સુરતના બ્રેઈનડેડ બાળકના લીવરનું મુંબઈનાં ટીનએજરના શરીરમાં પ્રત્યારોપણ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
સુરતના બ્રેઈનડેડ બાળકના લીવરનું મુંબઈનાં ટીનએજરના શરીરમાં પ્રત્યારોપણ 1 - image


281 કિલોમીટરનો આંતરરાજ્ય ગ્રીન કોરીડોર રચાયો

સુરતથી મુંબઈ 4 કલાકમાં લીવરને પહોંચાડીને 14 વર્ષના કિશોરને નવું જીવન અપાયું

મુંબઈ  :  સુરતના દોઢ વર્ષના બ્રેઈન ડેડ બાળકના લીવરને મુંબઈમાં ૧૪ વર્ષના કિશોરના શરીરમાં રોપીનેે તેને નવું જીવન અપાયું હતું. આ લીવરને મોટર રસ્તે સુરતથી મુંબઈ પહોંચાડવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રની પોલીસે આંતરરાજ્ય ગ્રીન કોરીડોર રચ્યો હતો. આ રીતે ચાર કલાક અને વીસ મિનિટમાં સુરતથી એમ્બ્યુલન્સમાં આ લીવરને મુંબઈ પહોંચાડવામાં આવ્યું હતું.

સુરતના પરિવારના દોઢ વર્ષના બાળકને પડી જવાને લીધે ગંભીર ઈજા થતા ત્યાંની હોસ્પિટલે બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતક શિશુના પરિવારે અંગદાન માટે સંમતી આપી હતી એટલે હોસ્પિટલે બાળકના લીવરનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

બીજી તરફ મુંબઈની હોસ્પિટલમાં નાસિકથી આવેલા ૧૪ વર્ષના દરદીને દાખલ કરવામાં આવ્યો હતો  જે જવલ્લે જ જોવા મળે એવી લીવરની બીમારીથી પીડાતો હતો આ બીમારીમાં કોલસ્ટરોલનું સ્તર સતત વધતું જતું હતું અને હાર્ટ એટેક તેમ જ સ્ટ્રોકનું જોખમ વધવા માંડયું હતું. કોઈ લીવરનું દાન કરે તો જ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી બચાવી શકાય એમ હતો. નસીબજોગે  સુરતના શિશુનું લીવર એમ્બ્યુલન્સમાં પૂરઝડપે મુંબઈ પહોંચાડવામાં  આવ્યા બાદ તરત જ પરાંની એક હોસ્પિટલમાં લીવર ટ્રાન્સ પ્લાનટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્રક્રિયા સફળતા પૂર્વક પાર પડી હતી અને તરૃણ દરદીની તબિયત એકદમ સારી હોવાનું હોસ્પિટલના સૂત્રોએ  જણાવ્યું હતું.



Google NewsGoogle News