાનસભાની ચૂંટણી વખતે પણ નાશિકમાં ટિકિટ આપવાની લાલચે છેતરપિંડી કરાઇ હતી. તે સમયે સંબંધિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બે આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો હજુ તાજો છે ત્યારે હવે રાજ્યપાલ બનાવવાના નામે ઠગાઇ કરાતા ચકચાર જાગી છે.
સંઘનો કાર્યકર હોવાની ડિંગ હાંકી , કાર પર સંસદ તરીકે નેમ પ્લેટ
નિરંજન કુલકર્ણી પોતે આરએસએસના ધર્મ જાગરણ વિભાગમાં સક્રિય હોવાનો દાવો કરતો હતો. પરંતુ, વાસ્તવમાં તે સંઘમાં કોઈ રીતે સક્રિય ન હતો. તે પોતાની કાર પર સંસદસભ્ય તરીકેની નેમ પ્લેટ લગાડતો હતો. તેણે અનેક રાજકીય નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે ફોટા પડાવ્યા હતા. હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાફલના શોખીની કુલકર્ણી સાથે અણબનાવને કારણે તેની પત્ની અલગ રહે છે.
કુલકર્ણીએ અનેક નેતાઓને પણ ઠગ્યા હોવાની આશંકા
નાસિક ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે કુલકર્ણીએ અન્ય નેતાઓને પણ ચૂંટણી ટિકિટ ક ે અન્ય હોદ્દાઓની લાલચ આપીને ઠગાઈ કરી હોવાની આશંકા છે. ઠગાઈના કરોડો રુપિયા તેણે ક્યાં સંતાડયા છે તેની પણ તપાસ થી રહી છે.