વર્સોવા બીચ પર નિંદ્રાધીન યુવકો પર એસયુવી ફરી વળી , 1નું મોત
વધુ 1 હિટ એન્ડ રનઃ મનાઈ છતાં રાતે બીચ પર કાર દોડાવાઈ
ગરમીથી રાહત મેળવવા બંને સમુદ્ર કિનારે સૂતા હતા : ઇગતપુરીથી 2 આરોપીની ધરપકડ
મુંબઇ : મહારાષ્ટ્રમાં વધુ એક હિટ એન્ડ રન કેસમાં મુંબઇના વર્સોવા બીચ પર એસયુવી ગાડીએ અડફેટમાં લેતા ઉંઘમાં જ રિક્ષા ડ્રાઇવર મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા થઇ હતી. ગરમીથી રાહત મેળવવા નજીકમાં રહેતા બંને મિત્ર સમુદ્ર કિનારે સૂતા હતા. ત્યારે કમકમાટીભરી ઘટના બની હતી.
આરોપી ડ્રાઇવર સહિત બે જણ તેમને મદદ કરવાને બદલે નાસી ગયા હતા. પરંતુ પોલીસે નાશિકના પંચવટીથી તેમને ઝડપી લીધા હતા. કોર્ટે તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.
વર્સોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્સોવા બીચની નજીક આવેલી સાગર કુટીર રહેવાસી સંઘ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રિક્ષા ડ્રાઇવર ગણેશ યાદવ અને તેનો મિત્ર બબલુ શ્રીવાસ્તવ રહેતા હતા. તેઓ રૃમમાં ગરમી લાગતા સમુદ્રકિનારે સૂવા માટે ગયા હતા. બંને ચટાઇ પર સવારે સૂતા હતા ત્યારે એસયુવી ગાડીના ડ્રાઇવરે તેમને અડફેટમાં લીધા હતા. ત્યારબાદ એસયુવીનો ડ્રાઇવર અને પ્રવાસ કરનારી અન્ય એક વ્યક્તિ તેમને મદદ કરવાને બદલે પલાયન થઇ ગયા હતા.
સ્થાનિક રહેવાસી એસયુવીનો નંબર નોંધી લીધો હતો. તેમજ મોબાઇલ ફોનમાં વીડિયો બનાવી લીધો હોવાનું કહેવાય છે.સ્થાનિક લોકોની મદદથી યાદવ અને શ્રીવાસ્તવને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં યાદવને મૃતઘોષિત કરવામાં આવ્યો હતો. શ્રીવાસ્તવને સારવાર માટે દાખલ કરાયો હતો.
પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે એસયુવી નાગપુરના સતીશ એસ.ના નામે નોંધાયેલી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ આદરી નાશિકના ઇગતપુરીથી ડ્રાઇળર નિખિલ જાવળે (ઉં.વ. ૩૪) અને તેના મિત્ર શુભમ ડોંગરે (ઉં.વ.૩૩)ને ઝડપી લીધા હતા. એસયુવી ચાલક નિખિલ નાગરુપનો અને સુભમ નવી મુંબઇનો રહેવાસી છે. આરોપી નિખિલ મિત્ર શુભમને મળવા આવ્યો હતો. નાગપુરથી એસયુવી લાવ્યો હતો. લોનાવલામાં રોકાયા બાદ મુંબઇ આવ્યા હતા. વરસોવા બીચ પર કાર લઈ જવાનો પ્રતિબંધ છે આમ છતાં રાતના અંધારાનો લાભ લઈ તેમણે બીચ પર કાર દોડાવી હતી અન ેઅકસ્માત સર્જ્યો હતો.
પોલીસે બંને આરોપીના લોહીના નમૂના એકત્ર કર્યા છે. અકસ્માત વખતે બંને દારૃના નશામાં હતા કે કેમ એની તપાસ માટે ફોરેન્સિક ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. ભારતીય ન્યાયસંહિતાની સંબંધિત કલમો હેઠળ બંને વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.
પોલીસે બંનેને સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.
મુંબઈ સહિત રાજ્યભરમાં સતત વધતા હિટ એન્ડ રનના કિસ્સા
મુંબઇના વર્લી વિસ્તારમાં ૭ જુલાઇના બીએમડબલ્યુ કારે અડફેટમાં લેતા સ્કૂટર પર જઇ રહેલી મહિલાનું મોત નિપજ્યું હતું તેનો પતિ ઘાટલ થયો હતો આ મામલામાં દારૃના નશામાં કાર ચલાવનારા આરોપી યુવકની ધરપકડ કરાઇ હતી. આ ગુનામાં મદદ કરનારા યુવકના રાજકારણી પિતા અને ડ્રાઇળરને પણ પકડવામાં આવ્યા હતા.
પુણેના ખડકી વિસ્તારમાં તે જ રાતે નાઇટ પેટ્રોલિંગ ડયુટી કરતા પોલીસની બાઇખને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં એક પોલીસ કર્મીનું મૃત્યુ થયું હતું.
નાશિકમાં ૯ જુલાઇના ૩૧ વર્ષીય મહિલાએ કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. દારૃ ગટગટાવી કાર ચલાવનાર ડ્રાઇવર ભાગી ગયો હતો. પરંતુ બાદમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પુણેમાં દારૃ પીને બેદરકારીપૂર્વક પોર્શે કાર દોડાવીને બાઇકને અડફેટમાં લેતા બેના મોત થયા હતા. આ ચકચારજનક કેસમાં તરુણ ઉપરાંત તેના માતા, પિતા, દાદા હોસ્પિટલના બે ડોક્ટર, કર્મચારી અને અન્યની ધરપકડ કરાઇ હતી. તરુણને ગુનામાં પુરાવાનો નાશ કરવામાં અન્ય આરોપીઓ મદદ કરી હતી.
નાગપુરના રામઝુલા બ્રીજ પર ૨૫ જુલાઇએ એક મહિલાએ દારૃના નશામાં મર્સિડીઝ કાર હંકારીને સ્કૂટર પર જઇ રહેલા બે યુવકને કચડી નાખ્યા હતા. આ બનાવના ચાર મહિના કરતા વધુ સમય બાદ આરોપી મહિલાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.