પૈસાના ફાંફા તથા તબીબી સારવાર માટે ખુંખાર નક્સલીનું આત્મસમર્પણ
35 વર્ષીય પુનેમ પર 6 લાખનું ઈનામ હતું
2017 અને 2022ના એન્કાઉન્ટરમાં સંડોવાયેલા પુનેમને સરકારી નીતિ મુજબ પુનર્વસનના 5 લાખ મળશે
મુંબઇ : બીજાપુર જિલ્લાના ૩૫ વર્ષીય નકસલવાદી ગણેશ ગટ્ટા પુનેમ (૩૫)એ ગઢચિરોલીમાં મહારાષ્ટ્ર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પુનેમ છ લાખનું ઇનામ માથા પર ધરાવતો ટોચનો નકસલી હતો. પુનેમએ તબીબી સુવિધાઓ ન મળતાં અને પૈસાના ફાંફા થઈ જતાં છેવટે શરણુ સાધી લીધું હોવાનુંં સ્પષ્ટ કર્યું હતું. પુનેમને રાજ્ય અને કેન્દ્રની પુનર્વસન નીતિ હેઠળ રૃા.પાંચ લાખ આપવામાં આવશે. આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પુનેમએ પોલીસના નાયબ મહાનિરીક્ષક (ઓપરેશન્સ) જગદીશ મીણા સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
પુનેમની ૨૦૧૭માં ભામરાગઢ એલએએસ સાથે સપ્લાય ટીમના સભ્ય તરીકે ભરતી કરવામાં આવી હતી. અને તેને ૨૦૧૮માં ટીમના ડેપ્યુટી કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી હતી. તે ૨૦૧૭ અને ૨૦૨૨માં અનુક્રમે બીજાપુરના મિર્ટુર અને તિમ્મેનરમાં એન્કાઉન્ટરમાં સામેલ હતો એવું એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
પુનેમએ જણાવ્યું હતું કે તેને તબીબી મદદની જરુર છે. આ ઉપરાંત હાલ નક્સલીઓને મળતો નાણઆં પ્રવાહ પણ સૂકાઈ ગયો છે. આથી પોતે શરણુ સ્વીકારી રહ્યું છે.
આ સંદર્ભે વધુ વિગત આપતા ગઢચિરોલીના એસ.પી. નીલોત્પલે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા ઇચ્છુક લોકોને તમામ જરૃરી સહાયની ખાતરી આપવામાં આવે છે. શરણાગતિ પામેલા નકસલવાદીઓને રાજ્ય અને કેન્દ્રની પુનર્વસન નીતિ મુજબ પાંચ લાખ રૃપિયા આપવામાં આવશે તેવું પણ એક નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ૧૪ ટોચના નકસલીઓએ ગઢચિરોલી પોલીસ સમક્ષ સમર્પણ કર્યું છે.