Get The App

સુનીલ કેદારને કસૂરવાર ઠેરવતા આદેશ સામે સુપ્રીમ કોર્ટે રાહત નકારી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
સુનીલ કેદારને કસૂરવાર ઠેરવતા  આદેશ સામે સુપ્રીમ કોર્ટે રાહત નકારી 1 - image


મધ્યવર્તી સહકારી બેન્ક કૌભાંડમાં કોંગ્રેસના નેતાને  સુપ્રીમ કોર્ટનો ઝટકો

અપાત્ર ઠેરવાયા બાદ આગામી વિધાનસભા ચૂંટણી લડવા આદેશ જરૃરી હતો 

મુંબઈ :   નાગપુર સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક (એનડીસીસી) કૌભાંડ પ્રકરણે થયેલી સજા બાદ માજી પ્રધાન સુનીલ કેદારે સજાનો આદેશ સ્થગિત  કરવાની સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. જોકે આ કેસમાં જિલ્લા કોર્ટે સપ્ટેમ્બરના અંત સુધીમાં અપીલ પર નિર્ણય આપવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. 

અગાઉ કેદારે હાઈ કોર્ટમાં કરેલી અરજી નાગપુર બેન્ચે ગુરુવારે ફગાવી દીધી છે. અરજી ગુણવત્તાહિન હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

જિલ્લા સેશન્સ કોર્ટે જામીન, સજા અને કસૂરવાર ઠેરવવાના આદેશને સ્થગિતીની વિનંતીની અરજી ૩૦ ડિસેમ્બરે ફગાવતાં કેદારે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.  હાઈ કોર્ટે જાન્યુઆરીમાં કેદારની સજાને સ્થગિત કરીને જામીન આપ્યા હતા. આથી હાલ જેલની બહાર છે. એ વખતે તેમણે કસૂરવાર ઠેરવતા આદેશ સામે સ્થગિતી માગી હતી. કોર્ટે અરજી વિચારણામાં લેવાનો ઈનકાર કરતાં માત્ર સજા સ્થગિતી અને જામીનની વિનંતી કાયમ રહી હતી. 

વિધાનસભાનું સભ્યપદ રદ કરવાની નોટિસ વિધાનમંડળ સચિવે આપી હતી. આથી અગામી  વિધાનસભા ચૂંટણી લડી શકે તે માટે દોષસિદ્ધીનો આદેશ સ્થગિત કરવો જરૃરી હતો.આથી કેદારે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ રાહત આપી નથી.

એનડીસીસી બેન્ક સંબધી રૃ.૧૫૦ કરોડના કૌભાંડમાં દોષિત જણાતાં ૨૨ ડિસેમ્બરે કોર્ટે કેદાર સહિત છ જણને પાંચ વર્ષની સખત કેદ અને ૧૨.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી.પરિણામે તેમને લોકપ્રતિનિધિ કાયદા હેઠળ ધારાસભ્ય તરીકે અપાત્ર ઠેરવવામાં આવ્યા હતા. અમે તેમનું સભ્યપદ રદ થયું હતું.



Google NewsGoogle News