મહારાષ્ટ્રના CM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, શિંદે-પવાર ડેપ્યુટી સીએમ
Maharashtra CM Oath Ceremony Live: મહારાષ્ટ્ર સ્થિત મુંબઈના આઝાદ મેદાનમાં આજે સાંજે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા. અજિત પવાર અને એકનાથ શિંદેએ પણ લાંબા સસ્પેન્સના અંતે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લઈ લીધા. જો કે, શિંદેના અનેક નિવેદનોએ મહારાષ્ટ્ર જ નહીં, દેશભરમાં ભારે સસ્પેન્સ સર્જ્યુંહ હતું, જેનો આખરે અંત આવી ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત થઈ હતી. જેમાં ભાજપે બહુમતી મેળવી હતી. આ સાથે મહારાષ્ટ્ર 14મું રાજ્ય બન્યું છે, જ્યાં ભાજપ શાસન કરશે.
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ આજે સાંજે સાત વાગ્યે મંત્રાલયની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે. જ્યાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે.
અજિત પવારે શપથ ગ્રહણ કર્યા
NCP સંસ્થાપક અજિત પવારે પણ ડેપ્યુટી સીએમ પદ પર શપથ ગ્રહણ કરી લીધા છે. તેઓ પાંચ વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. શપથ લીધા બાદ તેઓએ વડાપ્રધાન, ગૃહમંત્રી સહિત દિગ્ગજ નેતાઓ સાથે હાથ મિલાવ્યા હતા.
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા
શિવસેના જૂથના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા છે. શપથમાં શિંદેએ બાળાસાહેબનો ઉલ્લેખ કર્યો અને વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિતશાહ સહિત દિગ્ગજ નેતાઓનો આભાર માનતા મહારાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે કાર્યો કરવાનુ વચન આપ્યું છે.
મુખ્યમંત્રી ફડણવીસે લીધા શપથ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા છે. મહારાષ્ટ્રમાં 20માંથી 12 મુખ્યમંત્રી મરાઠા બન્યા છે. મરાઠાઓના વર્ચસ્વ ધરાવતા મહારાષ્ટ્રમાં ફડણવીસે જાતિવાદ અડચણોને પાર કરી નોન મરાઠા મુખ્યમંત્રી બન્યા છે. વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ મંચ પર આવી ગયા છે. મહારાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
શપથ ગ્રહણ મંચ પર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર ઉપસ્થિત થયા.
વડાપ્રધાનની રાહ જોવાઈ રહી છે
મહારાષ્ટ્ર ગવર્નર સીપી રાધાક્રિષ્ણન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને શપથ અપાવવા આઝાદ મેદાન પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોવાઈ રહી છે. પીએમ મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફત આઝાદ મેદાન પહોંચી રહ્યા છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમજ બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ આઝાદ મેદાનમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત અભિનેત્રી માધુરી દિક્ષિત પણ ડૉ. નેને સાથે શપથ ગ્રહણ સમારંભમાં પહોંચી છે. આ સાથે શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત, સચિન તેંદુલકર, રણબીર કપૂર સહિત કુલ 200 વીઆઈપી પણ આઝાદ મેદાનમાં હાજર છે.
અમે ક્યારેય ગૃહ વિભાગ માંગ્યો જ નથીઃ શિવસેના
શિવસેનાના જુદા-જુદા નેતાઓ જુદા-જુદા નિવેદનો આપી જનતાને અસમંજસમાં મૂકી રહ્યા છે. શિવસેનાના પ્રવક્તા રાજુ વાઘમારેએ જણાવ્યું કે, અમે ક્યારેય ગૃહ વિભાગ માંગ્યુ જ ન હતું. અને એકનાથ શિંદે નારાજ નથી. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના નેતા સંજય શિરસાટે શિંદે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી ગૃહ મંત્રાલય અને અન્ય વિભાગો પર ચર્ચા કરશે તેવુ નિવેદન આપ્યું હતું.
શપથ ગ્રહણ બાદ અમિત શાહ શિંદેને મળશે
શિવસેનાના નેતા સંજય શિરસાટે જણાવ્યું કે, એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદની શપથ લેશે, ત્યારબાદ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. જેમાં ગૃહ મંત્રાલય અને અન્ય વિભાગો પર ચર્ચા કરશે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા પહોંચ્યા છે.
