શરદ પૂનમની રાતે ગગન ગોખમાં ઉજવાયો સુપર મૂનનો સૌંદર્ય ઉત્સવ
પૃથ્વી સૂર્યની નજકી જતી હોવાથી સર્જાતી અવકાશી ઘટના
ચંદ્રમા દર પૂનમ કરતાં 14 ગણો વધુ મોટો અને 30 ગણો વધુ ઝળહળતો જોવા મળ્યો : શશી પૃથ્વીથી 357164 કિલોમીટર નજીકના અંતરે આવ્યો હતો
મુંબઇ : આજે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમા(૨૦૨૪ની ૧૭,ઓક્ટોબર)ની રાતે ચંદ્રમા તેની સોળેય કળાએ ઝળહળતા ઉગ્યા હતા. આજનો શરદ પૂનમનો ચંદ્ર દર શુકલ પક્ષ(જેને સુદ અને અજવાળિયું પણ કહેવાય છે) ના શશીના કદ કરતાં ૧૪ ટકા વધુ મોટો દેખાયો હતો. સાથોસાથ ૨૭ --૩૦ ટકા વધુ ઝળહળતો પણ રહ્યો હતો. મુંબઈમાં જોકે અનેક વિસ્તારોમાં વાદળાં છવાયેલાં હોવાથી રસિકોને નિરાશા થઈ હતી.
આજનો સુપરમૂન પૃથ્વીથી સૌથી વધુ નજીક, વધુ ચમકતો અને વધુ ઝળહળતો જોવા મળ્યો હતો. આજનો સુપર મૂન મોટી થાળી જેવો દેખાયો હોવાથી અફાટ,અનંત આકાશમાં તેનું કુદરતી સૌંદર્ય વેરાયું હતું.
જોકે આજની શરદ પૂર્ણિમાનો ઇન્દુ(ચંદ્રનું સંસ્કૃત નામ) મુંબઇનાં પ્રકૃતિપ્રેમીઓ, વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ, ખગોળશાસ્ત્રીઓ માટે આકાશ દર્શન સાથોસાથ સંશોધન અને અભ્યાસનો વિષય પણ રહ્યો હતો.
આજે અશ્વિન માસ(આસો મહિનો)ની શરદ પૂર્ણિમાના શુભ પર્વે ચંદ્રમા અશ્વિન નક્ષત્રમાં રહ્યો છે.
નેહરુ સાયન્સ સેન્ટર(વરલી)ના ડાયરેક્ટર ઉમેશ કુમાર રુસ્તગીએ 'ગુજરાત સમાચાર'ને એવી વિશિષ્ટ માહિતી આપી હતી કે સુપર મૂન એટલે ખગોળશાસ્ત્રીની સરળ ભાષામાં શરદ પૂનમનો દૂધમલિયો સોમ. આમ તો ચંદ્રમા દર પૂનમે તેની પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષામાં ફરતો ફરતો પૃથ્વી નજીક આવે ત્યારે તેનું કદ અને પ્રકાશ(ચંદ્ર પર સૂર્યનાં તેજસ્વી કિરણો ફેંકાતાં હોવાથી તે આપણને પૃથ્વી પરથી ચમકતો દેખાય છે) બંને વધુ મોટું અને વધુ પ્રકાશિત લાગે છે. એટલે કે ચંદ્ર સહિત તમામ ઉપગ્રહો અને પૃથ્વી સહિત બધા ગ્રહો ખરેખર તો પરપ્રકાશિત છે.તેઓને પોતાનો સ્વયં પ્રકાશ નથી)
ખગોળશાસ્ત્રીની દ્રષ્ટિએ સમજીએ તો ચંદ્રની તેના પિતૃ ગ્રહ પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષા સંપૂર્ણ ગોળાકાર નહીં પણ દીર્ઘલંબગોળાકાર છે. દીર્ઘલંબગોળાકાર ભ્રમણકક્ષા હોવાથી હિમાંશુ(ચંદ્રનું સંસ્કૃત નામ) ક્યારેક બહુ નાનો અને ઝાંખો દેખાય છે. તો કોઇક વખત બહુ ઝગમગતો અને પ્રકાશિત જોવા મળે છે. ચંદ્રમા નાનો અને ઝાંખો દેખાય ત્યારે તે પૃથ્વીથી ઘણો દૂર હોય છે.જ્યારે ચમકતો જોવા મળે ત્યારે તે ફરતો ફરતો પૃથ્વી નજીક આવે છે.
ચંદ્રની ભ્રમણકક્ષાના પૃથ્વીથી સૌથી દૂરના બિંદુને ખગોળશાસ્ત્રની ભાષામાં એપોજી કહેવાય છે, જ્યારે પૃથ્વીથી સૌથી નજીકના બિંદુને પેરીજી કહેવાય છે. સુધાંશુ(ચંદ્રનું સંસ્કૃત નામ) અને પૃથ્વી વચ્ચેનું સામાન્ય અંતર ૩,૮૪,૪૦૦ કિલોમીટર છે.
