અત્યાર સુધીનાં સૌથી ઓછાં 16.2 ડિગ્રી તાપમાન સાથે મુંબઈમાં ટાઢોડું
મુંબઈગરાને શિયાળાની ઠંડીનો પહેલીવાર અનુભવ થયો
સમગ્ર મહારાષ્ટ્રમાં શીત લહેરઃ નાસિક નજીકના નિફાડમાં સાત ડિગ્રી તાપમાન, ઔરંગાબાદ, જળગાંવ અને અહમદનગરમાં 10 ડિગ્રીથી ઓછું
મુંબઇ : મુંબઇમાં ફરીથી ટાઢાબોળ પવનો સાથે ગમતીલો શિયાળુ માહોલ સર્જાયો છે. મુંબઇગરાં રાજી રાજી છે. ગઇકાલે, ૧૬,જાન્યુઆરીના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણેક ડિગ્રીનો ઘટાડો થયો છે. પરિણામે વાતાવરણમાં ટાઢોડાનો અનુભવ થઇ રહ્યો છે.બીજીબાજુ મહારાષ્ટ્ર આખું ઠરીને ઠીંકરું થઇ ગયું છે. રાજ્યનાં ૧૪ સ્થળોએ ઠંડીનો પારો સાત(૭) થી ૧૨ ડિગ્રી જેટલો ઠંડોગાર નોંધાયો છે.
મધ્ય મહારાષ્ટ્રનું નિફાડ (નાશિક નજીક) આજે સાત(૭) ડિગ્રી સેલ્સિયસ સાથે આખા રાજ્યનું સૌથી ટાઢુંબોળ સ્થળ રહ્યું છે.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૨૮.૬ અને લઘુત્તમ તાપમાન ૧૮.૮ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૯.૨ અને લઘુત્તમ તાપમાન ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મુંબઇમાં હજી આવતા ૪૮ કલાક દરમિયાન ફૂલગુલાબી ઠંડીનું આવું જ વાતાવરણ રહે તેવી સંભાવના છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ પશ્ચિમ હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સાયકલ શરૃ થઇ છે. આ સાયકલની સીધી અને તીવ્ર અસર છેક મુંબઇ અને મહારાષ્ટ્રમાં થઇ હોવાથી ટાઢોબોળ શિયાળુ માહોલ સર્જાયો છે. સાથોસાથ પવનો પણ ઉત્તર- પશ્ચિમ -ઉત્તર(વાયવ્ય) દિશામાંથી ઠંડી સાથે ફૂંકાઇ રહ્યા છે.ઉપરાંત, ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં ઠંડા પવનો અતિ તીવ્ર ગતિએ પણ આકાશના સાંકડા પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે.
આવાં તમામ બદલાયેલાં કુદરતી પરીબળોની વ્યાપક અસરથી મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ તો ઠંડીનો પારો ૧૦.૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ નીચો ઉતરી ગયો છે. ખાસ કરીને આખા મધ્ય મહારાષ્ટ્રમાં કડકડતો શિયાળો જામ્યો છે.
વળી, હાલ કર્ણાટકના ઉત્તર હિસ્સાના આકાશથી મહારાષ્ટ્રના વિદર્ભ સુધીના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે. આવતા ત્રણ-ચાર દિવસ હવામાન સૂકું રહેશે.
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં ઠંડીનો પારો ૯.૨ ડિગ્રી જેટલો ટાઢોબોળ રહ્યો હતો. જળગાંવ -૯.૪, અહમદનગર -૯.૬, નાશિક --૯.૮, બારામતી -૧૦.૦, પુણે -૧૦.૮, જાલના -૧૧.૦, માલેગાંવ--૧૧.૪,યવતમાળ--૧૧.૫, અકોલા -૧૨.૩, સાતારા-૧૨.૪, ગોંદિયા -૧૨.૪, બુલઢાણા -૧૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.