સારવારમાં બેદરકારીથી દર્દીએ દ્રષ્ટિ ગુમાવતાં વળતર આપવા ડોક્ટરને સુપ્રીમનો આદેશ
મોતિયાની સર્જરી બાદ ચેપનું નિદાન અને ઈલાજ કરવામાં નિષ્ફળ
અગાઉ ગ્રાહક પંચે આપેલા વળતર નકારતા ચુકાદાને સુપ્રીમ કોર્ટે પલટાવ્યોઃ તબીબની સ્પષ્ટ બેદરકારી હોવાનું નિરીક્ષણ
મુંબઈ : મોતિયાનું ઓપરેશન કર્યા બાદ થયેલો ચેપ શોધીને તેનો ઈલાજ કરવામાં આંખના સર્જન નિષ્ફળ ગયા હોવાનું મહારાષ્ટ્રના ગ્રાહક પંચે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે બહાલ રાખીને તબીબી બેદરકારી આચરાયાનું નોંધીને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચે આપેલા ચુકાદાને પલટાવ્યો હતો.
પ્રતિવાદી ડોક્ટર તરફથી સદંતર તબીબી બેદરકારી આચરવાને કારણે આ પરિણામ આવ્યું છે. ડોક્ટર પાસેથી અપેક્ષીત નિપુણતાને લીધે સુધારાત્મક પગલાં લઈ શક્યા હોત, એમ કોર્ટે નોંધ કરી હતી. પ્રતિવાદીને બે મહિનામાં અપીલકર્તાને રૃ. ૩.૫૦ લાખનું વળતર આપવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. નિર્ધારિત સમયમાં વળતર નહીં આપતાં ૧૨ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવણી કરવાની રહેશે.
અપીલકર્તા મૂળ ફરિયાદી છે જેણે જમણી આંખમાં મોતિયો આવતાં પ્રતિવાદી પુણેમાં આંખના સર્જનની ક્લિનિકમાં ૧૧ જાન્યુઆરી ૧૯૯૯માં સંપર્ક કર્યો હતો. તપાસ બાદ પ્રતિવાદીએ મોતિયાનું ઓપરેશન સૂચવ્યુંહતું. ઓપરેશન કરાવ્યા બાદ એ જ દિવસે રાતે રજા અપાઈ હતી. ૨૦ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ આંખમાં સખત દુખાવો અને માથું દુખવા લાગતાં ડોક્ટરનો સંપર્ક ર્યો હતો. ડોક્ટરે આંખની પટ્ટી બદલીને દવા લખી આપી કાળા ગોગલ પહેરવા જણાવ્યું હતું. આંખમાં દુખાવો નહીં ઘટતાં ડોક્ટરે આંખ તપાસી હતી. પણ ફરિયાદી આંખ ખોલી શક્યો નહોતો. આંખ ચોંટી ગઈ હોવા છતાં ઓપરેશન સફળ રહ્યાની ડોક્ટરે ખાતરી આપી હતી.
આંખની સ્થિતિ વધુ બગડતાં ડોક્ટરે ચિંતાની જરૃર નહોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ડોક્ટરે આંખ સાફ કરી હતી પરંતુ ફરિયાદીને કશું જ દેખાતું બંધ થઈ ગયું હતું પણ ડોક્ટરે થોડા દિવસમાં નોર્મલ થઈ જશે એવી ખાતરી આપી હતી. બ્લડ સુગર તપાસવાનું કહ્યું પણ એ પણ નોર્મલ આવ્યું હતું.
ફરિયાદીએ અન્ય ડોક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને અન્ય નિષ્ણાતનો સંપર્ક કરતાં તેની આંખને સંપૂર્ણપણે નુકસાન થયું હોવનું જણાવીને સમયસર કાઢી નહીં નાખવામાં આવે તો મગજને પણ નુકસાન થશે એમ જણાવ્યું હતું. ફરિયાદી ત્રીજા ડોક્ટર પાસે ગયો હતો અહીં પણ તેને આંખમાં સેપ્ટિક થયું હોવાનું અને આંખ કાઢવી પડશે એમ જણાવ્યું હતું.અંતે મિલિટરી હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લીધી હતી. ફરિયાદીની આંખ કાઢવી પડી નહોતી પણ તેમણે દ્રષ્ટિ ગુાવવી પડી હતી.
ફરિયાદીએ પોતાની આંખ અને પૈસા ગુમાવ્યા હોવાથી પ્રતિવાદી ડોક્ટર સર્જન સામે રૃ. દસ લાખના વળતરનો દાવો માંડયો હતો. જિલ્લા ગ્રાહક પંચે નિષ્ણાતોના પુરાવા જોડયા નોહવાનું કહીને દાવો ફગાવ્યો હતો. રાજ્ય ગ્રાહક પંચ ેજોકે ડોક્ટરની બેદરકારી હોવાનું જણાવીને રૃ. ૩.૫૦ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. પ્રતિવાદી ડોક્ટરે રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીએ પણ રાજ્ય પંચે પોતાના વિશેષ નુકસાનની ગણતરી નહીં કરી હોવાનું જણાવીને અપીલ કરી હતી.
રાષ્ટ્રીય ગ્રાહક પંચે નોધ કરી હતી કે અપીલકર્તાએ પોતાની મેળે આંખનું ડ્રેસિંગ બદલ્યું હતું જેને લીધે લેન્સ ખસી ગયો હતો અને તેને લીધે ચેપ થયો હોવાનું જણાય છે. ઈજાને લીધે ચેપ લાગ્યો હોવાથી ડોક્ટરની સર્જરીથી નુકસાન થયાનું કહી શકાય નહીં.
જોકે સુપ્રીમ કોર્ટે આ મામલે ડોક્ટરેે ફરિયાદીની આંખનું નિદાન કરવામાં બેદરકારી વર્તી હોવાનું નોધ્યુંહતું. ફરિયાદી સપ્તાહમાં પાંચ વાર ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગયો ત્યારે ડોક્ટરે તેને પોકળ આશ્વાસન જ આપ્યાં હતાં. જ્યારે અન્ય ડોક્ટરોએ તેને આંખમાં ચેપ લાગ્યો હોવાનું અને આંખને સંપૂર્ણ નુકસાન થયાનું નિદાન કર્યું હતું. આના પરથી જણાય છે કે સર્જન ડોક્ટરે નિદાન કરવામાં બેદરકારી વર્તી હતી. ડોક્ટર આંખમાં ચેપ હોવાનું કળી શક્યા નહોતા અને સમયસર ઈલાજ કર્યો નહોતો.