તહવ્વુર રાણા હુમાલના થોડા દિવસ પૂર્વે પવઈની હોટેલમાં રોકાયો હતા

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
તહવ્વુર રાણા હુમાલના થોડા દિવસ પૂર્વે પવઈની હોટેલમાં રોકાયો હતા 1 - image


26/11 આતંકવાદી હુમલાના આરોપી સામે 400 પાનાંનું ચાર્જશીટ

ડેવિડ હેડલીને બોગસ દસ્તાવેજ પર ભારતના ટુરિસ્ટ વિઝા અપાવવામાં મદદ કરી હતી હોવાનો દાવો

મુંબઈ :  પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણા સામે ૨૬/૧૧ આતંકવાદી હુમલાના કેસમાં પોલીસે દાખલ કરેલા પુરક આરોપનામામાં દાવો કરાયો છે કે હુમલાના થોડા દિવસ પૂર્વે રાણા બે દિવસ માટે પવઈની એક હોટલમાં ૨૧ નવેમ્બર ૨૦૦૮ સુધી રોકાયો હતો.

પોલીસની ક્રાઈમ બ્રાંચે સોમવારે ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) કાયદા હેઠળની વિશેષ કોર્ટ સમક્ષ ચાલી રહેલા કેસમાં અત્યાર સુધીનું ચોથું આરોપનામું દાખલ કર્યું હતું. આ આરોપનામું ૪૦૦ પાનાંનું છે.

રાણા હાલ અમેરિકામાં અટકાયતમાં છે અને મુંબઈ પરના હુમલામાં તેની ભૂમિકાને લઈને આરોપોનો સામનો કરી રહ્યો છે. રાણા પાકિસ્તાની અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. હેડલી આતંકવાદી હુમલાના કવાતરાખોરોમાંનો એક છે.

રાણા ૧૧ નવેમ્બર ૨૦૦૮ના રોજ ભારત આવ્યો હતો અને ૨૧ નવેમ્બર સુધી ભારતમાં રોકાયો હતો. તેણે પવઈની રેનેસાંસ હોટલમાં બે દિવસ વિતાવ્યા હતા, એમ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 

રાણા સામે અમને દસ્તાવેજી પુરાવા અને કાવતરામાં તેની ભૂમિકા  સ્થાપિત કરતા નિવેદનો મળ્યા છે. દસ્તાવેજી પુરાવામાં જણાયું છે કે રાણા હેડલી સાથે કાવતરામાં સક્રિય હતો. રાણાએ હેડલીને ભારતના ટુરિસ્ટ વિઝા બોગસ દસ્તાવેજ પર મેળવવામાં મદદ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

લશ્કરે તૈયબાને આતંકવાદી હુમલો કરવામાં રાણાએ મદદ કરી હતી. હેડલી અને રાણા વચ્ચે ઈમેઈલથી થયેલા સંદેશવ્યવહાર ક્રાઈમ બ્રાંચ પાસે છે. એક મેઈલ આતંકવાદી હુમલા સંબંધી , હેડલીએ મેજર ઈકબાલનું ઈમેઈલ આઈડી માગ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. મેજર ઈકબાલ પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો માણસ છે. અને તેનું નામ પણ આ કેસમાં આરોપી તરીકે છે.

રાણાને આ વર્ષે મે મહિનામાં અમેરિકાની કોર્ટે ભારતમાં પ્રત્યાર્પિત કરવાની મંજૂરી આપી હતી. ઓગસ્ટમાં જોકે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. 

૨૬ નવેમ્બર૨ ૦૦૮ના રોજ સમુદ્ર માર્ગે પાકિસ્તાનથી આવેલા દસ આતંકવાદીઓએ કરેલા આતંકવાદી હુમલામાં ૧૬૬ જણ માર્યા ગયા હતા અને ૬૦ કલાક સુધી આતંક મચાવવા દરમ્યાન શહેરના પ્રમુખ સ્થળોને બાનમાં લીધા હતા જેમાં હોસ્પિટલ અને જ્યુવિશ સેન્ટરનો પણ સમાવેશ થાય છે.

દસમાંથી એક આતંકવાદી અજમલ કસાબ જીવંત પકડાયો હતો અને ત્યાર બાદ તેને કેસ ચલાવીન નવેમ્બર ૨૦૧૨માં ફાંસી અપાઈ હતી.



Google NewsGoogle News