શશધર(ચંદ્રનું સંસ્કૃત નામ) દર શરદ પૂર્ણિમાના આનંદ--ઉલ્લાસના પર્વે પૃથ્વીથી તેના સામાન્ય અંતરની સરખામણીએ ઘણો નજીક આવતો હોવાથી અને તેના સામાન્ય પ્રકાશિત સ્વરૃપ કરતાં વધુ ઝળહળતો દેખાતો હોવાથી તેને સુપર મૂન કહેવાય છે.
ખગોળશાસ્ત્રીની આ દ્રષ્ટિએ સુપર મૂનની અદભુત અને નયનરમ્ય પ્રાકૃતિક ચમત્કાર તો આજની ૧૭,ઓક્ટોબરની સવારે ૬ ઃ૩૨ વાગે થઇ ગયો છે.સરળ રીતે સમજીએ તો આજે સવારે ૬ ઃ૩૨ વાગે ચંદ્રમા અને પૃથ્વી વચ્ચેનું અંતર ૩,૫૭,૧૬૪ કિલોમીટર રહ્યું હતું.
બીજીબાજુ આજે ૧૭,ઓક્ટોબરે સૂર્યાસ્ત બાદ સાંજે ૬ ઃ ૦૦ કુમુદ(ચંદ્રનું સંસ્કૃત નામ) વાગે પૃથ્વીથી ૩,૫૭,૧૬૧ કિલોમીટરના અંતરે રહ્યો હતો. ચંદ્રનું આટલું અંતર તેના સામાન્ય અંતરની સરખામણીએ ૨૬,૯,૮૬ કિલોમીટર ઓછું રહ્યું હતું.
આજે રાત્રે ૧૧ ઃ ૫૫ વાગે આકાશ દર્શનનાં અસંખ્ય પ્રેમીઓએ ભારતનાં ગોહાટી, દિલ્હી, લખનૌ વગેરે શહેરના આકાશમાં સુપર મૂનનાં મજેદાર દર્શનનો યાદગાર આનંદ માણ્યો હોવાના સમાચાર મળે છે.
જોકે આજે રાતે મુંબઇના ગગનમાં વાદળોનો જબરો જમઘટ જામ્યો હોવાથી સુપર મૂનનો આનંદ માણી શકાયો નહોતો.
વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે. રાવલે બહુ મહત્વનું ખગોળિય પરિબળ સમજાવતાં 'ગુજરાત સમાચાર'ને કહ્યું હતું કે ખરેખર તો સુપર મૂન જેવી કોઇ જ વિશિષ્ટ પરિસ્થિતિ નથી હોતી. હકીકત એ છે કે શરદ પૂનમના દિવસો દરમિયાન પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં ફરતી ફરતી સૂર્ય નજીક આવી રહી છે. હવે ચંદ્ર મૂળભૂત રીતે તો પૃથ્વીનો ઉપગ્રહ હોવાથી તે પણ તેની માતા પૃથ્વી સાથે જ રહે. પૃથ્વી સૂર્ય નજીક આવે એટલે તેના વિરાટ ગોળા પર આદિત્યનારાયણનાં તેજસ્વી કિરણોનો પ્રભાવ અને અસર બંને વધુ રહે. આવી જ પ્રક્રિયા ચંદ્રમા પર પણ થાય.પરિણામે આ સમયગાળામાં અંતરિક્ષમાંથી પૃથ્વીનો ગોળો વધુ મોટો અને વધુ ચમકદાર દેખાય.આવું જ મનોહર દ્રશ્ય પૃથ્વી પરથી મૃગાંક(ચંદ્રનું સંસ્કૃત નામ)નું પણ જોવા મળે.
રહી વાત સુપર મૂન શબ્દની . તો ઇન્ટરનેશલ એસ્ટ્રોનોમિકલ યુનિયન(આઇ.એ.યુ.) દ્વારા સુપર મૂન શબ્દને સત્તાવાર માન્યતા નથી મળી. ૧૯૭૯માં રિચાર્ડ નોલ્લે નામના જ્યોતિષશાસ્ત્રીએ સુપર મૂન શબ્દ રજૂ કર્યો છે, જેને સમાચાર માધ્યમોએ દુનિયાભરમાં પ્રસિદ્ધ કર્યો છે. સુપર મૂન ઉપરાંતમાઇક્રો મૂન, બ્લડ મૂન, રેડ મૂન વગેરે જેવાં નામ પણ પ્રસિદ્ધ થયાં છે.
ખરેખર તો આવી નૈસર્ગિક ઘટના માટે પેરીજી અને એપોજી એમ બે નામ જ સાચાં છે કારણ કે દર પૂર્ણિમાએ ચંદ્રમા પૃથ્વીથી નજીક આવે, જે પેરીજી પ્રક્રિયા કહેવાય. પૂનમ બાદ ચંદ્ર પૃથ્વીથી દૂર જાય, જે પ્રક્રિયાને એપોજી કહેવાય છે.