માથેરાનમાં 20 ઈ-રિક્ષા ચલાવવાની સુપ્રીમની મંજૂરી
હાથરિક્ષા ચાલકોના હાથમાં આવશે સ્ટીઅરીંગ
હાથરિક્ષા ચાલક સંગઠને બાકીના રિક્ષા ચાલકોને પણ તુરંત મંજૂરી આપવાની માગણી કરી
મુંબઈ : હિલ સ્ટેશન માથેરાનમાં છેલ્લા એક વર્ષથી ઇકો-ફ્રેન્ડલી ઈ-રિક્ષા શરૃ કરવાનો પ્રયાસ કરી રહેલા હાથરિક્ષા ચાલકોને આખરે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ૨૦ ઈ-રિક્ષા ચલાવવાની મંજૂરી આપી છે. પરવાનાધારક હાથરિક્ષા ચાલકોને જ પરવાનગી આપવામાં આવે તેમજ આવા ચાલકો વિશેની વિસ્તારપૂર્વક માહિતી એક મહિનામાં કોર્ટને સુપરત કરવાનો આદેશ પણ રાજ્ય સરકારને આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ૧૦ જાન્યુઆરીના રોજ ઈ-રિક્ષા હાથરિક્ષા ચાલકોને આપવામાં આવે એવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તે વખતે મોનિટરીંગ કમિટીને ઈ-રિક્ષાના નિયમો તેમજ તેની સંખ્યા નક્કી કરવા જણાવાયું હતું. તદનુસાર નિયંત્રણ મોનિટરીંગ કમિટીએ પહેલા તબક્કામાં ૨૦ ઈ-રિક્ષાને પરવાનગી આપી હતી. પણ કમિટીના અહેવાલમાં ૨૦ ઈ-રિક્ષાનું વર્ગીકરણ ૧૫ વિદ્યાર્થીઓને અને પાંચ સ્થાનિક તરીકે કરાયું હતું.
શ્રમિક રિક્ષા સંગઠના વકીલે ઈ-રિક્ષાની સેવા સ્થાનિક તેમજ પર્યટકોને આપવાની માગણી કરી હતી. ત્યાર પછી કોર્ટે ઈ-રિક્ષાની સેવા સ્થાનિકો તેમજ પર્યટકોને આપવાનો આદેશ આપ્યો છે.
હાથરિક્ષા ચાલકોએ કોર્ટના આદેશનું સ્વાગત કરતા જણાવ્યું કે તેનાથી હાથરિક્ષા જેવી અમાનવીય પદ્ધતિનો અંત કરવાની શરૃઆત થશે તેમજ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં બાકીના ૭૪ હાથરિક્ષા ચાલકોને પણ ઈ-રિક્ષાની પરવાનગી મળશે.
ઈ-રિક્ષાનું સંચાલન માથેરાન પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે. કોર્ટના આદેશ પછી ૨૬ એપ્રિલે જિલ્લા અધિકારી સાથેની બેઠક પછી ઈ-રિક્ષા વિશે વધુ નિર્ણય લેવામાં આવશે એવી જાણકારી માથેરાનના મુખ્ય અધિકારીએ આપી હતી.