સુપ્રીમે 'શોલે' ફિલ્મનો સંવાદ ટાંકીને ગવળીની મુકિત પર સ્ટે કાયમ રાખ્યો
સો જા બેટે નહીં તો ગબ્બર આ જાયેગા' જેવો ઘાટ થઈ શકે છે
અન્ય આરોપીઓ જામીન પર હોવાની દલીલના જવાબમાં કોર્ટે શોલેનો સંવાદ ટાંકીને કહ્યું 'બધા અરુણ ગવળી નથી હોતા'
મુંબઈ : કુખ્યાત ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીને મુદત પૂર્વે છુટકારો આપતા બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચના આદેશ પર સ્ટેના પોતાના આદેશને કાયમ રાખીને સુપ્રીમ કાર્ટે બ્લોકબસ્ટર ફિલ્મ 'શોલે'નો પ્રખ્યાત સંવાદન 'સો જા બેટા નહીં તો ગબ્બર આ જાયેગા' ટાંક્યો હતો.
ન્યા. કાંત અને ન્યા. દીપાંકર દત્તાની બેન્ચે ત્રીજી જૂને બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે પાંચ એપ્રિલે આપેલા આદેશના અમલ પર સ્ટે આપતા આદેશને કાયમ કર્યો હતો અને અપીલની સુનાવણી ૨૦ નવેમ્બર પર રાખી છે.
ન્યા. અરવિંદ કુમાર અને સંદીપ મહેતાની વેકેશન બેન્ચે પાંચ એપ્રિલે હાઈ કોર્ટે આપેલા આદેશને સ્થગિતી આપી હતી. મુંબઈના અગાઉની શિવસેનાના નગર સેવક કમલાકર જામસાંડેકર હત્યા કેસમાં ગવળીને જન્મટીપની સજા થઈ હતી. ગવળી નાગપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.
હાઈ કોર્ટના ન્યા. વિનય જોશી અને ન્યા. વૃશાલી જોશીની બેન્ચે અરુણ ગવળીએ કરેલી ફોજદારી અરજીને પાંચ એપ્રિલે માન્ય કરી હતી. ગવળીએ ૧૦ જાન્યુઆરી ૨૦૦૬ના સરકારી જાહેરનામા અનુસાર મુદત પૂર્વે છુટકારો આપવાનો દાવો કરતી અરજી કરી હતી.
સરકારી વકિલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગવળી સામે હત્યાના દસ કેસ સહિત ૪૬ કેસ નોંધાયેલા છે. કોર્ટે સવાલ કર્યો હતો કે છેલ્લા પાંચથી આઠ વર્ષમાં તેણે કંઈ નવું કર્યું છે. તેના જવાબમાં વકિલે ગવળી ૧૭ વર્ષથી જેલમાં હોવાનું જણાવ્યું હતું. આથી તેનામાં સુધારો થયો છે કે નહીં એમ કોર્ટે પૂછ્યું હતું.
ગવળીના વકિલ નિત્યા રામક્રષ્નને કોર્ટને જણાવ્યું હતું કે અન્ય સહઆરોપી જામીન પર છે અને બોમ્બે હાઈ કોર્ટે ગવળીને મુદતપૂર્વે મુક્તિ આપીને યોગ્ય નિર્ણય આપ્યો છે.
ગવળીનો જન્મ ૧૯૫૫માં થયો હોવાથી તેની વય ૬૯ છે. જામસાંડેકરની હત્યાના કેસમાં ૨૦૦૭થી તે જેલમાં હોવાથી સોળ વર્ષથી જેલમાં છે. ૨૦૦૬ના મહારાષ્ટ્રના પરિપત્રક અનુસાર છુટકારા માટે બંને શરતો ગવળીએ પૂર્ણ કરી છે. આથી કોર્ટે તેને મુદત પૂર્વે છોડવાનો નિર્ણય આપ્યો હતો.
૨૦૦૬નો સરકારી નિર્ણય અનુસાર ૬૫ વર્ષ પૂર્ણ થયેલા અશક્ત, મોટાભાગની સજા ભોગવી ચૂકેલા કેદીને શિક્ષામાં રાહત મળે છે. આ અનુસાર અરુણ ગવળીની સજામાંથી મુદત પૂર્વે છુટકારો મેળવવાની માગણી કરી હતી. ૨૦૦૬ના સરકારી પરિપત્રક અનુસાર જન્મટીપની સજા થયેલા કેદીને ૧૪ વર્ષનો જેલવાસ પૂર્ણ કર્યા બાદ તેમ જ ૬૫ વર્ષથી વધુ વય ધરાવનાર કેદીને મુક્ત કરી શકાય છે. નિર્ણય લાગુ હતો ત્યારે ગવળીને ૨૦૦૯માં સજા થઈ હોવાથી આ નિયમ તેને લાગુ પડે છે.
આ દલીલ સાંભળીને સુપ્રીમે નિરીક્ષણ કર્યું હતું કે મેડમ તમને જાણ હોવી જોઈએ કે બધા અરુણ ગવળી નથી હોતા. ફિલ્મ શોલેમાં એક પ્રખ્યાત ડાયલોગ છે , 'સો જા બેટા નહીં તો ગબ્બર આ જાયેગા.' અહીં પણ આવો ઘાટ થઈ શકે છે.
ગવળીના ફેફસાંમાં ખામી છે અને હૃદય રોગની બીમારીથી પીડાતો હોવાનું તેના વકિલે જણાવ્યું હતું. આથી સરકારી વકિલે જવાબ આપ્યો હતો કે ૪૦ વર્ષથી ધૂમ્રપાન કરવાનું પરિણામ છે.
કમલાકર જામસાંડેકરનો તેના વિસ્તારના સદાશિવ સુર્વે નામના શખસ સાથે મિલકત વિવાદ હતો. સદાશિવે ગવળીના હસ્તકો મારફત સુપારી આપી હતી. બીજી માર્ચ ૨૦૦૭ના રોજ સાંજે જામસાંડેકરના ઘરે તેના પર ગોળીબાર કરીને હત્યા કરાઈ હતી.