લખનભૈયા એન્કાઉન્ટર કેસમાં પ્રદીપ શર્માને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
હાઈકોર્ટે કસૂરવાર ઠેરવીને જન્મટીપ આપ્યા બાદ અપીલ
સરકારી પક્ષે જામીન નો વિરોધ જ ન કર્યોઃઅગાઉ સેશન્સ કોર્ટમાંથી મુક્તિનો સરકારે વિરોધ કર્યો હતો
મુંબઈ : લખનભૈયા કથિત બનાવટી એન્કાઉન્ટરના ૨૦૦૬ના કેસ સંબંધે કસૂરવાર ઠરેલા ભૂતપૂર્વ પોલીસ પ્રદીપ શર્માને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ન્યા. ઋષિકેશ રોય અને ન્યા. પ્રશાંત મિશ્રાની બેન્ચે આદેશ આપ્યો હતો. સરકારી પક્ષે જામીનનો વિરોધ નહીં કરતાં આદેશ આપવામાં આવ્યો હતો.
શર્માને સેશન્સ કોર્ટમાં એક સપ્તાહમાં શરણે જઈને જામીન માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે. બોમ્બે હાઈ કોર્ટે ૧૯ માર્ચે શર્માને કસૂરવાર ઠેરવીને જન્મટીપની સજા ફટકારી હતી જેની સામે તેમણે અપીલ કરી હતી.
છોટા રાજન ટોળકીના કથિત સભ્ય રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાને ઠાર કરતા એન્કાઉન્ટરનો આ કેસ છે. ગુપ્તા અને તેના મિત્રને ૧૧ નવેમ્બર ૨૦૬ના રોજ મુંબઈના પરામાંથી ઉપાડવામાં આવ્ય ા હતા અને ગુપ્તાને એ જ દિવસે બનાવટી એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યો હતો.
હરીફ ટોળકીએ ગુપ્તાને મારવા પૈસા આપ્યા હોવાનું વિશેષ તપાસ ટીમને જણાતાં ૨૦૦૯માં કેસ નોંધાયો હતો. એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપતા હાઈ કોર્ટના આદેશને આધારે એસઆઈટી રચવામાં આવી હતી. પાંચ વર્ષ ચાલેલી સુનાવણી બાદ સેશન્સ કોર્ટે જુલાઈ ૨૦૧૩માં શર્માને મુક્તિ આપી હતી પણ ૧૩ પોલીસ સહિત ૨૧ને કસૂરવાર ઠેરવ્યા હતા. ત્રણ પોલીસ સામે હત્યાનો આરોપ હતો જ્યારે ૧૮ પોલીસ સામે ગુનાને પ્રોત્સાહન આપવાનો ગુનો હતો.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આદેશને પડકાર્યો હતો, જ્યારે પોલીસ અધિકારીઓએ પણ કસૂરવાર ઠેરવવા સામે અપીલ કરી હતી. હાઈ કોર્ટે વિસ્તારથી દલીલો સાંભળ્યા બાદ ૧૨ પોલીસ અને એક નાગરિક હિતેશ સોલંકીને કસૂરવાર ઠેરવતો આદેશ બહાલ કર્યો હતો. હાઈ કોર્ટે શર્માને મુક્તિ અપાતો આદેશ રદ કરતાં શર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમે આગામી આદેશ સુધી ઓથોરિટી સમક્ષ સરણે જવામાંથી શર્માને મુક્તિ આપી હતી. કોર્ટે શર્માને આજે જામીન આપ્યા હતા.
શર્મા હાલ એન્ટિલિયા વિસ્ફોટક કેસ તથા તેને લગતા મનસુખ હિરેણની ૨૦૨૧માં થયેલી હત્યાના કેસમાં પણ જામીન પર છે.