Get The App

પોર્શે કેસમાં સગીરના મિત્રના પિતાને આગોતરા જામીનનો સુપ્રીમનો ઈનકાર

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
પોર્શે કેસમાં સગીરના મિત્રના પિતાને આગોતરા જામીનનો સુપ્રીમનો ઈનકાર 1 - image


પ્રથમ દર્શનીય કેસ બનતો હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું

સગીર સાથે પ્રવાસ કરતા તેના મિત્રના બ્લડ સેમ્પલ બદલવાનો પણ અરજદાર પિતા પર આરોપ

મુંબઈ :  સુપ્રીમ કોર્ટે આજે પુણે પોર્શે એક્સિડન્ટ કેસની સુનાવણી દરમિયાન સગીર મુસાફરના પિતા અરુણકુમાર સિંહને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરી તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. સિંહનો સગીર પુત્ર આ વર્ષની શરૃઆતમાં પુણેના કલ્યાણીનગરમાં બનેલ પોર્શેકાર અકસ્માત સમયે સહ-મુસાફર તરીકે કારમાં હાજર હતો. આ દુર્ઘટનામાં પોર્શેકારે તેજ ગતિએ એક બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇકસવાર એક યુવક અને તેની સ્ત્રીમિત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ આકસ્માત બાદ સિંહ પર પુત્રના લોહીમાં રહેલા દારૃની હાજરી છુપાવવા માટે તેના પુત્રના લોહીના નમૂના બદલવા કાવતરું ઘડનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે બોમ્બે હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. 

અકસ્માતની આ  ઘટના ગત ૧૯ મેના રોજ પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં બની હતી. જેમાં એક સગીર દ્વારા કથિત રીતે ચલાવવામાં આવતી પોર્શે કાર એક બાઇક સાથે અથડાઈ હતી જેના પરિણામે બે વ્યક્તિના મોત થયા હતા. જેમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થતો હતો. આ ઘટના બાદ સિંહ અને અન્ય સહ-આરોપીઓએ તપાકસર્તાઓને ગેરમાર્ગે દોરવાના હેતુથી દારૃના સેવનના પુરાવાઓને નષ્ટ કરવાના આશયથી લોહીના નમૂનાઓની અદલાબદલી કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

આ કેસમાં ૨૩ ઓક્ટોબરના રોજ બોમ્બે હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે એવા પ્રથમદર્શી પુરાવા ઉપલબ્ધ છે જે સુચવે છે કે સિંહે સસૂન હોસ્પિટલના ડોક્ટરોને તેમના પુત્રના લોહીના નમૂનાને બદલવા માટે લાંચ આપી હતી. આ બાબતે કોર્ટે નોંધ્યું હતું કે આવેદનકરનાર ઉક્ત સગીર પુત્રના પિતા હોવાને નાતે આઇપીસીની કલમ ૧૨૦-બી હેઠળ ષડયંત્રનો હિસ્સો હતા. અરજદારે લોહીના નમૂના અને તેના પરના લેબલ બદલી આ લોહીના નમૂના તેના સગીર પુત્રના જ છે તેવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ સહઆરોપી આશિષ મિતલના લોહીના નમૂના હતા. લોહીના નમૂના પર ચોંટાડવામાં આવેલ લેબલ જ બનાવટનો આધાર છે. જેને સહ-આરોપી ડો. હુલનોર સાથે મળી બનાવવામાં આવેલ ષડયંત્રના દસ્તાવેજો તરીકે જોઈ શકાય છે.' તેથી  અરજદારે ઉઠાવેલ એ તર્ક કે લોહીના નમૂના કોઈ 'દસ્તાવેજ' નથી એ મહત્વહીન બની જાય છે. તેથી અદાલતે એવું તારણ કાઢ્યું છે કે ગુનો પ્રથમ દ્રષ્ટિએ એકદમ સ્પષ્ટ છે.



Google NewsGoogle News