150 કરોડના નાગપુર બેન્ક કૌભાંડમાં કોંગ્રેસના સુનીલ કેદારને 5 વર્ષની જેલ
બેન્કની રકમ ખાનગી કંપનીઓને રોકાણ માટે અપાઈ હતી
લેભાગુ કંપનીઓ દેવાદાર બનતાં ખેડૂતોના પૈસા ડૂબી ગયા હતાઃ કૌભાંડ બહાર આવ્યાના 20 વર્ષ બાદ ચુકાદો
મુંબઈ : નાગપુર બેન્ક કૌભાંડ કેસમાં કોંગ્રેસના નેતા અને માજી પ્રધાન સુનીલ કેદારને કોર્ટે દોષી ઠેરવીને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેેન્કના ૧૫૦ કરોડના કૌભાંડ કેસમાં નાગપુરના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સુનીલ કેદાર અને અન્ય અરોપીઓને પાંચ વર્ષની સજા સંભળાવી છે. કેદાર તત્કાલિન બેન્ક અધ્યક્ષ હતા અને તેમની સાથે કેતન શેઠ (મુખ્ય શેર દલાલ) અને તત્કાલિન બેન્ક મેનેજર અશોક ચૌધરી સહિત અન્ય ત્રણ શેર દલાલ મળીને કુલ છ જણને દોષિત ઠેરવાયા હતા.
કેદારને સૌમ્ય શિક્ષાની માગણી તેના વકિલે કરી હતી. કેદાર લોકપ્રતિનિધિ હોવાથી તેમને ઓછામાં ઓછી સજા આપવાની દલીલ તેના વકિલે કરતાં કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી.
કદારને બે વિવિધ કલમ હેઠળ અનુક્રમે પાંચ અને એક વર્ષની સજા ફટકારાઈ હતી આ સજા એક સાથે ભોગવવાની હોવાથી કુલ પાંચ વર્ષની જેલ થશે. આ ઉપરાંત સાડા બાર લાખનો દંડ પણ ફટકારાયો છે.
નાગપુર જિલ્લા બન્ક કૌભાંડના કેસમાં ૨૦૦૨માં ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે કેદાર બેન્કના અધ્યક્ષ હતા. ખાનગી કંપનીઓની મદદથી બેન્કની રકમમાંથી સરકારી શેર ખરીદી કરાયા હતા. આગળ આ કંપનીઓ દેવાળિયા નીકળતાં કંપનીઓએ ક્યારેય બેન્કને સરકારી શેર આપ્યા નહોતા અને બેન્કની રકમ પણ પાછી આપી નહોવાનો આરોપ છે. ફોજદારી ગુનાની નોઁધ થયા બાદ સીઆઈડી પાસે તપાસ અપાઈ હતી. તપાસ પૂર્ણ થવા પર ૨૨ નવેમ્બર ૨૦૦૨ના રોજ સીઆઈડીએ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું.
૧૯૯૯માં કેદાર નાગપુર જિલ્લા બેન્કના અધ્યક્ષ હતા ત્યારે બેન્કની રકમ એક ખાનગી કંપનીની મદદથી કોલકતાની કપંનીના શેરમાં રોકવામાં આવી હતી. સહકાર વિબાગના કાયદા અનુસાર બેન્કની પરવાનગી લીધા વિના બેન્કની રકમ બીજે રોકી શકાય નહીં. નિયમનો ભંગ કરીને રકમ રોકી હતી. ખાનગી કંપની દિવાળુ કાઢતાં બેન્કમાં રખાયેલી ખેડૂતોની રકમ ડૂબી હઈ ગઈ હતી.
કેદાર કોર્ટમાં પહોંચ્યા હતા પણ એક આરોપી નંદકિશોર ત્રિવેદીનો અકસ્માત થતાં તે હોસ્પિટલમાં છે, આથી તેને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવ્યો હતો.