સુપ્રીમ કોર્ટે 660 કરોડની સેન્ચૂરી મિલની જમીન મહાપાલિકાને પાછી આપી
કમર્શિઅલ ઉપયોગ થશે તો કામદારો કલ્યાણ આવાસ નો હેતુ માર્યો જશે
જમીનની માલિકી કંપનીને સોંપવાનો મુંબઈ મહાપાલિકાને નિર્દેશ આપતો હાઈકોર્ટનો આદેશ પલટાવ્યા
મુંબઈ - એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ૨૦૨૨ના બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાપાલિકાને વરલીની પાંચ એકરની જમીનની માલિકી સેન્ચ્યુરી ટેકસ્ટાઈલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિ. (હાલની આદિત્ય બિર્લા રિઅલ એસ્ટેટ લિ.)ને ટ્રાન્સફર કરવાના આપેલા ચુકાદાને પલટાવી નાખ્યો છે. ન્યા. વિક્રમ નાથ અને ન્યા. પ્રસન્ના વરાળેની બેન્ચે સાત જાન્યુઆરીના રોજ આપેલા ચુકાદામાં મુંબઈ મહાપાલિકાની તરફેણ કરી છે અને સેન્ચ્યુરી ટેકસ્ટાઈલ્સની અપીલ ફગાવી દીધી છે. ૩૦,૫૫૦ ચોરસ વાર જેટલી જમીનની હાલની બજાર કિંમત આશરે ૬૬૦ કરોડ આંકવામાં આવે છે.
સિટી ઓફ બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ એક્ટ ૧૮૯૮ હેઠળ સેન્ચ્યુટી ટેકસ્ટાઈલ્સને લીઝ પર અપાયેલી જમીન અંગેનો આ વિવાદ છે. કામદાર વર્ગને આવાસ આપવાના ઈરાદે મૂળ કલ્યાણકારી યોજનાના ભાગરૃપે થયેલા લીઝ કરારમાં સેન્ચ્યુરી ટેકસ્ટાઈલ્સે કામદારો માટે રહેણાંક આવાસ ઊભા કરવાના હતા. કંપનીએ ૪૭૬ ઘરો અને ૧૦ દુકાનો ૧૯૨૫ સુધીમાં ઊભી કરીને પોતાની ફરજ પૂરી કરી હતી. જોકે ૧૯૫૫માં લીઝ પૂરી થયા બાદ કંપનીએ ૨૦૦૬ સુધીમાં જમીનનું કન્વેયન્સ કર્યું નહોતું ત્યાર પછી માલિકી સુપુર્ત કરવાની નોટિસ અપાઈ હતી.
સુપ્રીમ કોર્ટે કંપનીના વ્યવહારની ટીકા કરીને જણાવ્યું હતુંં કે જમીન આર્થિક દુર્બળ વર્ગ માટેની કલ્યાણકારી યોજના હેઠળ ફાળવાઈ હતી. જમીનનો કમર્શિઅલ ઉપયોગ કરવાના પ્રયાસથી યોજનાનો મૂળ હેતુ માર્યો જશે.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે મુંબઈ મહાપાલિકા કાયદેસર કે ફરજના ભાગરૃપે જમીનની માલિકી કંપનીને સોંપવા બંધાયેલી નથી. લીઝ પૂરી થયા બાદ છ દાયકા પછી અરજીમાં ગંભીર પ્રકારનો વિલંબ થયો છે અને એથી ટકી શકે તેમ નથી. કંપનીએ ૨૦૦૬ સુધી કન્વેયસન્સનો દાવો કરવાનો પ્રયાસ કર્યો નહોતો જ્યારે લીઝ ૧૯૫૫માં પૂરું થતું હતું.
કોર્ટના ચુકાદાના જવાબમાં આદિત્ય બિર્લા રિઅલ એસ્ટેટ લિ.એ નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે વરલીમાં આવેલા બિર્લા નિયારા પ્રોજેક્ટથી આ જમીન અલગ છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે આગામી પગલાં લેવા કાનૂની સલાહ લેવાઈ રહી છે.