સુરખાબ પક્ષીએ મુંબઇથી કચ્છના નાના રણ સુધીનો પ્રવાસ 25 કલાકમાં પુરો કર્યો
રેડિયો ટેગ કરાયેલા ચાર યાયાવરી પક્ષીઓ ગુજરાત પહોંચ્યા
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના વિજ્ઞાનીઓનો રસપ્રદ અભ્યાસ
મુંબઇ : એખ જુવેનાઇલ ગ્રેટર ફલેમિંગો (નાના કદના સુરખાબ પક્ષી) એ મુંબઇથી કચ્છના નાના રણ સુધીનું અંતર ૨૫ કલાકમાં કાપ્યું હોવાનું બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ) દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં રેડિયો ટેગ કરાયેલા ચાર સુરખાબ મુંબઇથી ગુજરાત પહોંચી ગયા છે.
૨૯ જુલાઇએ એક ટ્વીટમાં બીએનએચએસે એવી માહિતી આપી હતી કે લેસ્ટર નામનું અમારું ચોથું રેડિયો-ટેગ્ડ ફલેમિંગો કચ્ચના નાના રણમાં પહોંચી ગયું છે. આ સુરખાબને જાણીતા નેચરલિસ્ટ (પ્રકૃતિપ્રેમી) કેપ્ટન સીડી લેસ્ટરનું નામ અપાયું છે. પક્ષીએ મુંબઇથી ૫૦૦ કિમીનો પ્રવાસ ૨૫ કલાકમાં પુરો કર્યો છે.
એક મહત્વના અભ્યાસના ભાગરૃપે બીએનએચએસ સાથે જોડાયેલા વિજ્ઞાાનીઓએ આ વરસે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે છ સુરખાબને દરિયા નજીકના એમના વસવાટના સ્થળેથી પકડયા હતા. એમને પકડયા બાદ સૌર ઉર્જાથી ચાલતા જીપીએસ-જીએસએમ ટેગ લગાડી છોડી મુકાયા હતા.
સંશોધકોએ નોંધ્યુ હતું કે ટેગિંગ બાદ આ પક્ષીઓ થાણેની ખાડીના ફલેમિંગો અભયારણ્ય અને એની સાથે જોડાયેલા વેટલેન્ડ એરિયા (કળણવાળા વિસ્તારો)માં ફરતા હતા પક્ષી પ્રેમીઓના આ માનીતા સ્થળે સપ્ટેમ્બરથી મે દરમ્યાન હજારો સુરખાબ ઉતરી આવે છે.
બીએનએચએસે મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સંગાથમાં ઉક્ત અભ્યાસ હાથ ધર્યો હતો. મુંબઇ ટ્રાન્સ હાર્બર લિન્ક (એમટીએચએલ) પ્રોજેક્ટની અસર હેઠળ નાના અને મોટા સુરખાબ કઇ રીતે હિજરત કરે છે એ જાણવા અભ્યાસ હાથ ધરાયો હતો. અભ્યાસ સંશોધકોને સુરખાબના દેશાવરનો માર્ગ જાણવામાં અને એમની સુરક્ષા ઉપાયો કરવામાં પણ મદદરૃપ થશે.
ગુજરાત પહોંચનાર ચાર સુરખાબમાંથી હુમાયું નામનું પક્ષી ભાવનગર પહોંચ્યું હતું. જ્યારે છ જુલાઇની સાંજે મુંબઇના દરિયાકાંઠેથી નીકળેલું સલીમ નામનું સુરખાબ ૭ જુલાઇની સવારે ભાવનગર નજીકના વિસ્તારમાં હુમાયુ સાથે જોડાયું હતું જ્યારે મેકાન નામનું સુરખાબ ૧૪ જુલાઇએ થાણેની ખાડેથી રવાના થઇ બીજા દિવસે સવારે ભાવનગર નજીકના ધોધમાં પહોંચી ગયું હતું.