Get The App

નવનીત રાણાને સુપ્રીમની રાહત, જાતિ પ્રમાણપત્ર માન્ય રાખ્યું

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
નવનીત રાણાને સુપ્રીમની રાહત, જાતિ પ્રમાણપત્ર માન્ય  રાખ્યું 1 - image


અમરાવતી બેઠકનું ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સુપ્રીમનો ચુકાદો

સમીક્ષા સમિતિએ દસ્તાવેજોનો પૂરતો અભ્યાસ કરીને નિર્ણય લીધો હતો, હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાની જરૃર ન હોવાની નોંધ

મુંબઈ :  સુપ્રીમ કોર્ટે અમરાવતીના  સાંસદ અને હાલ ભાજપના નેતા નવનીત રાણાના જાતિ પ્રમાણપત્રને કાયમ રાખીને ભાજપની ટિકિટ પર  મહારાષ્ટ્રની એસસી માટે આરક્ષિત અમરાવતી બેઠક પરથી લડવા છલ્લી ઘડીએ મોટી રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે અગાઉ પ્રમાણપત્રને રદ કરતા આપેલા આદેશને સુપ્રીમ કોર્ટે રદબાતલ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે આજે જ રાહત આપતો ચુકાદો સુપ્રીમે આપ્યો હતો.

મુંબઈ ડિસ્ટ્રીક્ટ સર્ટિફિકેટ સ્ક્રુટીની સમિતિ પાસે શિવસેનાના નેતા આનંદરાવ અડસૂળે એ નવનીત રાણાને અપાયેલા મોચી જાતિના સર્ટિફિકેટ સામે ફરિયાદ કરી હતી. ત્યારબાદ હાઈ કોર્ટમાં જાતિ પ્રમાણપત્ર રદ કરવાની અરજી કરી હતી અને હાઈ કોર્ટે આ રાણાનું પ્રમાણપત્ર રદ કરતો આદેશ આપ્યો હતો.

રાણા સામે અમરાવતી આરક્ષિત મતદારસંઘમાંથી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવા પતિ રવિ રાણાની લાગવગ વાપરીને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા બોગસ દસ્તાવેજો આપ્યાનો આરોપ હતો.

ન્યા. મહેશ્વરી અને ન્યા. સંજય કરોલની બેન્ચે રાણાની અરજીને માન્ય રાખીને જણાવ્યું હતું કે હાઈ કોર્ટે રાણાના જાતિ પ્રમાણપત્રના મુદ્દે સમીક્ષા સમિતીએ આપેલા અહેવાલમાં હસ્તક્ષેપ કરવો જોઈતો નહોતો. સમિતિએ પોતાની સામેના દસ્તાવેજોનો પૂરતો અભ્યાસ કરીને ન્યાયના સિદ્ધાંતો અનુસરીને નિર્ણય લીધો હતો. જે ચર્ચા થઈ અને હકીકતો તથા સંજોગોને રજૂ કરાયા છે તેને જોતાં અપીલ માન્ય કરવામાં આવે છે અને હાઈકોર્ટનો આદેશ રદ કરવામાં આવે છે.

આઠમી જૂન ૨૦૨૧ના રોજ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે રાણાના બનાવટી દસ્તાવેજો વાપરીને મોચી પ્રમાણપત્ર ગેરરીતિથી પ્રાપ્ત કરાયું છે. રાણા પર રૃ. બે લાખનો દંડ પણ ફટકારીને જણાવ્યું હતું કે રેકોર્ડ જણાવે છે કે તે 'શીખ ચમાર' જાતિના છે. અગાઉ હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 'ચમાર' અને 'શીખ ચમાર' સમાન જાતિ નથી. બંધારણમાં 'મોચી' શબ્દ સાથે 'શીખ ચમાર' સરખાવી શકાતો નહોવાનું જણાવાયું છે. હાઈ કોર્ટે સમીક્ષા સમિતિના રેઢિયાળ કારભારની પણ ટીકા કરી હતી. વિજિલન્સ સેલે મૂળ દસ્તાવેજો રજૂ નહીં કરાયાનો અને હસ્તાક્ષર પણ  જુદા હોવાનું જણાવીને વાંધો ઉઠાવ્યો હતો છતાં તે બાબતે સમિતિએ કશું કર્યું નહોવાનું કોર્ટે નોંધ્યું હતું.

નવનીત રાણા કોંગ્રેસ અને અનેસીપીના ટેકાથી અપક્ષ તરીકે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અમરાવતી મતદારસંઘમાંથી જીતી ગયા હતા . આ વખતે તેમને ભાજપે ટિકિટ આપી છે.



Google NewsGoogle News