મુંબઈ યુનિવર્સિટીએ કેટલીક આન્સરશીટ ખોઈ નાખી હોવાની શંકા

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
મુંબઈ યુનિવર્સિટીએ કેટલીક આન્સરશીટ ખોઈ નાખી હોવાની શંકા 1 - image


1 મહિનો થવા છતાં ફોટોકોપી મળી નથી

યુનિવર્સિટીએ તુરંત તમામ પરિણામ જાહેર કરવા એવી યુવાસેનાની રાજ્યપાલને માગણી

મુંબઈ :  મુંબઈ યુનિવર્સિટી દ્વારા ઉનાળુ સત્રમાં લેવાયેલ કેટલીક પરીક્ષા અને પુનર્મૂલ્યાંકનના પરિણામ હજી જાહેર થયા નથી. અરજી કર્યાના એક મહિના બાદ પણ વિદ્યાર્થીઓને તેમની આન્સરશીટની ફોટોકોપી મળી નથી. આથી આ ઉત્તરવહીઓ ખોવાઈ ગઈ કે કેમ એવી શંકા વિદ્યાર્થીઓ તથા યુવાસેનાએ ઉપસ્થિત કરી  આ પરિણામ વહેલામાં વહેલી તકે જાહેર કરવાની માગણી રાજ્યપાલ સમક્ષ કરી છે. 

મુંબઈ યુનિવર્સિટીની એમએ, એમએસસી કોર્સની પરીક્ષાના પરિણામ હજીયે જાહેર થયા નથી. આથી વિદ્યાર્થીઓને આગળના શિક્ષણમાં તકલીફ આવી રહી છે. વિદ્યાર્થીઓએ આ બાબતે યુનિવર્સિટી સમક્ષ અનેકવાર ફરિયાદો પણ કરી છે. કેટલાંક પરિણામમાં ગોટાળો થતાં રીઝલ્ટ રીઝર્વ રખાયા છે. જેનો ફટકો વિદ્યાર્થીઓને પડે છે અને તેઓ આગળ શિક્ષણ કે નોકરી મેળવી શકતાં નથી. જોકે આ બાબતે યુનિવર્સિટીએ હજી કોઈ ફોડ પાડયો નથી.

લૉ સ્ટ્રીમની એક વિદ્યાર્થિનીએ એક મહિના પહેલાં ઉત્તરવહીની ફોટોકોપી માટે અરજી કરી હતી. પરંતુ હજીયે તે મળી નથી. હવે આગામી ૧૫ દિવસમાં ફોટોકોપીની હાર્ડકોપી આપીશું, એવું યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું છે. આથી આ ઉત્તરપત્રિકા ખોવાઈ ગયાની શંકા ઉપસ્થિત થઈ છે. કારણ માત્ર ફોટોકોપી આપવામાં એક મહિનાથી વધુનો સમય કેવી રીતે લાગી શકે? અને જો ફોટોકોપી યુનિવર્સિટી એક મહિને આપતી હોય તો રીઝલ્ટને કેટલા દિવસ લગાડશે? એવો બીજો પ્રશ્ન પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત કરાયો છે.



Google NewsGoogle News