ચંદા કોચરની નિવૃત્તિના લાભ મેળવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
બોમ્બે હાઈ કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર
ચંદાનું રાજીનામું નહીં પરંતુ બરતરફી હોવાથી લાભ આપવાના બેન્કના ઈનકાર સામેનો કેસ હાઈકોર્ટે ફગાવ્યો હતો
મુંબઈ : બેન્ક દ્વારા સેવા સમાપ્તિ કરવાના નિર્ણય સામે રાહત આપવાનો ઈનકાર કરવાતા હાઈ કોર્ટના આદેશને આઈસીઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદા કોચરે સુપ્રીમ કોર્ટમાં પડકારીને કરેલી અપીલને ફગાવી દવામાં આવી છે. અરજીમાં કોચરે નિવૃત્તિના લાભ છૂટા કરવા બેન્કને નિર્દેશ અપાવાની દાદ માગી હતી.
ન્યા. ખન્ના અને ન્યા. ભટ્ટીની બેન્ચે જણાવ્યું હતુંં કે હાઈ કોર્ટના આદેશ સાથે તેઓ હસ્તક્ષેપ કરી શકે તેમ નથી એમ જણાવીને વચગાળાની રાહત નકારી હતી.
ઓક્ટોબર ૨૦૧૮માં સ્વેચ્છાએ રાજીનામું આપનાર કોચરને બેન્કે જાન્યુઆરી ૨૦૧૯માં સેવામાંથી મુક્ત કર્યા હતા. ૨૦૦૯ અને ૨૦૧૮ દરમ્યાન વિડિયોકોન ગુ્રપને આપેલી રૃ. ૩,૨૫૦ કરોડની કથિત કાયદાબાહ્ય લોનમાં કોચરની ભૂમિકાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ શરૃ થયાના મહિનાઓ બાદ બેન્કે આ નિર્ણય લીધો હતો. લોનના બદલામાં ચંદાના પતિ દીપક કોચરને લાભ અપાયો હોવાનો આરોપ છે.
બેન્કે ૨૦૧૯માં આંતરીક તપાસ હાથ ધરીને કોચરે નિયમોનો ભંગ કર્યો હોવાનું તારણ કાઢ્યું હતું. બેન્કે જણાવ્યું હતું કે તેમની સેવા મુક્તિને સામાન્ય રાજીનામું નહીં પણ સેવામાંથી છૂટા કરેલા ગણવામાં આવે. કોચરને બરતરફ કરાતાં તેને નિવૃત્તિ પૂર્વેના લાભથી વંચિત રખાયા હતા.
સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કોચરે જણાવ્યું છે કે હાઈ કોર્ટે પોતાની દલીલને ધ્યાનમાં નથી લીધી જેમાં જણાવ્યું હતંં કે પોતે રાજીનામું આપ્યા બાદ બેન્ક પાસે તેને બરતરફ કરવાનો કોઈ કાયદાકીય કે કરારાત્મક આધાર નથી. નિવૃત્તિના લાભ ઉપરાંત બેન્કે તેને ૬,૯૦,૦૦૦ના શેરનો સદો કરવાથી પણ અટકાવ્યા હોવાનું જણાવીને હાઈ કોર્ટે બેન્કની તરફેણમાં ચુકાદો ખોટી રીતે આપ્યાનું અપીલમાં જણાવ્યું છે.પોતે પદ્મ ભૂષણથી સંન્માનીત છે અને શક્તિશાળી મહિલા તરીકે ગણના પામી છે. અને ૬૨ વર્ષે સરકારી કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે, એમ અરજીમાં જણાવ્યું હતું.