સસ્પેન્ડેડ આઈપીએસ કૈસર ખાલિદે હોર્ડિંગના કોન્ટ્રાક્ટ માટે 30 લાખ લીધા
ઘાટકોપર દુર્ઘટનામાં વગોવાયેલા તત્કાલી રેલવે પોલીસ કમિશનર સામે આરોપ
ખાલિદનાં પત્નીના ભાગીદારનું અમેરિકામાં હોટલનું બિલ પણ કોન્ટ્રાક્ટરે ચૂકવ્યું હતું, ડીજીપી દ્વારા એસીબીને તપાસનો હુકમ
મુંબઇ : ઘાટકોપરમાં થયેલ હોર્ડિંગ દુર્ઘટનામાં હોર્ડિગ લગાવનાર એજન્સીના માલિક ભાવેશ ભિંડે પાસેથી લાંચ લેવાના આરોપોનો સામનો કરતા વરિષ્ઠ આઇપીએસ અધિકારી કૈસર ખાલિદ સામે લાંચની વધુ એક ફરિયાદ થઇ છે. એક હોર્ડિંગ કોન્ટ્રાકટરે એવો આરોપ કર્યો છે કે ખાલિદ અને તેના એક સાથીદારને હોર્ડિંગનો કોન્ટ્રાકટ મળે તે માટે તેમણે ૩૦ લાખની લાંચ આપી હતી. આ ઉપરાંત ખાલિદના પત્નીના ભાગીદાર યુએસની એક ફાઇવસ્ટાર હોટલમાં રોકાયા હતા ત્યારે તેમના હોટલના બિલની પણ ચૂકવણી કરી હતી. આ આક્ષેપો સંદર્ભમાં રાજ્યના પોલીસ વડાએ એસીબીને તપાસના આદેશો આપ્યા છે.
સાકીનાકાના રહીશ હોર્ડિંગ કોન્ટ્રાકટર મોહમ્મદ રઇસ ખાને મહારાષ્ટ્રના પોલીસ વડા (ડીજીપી) રશ્મિ શુકલાને કરેલી ફરિયાદમાં એવો કથિત આરોપ કર્યો હતો કે તેણે હોર્ડિગનો કોન્ટ્રાકટ મેળવવા ખાલિદ અને તેમના એક સાથીદારને આ રકમ ચૂકવી હતી.
ડીજીપી શુકલાને કરેલી ફરિયાદમાં ખાન જણાવ્યું હતું કે ૨૦૨૨માં જ્યારે ખાલિદ જીઆરપીના કમિશનર હતા ત્યારે તેમણે ખાનનું દાદરના તિલક બ્રિજ પર લગાવવામાં આવેલુ એક હોર્ડિંગ કઢાવી નાંખ્યું હતું આ બાબતે એવું કારણ આપવામાં આવ્યું હતું કે આ રેલવેની પ્રોપર્ટી છે અને મામલો કોર્ટમાં છે આ બાબતે જ્યારે ખાને સામેથી ખાલિદનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેણે હોર્ડિંગનો કોન્ટ્રાકટ મેળવવો હોય તો તમારે ટેન્ડર ભરવું પડશે.
ખાને એવો આરોપ કર્યો હતો કે ખાલિદની ઓફિસના અનેક ચક્કર લગાવ્યા હતા, તેને કોઇપણ કોન્ટ્રાકર આપવામાં આવ્યો નહોતો અને ત્યાર બાદ કોઇપણ ટેન્ડર વગર આ કોન્ટ્રાકટ ગુજ્જુ એડના ભિંડેને ફાળવી દેવામાં આવ્યો હતો. ખાલિદે કથિત રીતે ખાનને એવી ખાતરી આપી હતી કે તેને દાદર રેલવે કોલોનીમાં હોર્ડિંગનો બીજો કોન્ટ્રાકટ આપશે. ખાને દાવો કર્યો હતો કે ખાલિદની માગણી પર તેણે ખાલિદના ઘરે રૃા.૧૦ લાખ ચૂકવ્યા હતા, જ્યારે બીજા ૨૦ લાખ રૃપિયા શિવાજીનગર ખાતે ખાલિદની પત્નીની ગારમેન્ટ કંપનીના એક ડિરક્ટર અરશદ ખાનને ચૂકાવવામાં આવ્યા હતા. ફરિયાદી મોહમ્મદ રઇસ ખાને તેના ખાલિદ અર્શદ ખાન અને અન્ય કેટલાક લોકો વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ્સ પણ ફરિયાદ સાથે સબમીટ કરી છે. ખાલિદની વિનંતિ પર આ પૈસા ચૂકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુએસની એક ફાઇવસ્ટાર હોટલનું અરશદ ખાનનું બિલ પણ પોતે ચૂકાવ્યું હોવાનો આરોપ પણ ફરિયાદી કોન્ટ્રાક્ટરે કર્યો છે.
ઘાટકોપરમાં હોર્ડિંગ ઉભું કરનાર ઇગો મીડિયા પ્રા.લિ.ના માલિક ભાવેશ ભિંડે પાસેથી કથિત રીતે ૪૬ લાખ રૃપિયા મેળવવા બદલ ખાલિદની પત્નીની કંપનીની સામે તપાસ ચાલી રહી છે.