ટી સીરીઝના ભૂષણ કુમારને બળાત્કારના કેસમાંથી મુક્તિ
એક યુવતીએ 2021માં ફરિયાદ કરી હતી
મેજિસ્ટ્રેટ કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યાનું જણાવાતાં ક્વોશિંગની અરજીનો હાઈકોર્ટમાં નિકાલ
મુંબઈ : ટી સીરીઝના માલિક ભૂષણ કુમારને બળાત્કાર કેસમાં રાહત મળી છે. તેમની સામેના કેસમાં ક્લોઝર રિપોર્ટ અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે સ્વીકાર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો હોવાની માહિતી અપાતાં હાઈકોર્ટે તેની નોંધ લઈ ભૂષણ કુમારની આ કેસ ક્વોશ કરવાની પિટિશન માન્ય કરી તેનો નિકાલ કર્યો છે.
ન્યા. નાઈક અને ન્યા. બોરકરની બેન્ચને કુમારના વકિલ નિરંજન મુંદરગીએ જાણ કરી હતી કે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પોલીસે નવ નવેમ્બર ૨૦૨૩ના રોજ દાખલ કરેલો બી સમરી રિપોર્ટ (ક્લોઝર રિપોર્ટ) સ્વીકારી લીધો છેે. કેેસ બદઈરાદાથી કર્યો હતો અથવા તપાસમાં કોઈ પ્રથમદર્શી પુરાવા મળ્યા નહોય ત્યારે બીસમરી રિપોર્ટ ફાઈલ કરવામાં આવે છે. ભૂષણની એફઆઈઆર રદ કરવાની અરજી હવે નિરર્થક હોવાનું નોંધીને કુમારને અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી હતી.
કુમાર સામે જુલાઈ ૨૦૨૧માં એફઆઈઆર નોંધવામાં આવી હતી એક યુવતીએ ભૂષણ કુમાર સામે આક્ષેપો કર્યા હતા કે એ પ્રોજેક્ટમાં કામ આપવાના બહાને ભૂષણ કુમારે તેનું શારીરિક શોષણ કર્યું હતું.
જોકે, ૨૦૨૨માં પોલીસે આ કેસમાં બી સમરી રિપોર્ટ દાખલ કરી દીધો હતો. પરંતુ, અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટે આ ફરિયાદ સંદર્ભે જે રીતે કાર્યવાહી હાથ ધરાઈ તેના આધારે શરુઆતમાં આ ક્લોઝર રિપોર્ટ ફગાવી દીધો હતો. તે સમયે કોર્ટે ફરિયાદી યુવતીની પણ ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તેણે જરુરિયાતમંદ પક્ષકારો માટેની કાયદાકીય જોગવાઈાનો દૂરુપયોગ કર્યો છે. પહેલાં તેણે કાનૂની પ્રક્રિયા હાથ ધરી અને હવે તે જ પોતાની ફરિયાદ નકારી રહી છે. તેણે અંગત ફાયદા માટે બધી હદ વટાવી દીધી છે એમ કહી કોર્ટે પોલીસને સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો હતો.
આ યુવતીએ ફરિયાદ કર્યાના થોડા સમયમાં એમ જણાવ્યું હતું કે પોતે ગેરસમજને લીધે આ ફરિયાદ નોંધાવી હતી.
૨૦૨૩માં પોલીસે ફરી બી સમરી રિપોર્ટ ફાઈલ કર્યો હતો અને આ વખતે અદાલતે તે સ્વીકારી લીધો હતો.
સ્થાનિક રાજકારણી મલ્લિકાર્જુન પૂજારીએ ક્લોઝર રિપોર્ટ સામે વિરોધ અરજી નોંધાવીને દાવો કર્યો હતો કે પોતે ફરિયાદીને એફઆઈઆર નોંધવામાં મદદ કરી હતી, પણ પછી તેણે પાછીહેઠ કરી અને ક્લોઝ રિપોર્ટને મંજૂરી આપી હતી.
આ કાર્યવાહી ચાલી તે અરસામાં જ ભૂષણ કુમારે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનની સુનાવણીમાં ભૂષણ કુમાર વતી જણાવાયું હતું કે હવે મેજિસ્ટ્રેટ કોર્ટ પોલીસનો બી સમરી રિપોર્ટ સ્વીકારી ચૂકી છે એટલે આ પિટિશનની સુનાવણીનો પણ કોઈ મતલબ નથી. હાઈકોર્ટે આ વાત સ્વીકારી હતી અને અરજીનો નિકાલ કર્યો હતો.