સૂર સમ્રાટ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90માં વર્ષે નિધન
ગુજરાતી સુગમ સંગીતને 8 દાયકા સુધી ગુંજતું રાખ્યું
અવિનાશ વ્યાસના માનસ પુત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી ગુજરાતી સુગમ સંગીતનો એક યુગ સમાપ્ત, લાખો રસિકો આઘાતમાં ગરકાવ
મુંબઈમાં વૃદ્ધાવસ્થાને કારણે અંતિમ શ્વાસ લીધા, નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીનઃ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિઓનો ધોધ વહ્યો
મુંબઈ : ગુજરાતી સંગીતને આઠ આઠ દાયકાથી ગૂંજતું ં રાખનારા પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયે આજે ૯૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં ગુજરાતી સંગીતમાં સૂનકાર છવાયો છે. સુગમ સંગીતના સથવારે દેશવિદેશના લાખો પુરુષોત્મ ભાઈએ આજે મુંબઈના પેડર રોડ સ્થિત તેમના નિવાસ સ્થાન ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આજે રાતે સાડા નવના અરસામાં મુંબઈના વરલી સ્મશાન ગૃહમાં તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. ૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતી સંગીતના આ દિગ્ગજે વીસથી વધુ ફિલ્મ અને ત્રીસથી વધુ નાટકોમાં ઉત્તમોત્તમ સંગીત પીરસ્યું હતું. તેમની ધૂને ભારત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ ભારતીય સંગીત પાછળ ઘેલા કર્યા હતા.
મહાન સંગીતકાર અવિનાશ વ્યાસના શિષ્ય તરીકે કારકિર્દીની શરૃઆત કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયએ ટૂંક સમયમાં જ ગુજરાતી સંગીતના વિશ્વમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. તેમણે ગુજરાતીમાં સૌથી યાદગાર એવી રચનાઓ કરી જે આજે પણ સંગીત રસિયાઓને ભાવવિભોર કરે છે. તેમની રચનાઓમાં રાગ અને ગીતની ઊંડી સમજ છલકતી હતી જેમાં પરંપરાગત અને આધુનિક સંવેદનાઓનું સહજ મિશ્રણ હતું.
ઉત્તર ગુજરાતના ૧૫ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાય બાળપણથી સંગીત અને નાટકના શોખીન હતા. સંગીતમાં કારકિર્દી ઘડવા આખરે તેમણે મુંબઈની રાહ પકડી. શરૃઆતમાં નાના મોટા કામ કરીને તેમણે સુગમ સંગીત ઉપરાંત ગઝલ ગાયનમાં લોકપ્રિયતા હાંસલ કરી. જાણીતા સંગીતકાર કલ્યાણજી-આણંદજી સાથે પણ તેમણે મ્યુઝીક આપ્યું હતું.
તેમને પત્ની ચેલના સાથે પણ સંગીતરસને કારણે જ પરિચય થયો હતો. તેમની પુત્રીઓ વિરાજ અને બીજલ પણ સુવિખ્યાત ગાયિકા છે. તેમના માટે કહેવાય છે કે પુરુષોત્તમભાઈ રથ છે તો તેમની બન્ને પુત્રીઓ સમરથ છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયનો પ્રભાવ ભારતની બહાર પણ ફેલાયો હતો. તેમના સંગીતે નોન ગુજરાતી રેસિડન્ટ (એનએસજી) તરીકે ઓળખાતા વિદેશમાં વસતા ગુજરાતીઓને ભારતીય સંગીતના દિવાના કરી દીધા હતા. તેમની રચનાઓએ વિદેશમાં વસતા ગુજરાતીઓને વતનની યાદ અપાવીને સાંસ્કૃતિક સેતુની ગરજ સારી હતી.
પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન એક યુગની સમાપ્તિ ચિહ્નિત કરે છે, પણ તેમની રચનાઓ અને ગીતો સંગીત પ્રેમીઓને પ્રેરિત અને મોહિત કરતા રહેશે અને આવનારી અનેક પેઢીઓમાં તેમનો વારસો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરશે.
પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી ગુજરાતી સુગમ સંગીતે એક છત્રછાયા ગુમાવી છે. કેટકેટલાય ગુજરાતી સંગીતકારો તથા ગાયકોને તમેણે તૈયાર કર્યા હતા. કેટલાય કવિઓ, ગઝલકારોની રચનાઓને લાખો લોકો સુધી પહોંચાડી હતી.
સોશિયલ મીડિયા પર અનેક કવિઓ, સંગીતકારો, ગાયકો, ફિલ્મ કલાકારો, નાટયજગતના મહારથીઓ ઉપરાંત સંગીતરસિકોએ પણ તેમના અવસાન અંગે ઊંડા શોકની લાગણી કરી ભારે હૈયે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોએ લખ્યું હતું કે સ્વ. પુરુષોત્તમ ઉપાધ્યાય હવે સૂરોના સરનામે સદા તેમની યાદોમાં અમર રહેશે.