શપથ ગ્રહણ સમારોહનો મજાક બનાવાયોઃ કોંગ્રેસ સાંસદનો પ્રહાર
મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં છેક છેલ્લે સુધી સસ્પેન્સ અને મૂંઝવણો જોવા મળી છે. આ મામલે કોંગ્રેસ સાંસદ પ્રણીતિ શિંદેએ પ્રહારો કર્યા છે કે, તેમણે એક ગરિમાયુક્ત અને ગંભીર શપથ ગ્રહણ સમારોહને મજાક બનાવી દીધો છે. શપથ ગ્રહણન સમારોહની જવાબદારી ઈવેન્ટ મેનેજમેન્ટને સોંપવામાં આવી છે. જેમાં કોન્સર્ટ અને સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ કે પરંપરા નથી.
એકનાથ શિંદે લેશે શપથ
મહારાષ્ટ્ર રાજકારણમાં અંતે સસ્પેન્સ ખતમ થયુ છે. શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે મહારાષ્ટ્ના ડેપ્યુટી સીએમ પદ પર શપથ લેવા તૈયાર થયા છે. સ્વંય શિંદે જૂથના નેતાઓએ ખાતરી આપી છે. એકનાથ શિંદે રાજભવન પહોંચ્યા છે. અને રાજ્યપાલને મળી સમર્થન પત્ર સોંપ્યું છે. શિવસેનાના નેતા ઉદય સામંતે આ અંગે જણાવ્યું હતું.
એકનાથ શિંદે બનશે ડેપ્યુટી સીએમ
એકનાથ શિંદે હમણાં અડધા કલાકમાં પોતે ડેપ્યુટી સીએમ પદ અંગે જાહેરાત કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડી જ વારમાં તેઓ રાજભવનમાં ઔપચારિક રૂપે પોતે ડેપ્યુટી સીએમ પદે શપથ લેશે તેની જાહેરાત કરશે.
અડધો કલાકમાં ડેપ્યુટી સીએમ પદ માટે નિર્ણય
એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે જણાવ્યું છે કે, અમારા ધારાસભ્યોના મંત્રી પદ માટે નામ જાહેર થઈ રહ્યા છે. જે ખોટા છે. અમે એકનાથ શિંદેને વિનંતી કરી છે કે, તે ડેપ્યુટી સીએમ બને અને આજે સાંજે શપથ લે. આ મુદ્દે શિંદે હમણાં અડધા-એક કલાકમાં નિર્ણય લેશે. જો તેઓ ડેપ્યુટી સીએમ નહીં બને તો અમને પણ કોઈ મંત્રી પદ નહીં સ્વીકારીએ. અમારામાંથી કોઈ મંત્રી નહીં બને.
એકનાથ શિંદેનું નામ નહીં
મહારાષ્ટ્રની નવી સરકારની આજે સાંજે શપથવિધિના આમંત્રણો લોકોને અપાઈ ચૂક્યા છે. જેમાં શિવસેનાની નિમંત્રણ પત્રમાં શિંદેનું નામ નથી, માત્ર ફડણવીસનું નામ છે. જ્યારે એનસીપીની નિમંત્રણ પત્રમાં અજિત પવારના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. જે રાજકારણમાં અંદરોઅંદર ઘમસાણ ચાલી રહ્યું હોવાના સંકેતો આપે છે.
મુખ્યમંત્રી પદે શપથ લેતાં પહેલાં દેવન્દ્ર ફડણવીસે ગાયની પૂજા કરી આશીર્વાદ લીધા છે. જેનો સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો હતો.
આઝાદ મેદાન પહોંચી રહ્યા છે નેતાઓ
મુંબઈના આઝાદ મેદાન પર આયોજિત શપથ વિધિ કાર્યક્રમમાં ભાગ લેવાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, નેતાઓ પહોંચી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુંબઈ પહોંચી ગયા છે. જ્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી કુમાર સિંહા પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા છે. તેઓ શપથ ગ્રહણ સમારોહ પહેલાં મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર દર્શન અર્થે પહોંચ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ સાડા પાંચ વાગ્યે શરૂ થશે.
