સુશાંત સિંહ રાજપૂત, દિશા સાલિયન કેસમાં નવેસરથી હાઈ કોર્ટમાં જનહિત અરજી

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
સુશાંત સિંહ રાજપૂત, દિશા સાલિયન કેસમાં નવેસરથી હાઈ કોર્ટમાં જનહિત અરજી 1 - image


સીબીઆઈ દ્વારા હેતુપૂર્વક તપાસમાં  વિલંબથી આરોપીને મદદ કરાયાનો દાવો

16 મુદ્દા પર સીબીઆઈ પાસે ખુલાસાની માગણી

મુંબઈ :  અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુના ત્રણ વર્ષ બાદ તેના માટે ન્યાયની ઝુંબેશ હજી પણ ચાલુ છે. કેસમાં નિર્ણાયક પગલાં લેવા સીબીઆઈ પર દબાણ સતત કોઈને કોઈ સ્તરે ચાલુ છે. દાવો કરવામાં આવે છે કે તમામ પુરાવા દર્શાવે છે  કે રાજપૂતની ૧૪ જૂન ૨૦૨૦ના રોજ ઠંડે કલેજે હત્યા થઈ હતી. આ સંબંધે હવે બોમ્બે હાઈ કોર્ટમાં નવેસરથી જનહિત અરજી કરવામાં આવી છે. આ અરજી સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ લિટિગન્ટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા એ તેમના પ્રમુખ રાશિદ ખાન પઠાણ દ્વારા કરાઈ છે. કેસમાં સંકળાયેલા સીબીઆઈ અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરીને આરોપ કરાયો છે કે હેતુપૂર્વક તપાસને વિલંબમાં મૂકાઈ છે અને  તેમની ભુલને કારણે આરોપીઓને મદદ મળી છે. અરજીમાં સીબીઆઈને જવાબ નોંધાવીને તપાસ અહેવાલ એક મહિનામાં રજૂ કરવાનો નિર્દેશ અપાવાની દાદ માગી છે. 

આ માગણી ૧૬ એવા મહત્ત્વના મુદ્દે કરાઈ છે જેમાં સુશાંત અને દિશા સાલિયનના મૃત્યુ કેસમાં શકમંદ વ્યક્તિઓના મોબાઈલ લોકેશન અને કોલ રેકોર્ડ ડિટેલ્સનો સમાવેશ થાય છે.  નારાયણ રાણેએ અમુક વ્યક્તિઓ સામે કરેલા બાળ શોષણ અને હેરાફેરીના ગંભીર આરોપોની તપાસની વિગત, સીસીટીવી ફૂટેજ, રાજપૂતના શરીર પર ઈજાના મળેલા નિશાનની વિગત, સાલિયનના મૃત્યુના કેસમાં નજરે જોનાર સાક્ષીની જુબાનીની તપાસ, રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરનારા શબઘરના કર્મચારી રુપ કુમાર શાહની જુબાનીની તપાસ કરવાની દાદ માગવામાં આવી છે.

એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તાએ તૈયાર કરેલા બનાવટી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મુંબઈ પોલીસ કર્મચારીઓએ ફરજમાં દેખાડેલી કથિત બેદરકારી જેવી બાબતોના સીબીઆઈ પાસેથી ખુલાસા માગવાની પણ દાદ માગી હતી.

અરજી કોર્ટમાં ૨૬ સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવી હતી અને ત્રીજી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ લિસ્ટ થાય તેવી શક્યતા છે.


Google NewsGoogle News