Get The App

એસ્થર અનુહ્યા રેપ, હત્યામાં ફાંસીની સજા પામેલા આરોપીને સુપ્રીમે નિર્દોષ છોડયો

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
એસ્થર અનુહ્યા રેપ, હત્યામાં ફાંસીની સજા પામેલા આરોપીને  સુપ્રીમે નિર્દોષ છોડયો 1 - image


ટીસીએસની એન્જીનીયિર યુવતીના બહુચર્ચિત કેસમાં ચુકાદો

સરકારી પક્ષના નિવેદનમાં વિસંગતી, તપાસમાં અનેક ખામીઓ  તથા જવલ્લે જ બનતો  કેસ હોવાનાં નિરીક્ષણો સાથે  સુપ્રીમે સજા પલ્ટાવી

કુર્લા એલટીટીથી યુવતીને અંધેરી લઈ જવાને બદલે ભાંડુપ પાસે ઝાડીમાં લઈ જઈ બળાત્કાર બાદ હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયો હતો

મુંબઈ - દેશભરમાં ગાજેલા એસ્થર અનહ્યા બળાત્કાર અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી રિક્ષાચાલક ચંદ્રભાન સાનપને નિર્દોષ જાહેર કર્યો છે. ૨૩ વર્ષની એસ્થર અનુહ્યા એન્જિનીયરિંગ નો અભ્યાસ કરતી હતી. ૨૦૧૪ની  પાંચ જાન્યુઆરીના રોજ બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ચંદ્રભાનને મુંબઈ સેશન્સ કોર્ટે આપેલી ફાંસીની સજા હાઈકોર્ટે પણ બહાલ રાખી હતી. પણ સુપ્રીમ કોર્ટે આ સજા રદ કરી છે.

 ઘર સુધી છોડી દેવાનું કહીને પાંચ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ચંદ્રભાને એસ્થરને ટુ વ્હીલપર બેસાડીને અંધેરીને બદલે અજાણી જગ્યાએ લઈ જઈને તેના પર બળાત્કાર કરી હત્યા કર્યાનો આરોપ હતો. ઘટનાના દસ દિવસ બાદ ૧૬ જાન્યુઆરીએ ભાંડુપના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સોફ્ટવેર એન્જિનિયર એસ્થરનો વિકૃત મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી પક્ષના ૩૯ સાક્ષીમાંથી ચાર સાક્ષી હતા, જેમની સાક્ષીમાં સાનપની ઓળખ થઈ હતી. તપાસ દરમ્યાન મળેલા ડીએનએ પુરાવાથી સાનપને હાઈકોર્ટે સજા સંભળાવી હતી. 

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

હાઈકોર્ટે આપેલી ફાંસીની સજાને ચંદ્રભાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે તપાસમાં તફાવત હોવાનું નોંધ્યું હતું. એટલું જ નહીં આ જવલ્લે બનતો કેસ પણ કહી શકાય નહીં, એવું નોંધીને સરકારી પક્ષના નિવેદનમાં તફાવત હોવાનું અને તપાસમાં અનેક ત્રૃટિઓ જણાતાં ચંદ્રભાનને નિર્દોષ મુક્ત કર્યો હતો. 

બનાવના દિવસે શું થયેલું?

એસ્થર મૂળ આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમની રહેવાસી હતી. ઉપનગરમાં ટીસીએસ ઓફિસમાં આઈટી વિભાગમાં આસિસ્ટિંટ એન્જિનીયર તરીકે કામ કરતી હતી. નિયમિત પ્રમાણે ઘરે  નાતાલની ઉજવણી કરવા આંધ્ર ગઈ હતી. ઘરે પરિવાર સાથે આનંદથી ઉજવણી કર્યા બાદ વળતી વખતે પાંચ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ પરોઢિયે ૪.૫૫ વાગ્યે મુંબઈના કુર્લા એલટીટી સ્ટેશને ઉતરી હતી. સ્ટેશન પર એકલી જોઈને સાનપે તેને ટુ વ્હીલર પર અંધેરી રૃ.૩૦૦માં છોડવાની તૈયારી બતાવી હતી.  સાનપ પાસે ટેક્સી નહીં પણ  ટૂ વ્હીલર હોવાનું જણાતાં એસ્થરે તેની સાથે જવાનો ઈનકાર કર્યો હતો. સાનપે પોતાનો મોબાઈલ નંબર આપીને એસ્થરને પ્રવાસ માટે રાજી કરી હતી.  ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ભાંડૂ વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં લઈ જઈને તેના પર બળાત્કાર કરીને હત્યા કરી હતી. તેનો મૃતદેહત્યાં જ બાળી નાખ્યો હતો. પોલીસને અધ્ર બળેલી અવસ્થામાં તેનો મૃતદેહ મળ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. વિશષ મહિલા કોર્ટે ક્રૂરતાભર્યું અમાનવીય કૃત્ય ગણાવીને ફાંસીની સજા સંભળાવી હતી. પોલીસે ૩૬ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા બાદ  ૨૫૦૦ લોકોની તપાસ કર્યા બાદ સાનપની નશિકથી ધરપકડ કરી હતી.૫૪૨ પાનાંનું આરોપનામું નોંધાવ્યું હતું.



Google NewsGoogle News