કોણ કોણ લેશે શપથ?
ફડણવીસ સાથે અજિત પવાર પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે એ નક્કી છે. જોકે, એકનાથ શિંદે નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવા માની ગયા હોવાના અહેવાલો છતાં તેમણે પોતે પક્ષના નેતાઓ સાથે વાત કરીને આખરી નિર્ણય લેશે એમ કહીને આ બાબતે સ્પષ્ટ અને સત્તાવાર જાહેરાત હજુ સુધી કરી નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વિધાનભવન ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. તેમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.
ગઈકાલે બેઠકમાં સીએમ અંગે થયો હતો નિર્ણય
રુપાણીએ જણાવ્યું હતું કે ભાજપની કોર કમિટી દ્વારા ફડણવીસને સીએમ બનાવવા પ્રસ્તાવ મૂકાયો હતો. ચન્દ્રકાન્ત પાટીલ તથા સુધીર મુનગંટીવારે ફડણવીસના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પંકજા મુંડે સહિતના નેતાઓ તેનું અનુમોદન કર્યું હતું. આમ ફડણવીસ વિના વિરોધે ભાજપ વિધાનસભા પક્ષના નેતા બન્યા હતા. ત્યારબાદ ફડણવીસ સરકાર રચવાનો દાવો કરવા માટે રાજ્યપાલ રાધાકૃષ્ણન સમક્ષ પહોંચ્યા હતા. એકનાથ શિંદેએ શિવસેના તથા અજિત પવારે એનસીપીના નેતાઓનો તેમને સપોર્ટ હોવાનો પત્રો સોંપ્યા હતા. બાદમાં ત્રણેય નેતાઓએ સાથે મળીને પત્રકાર પરિષદ સંબોધી હતી. ફડણવીસે જણાવ્યું હતું કે મેં શિંદેને સરકારમાં સામેલ થવા વિનંતી કરી છે. જોકે, શિંદેએ કહ્યું હતું કે પોતે આ અંગે રાતે મોડેથી નિર્ણય જાહેર કરશે. જોકે, શિંદેની નજીકના સૂત્રોએ જણાવ્યું હતુ ંકે તેઓ આજે નાયબ સીએમ તરીકે શપથ લેવાના છે એ નક્કી છે. જોકે, આજે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાયેલી રહી હતી. ભાજપના મંત્રીપદના અનેક દાવેદારો આજે ફડણવીસના સાગર બંગલો ખાતે પહોંચ્યા હતા. સંભવિત મંત્રીઓની જુદી જુદી યાદી પણ ફરતી થઈ હતી.
પીએમ મોદી હાજર રહેશે શપથમાં
આજે સાંજે સાડા પાંચ કલાકે યોજાનારી શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત એનડીએ શાસિત 22 રાજ્યોના સીએમ, સાધુ સંતો, બે હજાર લાડકી બહેનો ઉપરાંત પક્ષોના કાર્યકરો સહિત 40 હજાર લોકો હાજર રહે તેવી સંભાવના છે. વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી 230 બેઠકો ભાજપ, શિવસેના તથા એનસીપીની મહાયુતિને મળી હતી. ભાજપને એકલા હાથે 132 બેઠકો મળી હતી. આમ ભાજપના સીએમ બનશે તે પહેલા દિવસથી નક્કી હતું. પરંતુ, વિદાય લઈ રહેલા સીએમ એકનાથ શિંદેએ આ મુદ્દે ત્રાગાં શરુ કરતાં ભાજપે તેમને મનાવવા માટે થોડા દિવસો રાહ જોવાનું નક્કી કર્યું હતું.
આમ, સીએમ પદના મુદ્દે સસ્પેન્સ સર્જાયું હતું. ગયા શનિવારે એકનાથ શિંદેએ પોતે ભાજપના નેતાને સીએમ તરીકે સ્વીકારશે એવી જાહેરાત કરી શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભાજપ ફડણવીસને જ સીએમ તરીકે પસંદ કરશે એવા તમામ સંકેતો વચ્ચે છેક વિધાનમંડળની બેઠક સુધી આ વિશે ઔપચારિક જાહેરાત કરાઈ ન હતી.