મની લોન્ડરિંગ કેસમાં ભુજબળના જામીન રદ કરવાની ઈડીની અરજી સુપ્રીમે ફગાવી
મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંબંધી કેસમાં એનસીપી નેતાને રાહત
૨૦૧૮ના આદેશને આ તબક્કે હસ્તક્ષેપ અનિચ્છનીય હોવાનું સુપ્રીમે જણાવ્યું ૨૦૧૬માં આ કેસમાં ભુજબળની ધરપકડ થઈ હતી
મની લોન્ડરિંગના કેસમાં ધરપકડને પડકારતી અરજી ફગાવતા બોમ્બે હાઈકોર્ટના ૨૦૧૬ના આદેશ સામેની ભુજબળે કરેલી અરજીનો પણ કોર્ટે નિકાલ કર્યો હતો.
અરજદારોને ૨૦૧૮માં જામીન અપાયા હોવાથી આ તબક્કે ગેરકાયદે ધરપકડના પ્રશ્નમાં જવાની આવશ્યકતા નથી. આથી યોગ્ય અરજીમાં યોગ્ય તબક્કે અરજી દ્વારાઆ મુદ્દો ઉઠાવી શકાશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
૧૪ માર્ચ ૨૦૧૬ના રોજ મની લોન્ડરિંગના આરોપસર ભુજબળની ધરપકડ થઈ હતી. જાહેર બાંધકામ ખાતાના પ્રધા હતા ત્યારે દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન અને મુંબઈ યુનિવર્સિટીની કાલિના લાઈબ્રેરીના બાંધકામ દરમ્યાન કોન્ટ્રેક્ટ આપવામાં કથિત ગેરરીતિ સંબંધી આ કાર્યવાહી થઈ હતી. ૨૦૧૪માં આમ આદમી પાર્ટી દ્વારા જનહિત અરજી થઈ હતી. ભુજબળ અને તેમના પરિવારે રૂ.૯૦૦ કરોડનું કાળું નાણું ધોળું કર્યાનો આરોપ હતો. આને આધારે તેમની સામે પીએમએલએ હેઠળ મની લોન્ડરિંગનો કેસ થયો હતો.
ભુજબળે કાયદેસરપણું અને મૂળભૂત અધિકારના ભંગને ટાંકીને ધરપકડને પડકારી હતી. ધરપકડનું કારણ જણાવવામાં ઈડી નિષ્ફળ ગઈ હોવાનું અને પીએમએલએ હેઠળ એફઆઈઆર નહોવાનું કારણ ધર્યું હતું. કોર્ટે જોકે અરજી ફગાવીને નોંધ્યું હતું કે ધરપકડ અને રિમાન્ડ સદંતર ગેરકાયદે પણ નથી કે અધિકારક્ષેત્ર વિનાના પણ નથી. માર્ચ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે ભુજબળની અપીલ પર કેન્દ્રને નોટિસ આપીને જવાબ માગ્યો હતો.
સપ્ટેમ્બર ૨૦૨૧માં વિશેષ કોર્ટ ેભુજબળ અને તેમના પુત્ર તથા અન્યોને મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંબંધી ભ્રષ્ટાચારના કેસમાં મુક્તિ આપી હતી. આવકવેરા ખાતાએ ૨૦૧૨-૧૩નું અસેસમેન્ટમાંથી છટકી જવા સંબંધે આપેલી કારણદર્શક નોટિસ સામેની ભુજબળની અપીલને ડિસેમ્બર ૨૦૨૧માં બોમ્બે હાઈકોર્ટે ફગાવી હતી.