સલમાનની હત્યાના કાવતરાંનો મુખ્ય સૂત્રધાર સુખા ઝડપાયો
હરિયાણાની હોટલમાં વેશ પલટો કરીને રહેતો હતો
પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો, લોરેન્સના આદેશથી પનવેલમાં જ હત્યાનું કાવતરું, સલમાન પર નજર રાખવા ૬૦ લોકો રોક્યા હતા
મુંબઈ : બોલીવુડ અભિનેતા સલમાન ખાનની હત્યાના કાવતરાના લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર સુખા ઉર્ફે સુખબીર બલબીરસિંહની નવી મુંબઈ પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે. તે પાકિસ્તાનમાં હેન્ડલર સાથે સંપર્ક ધરાવતો હતો. સલમાનની પનવેલ ખાતેના ફાર્મહાઉસમાં જ હત્યા કરવાની યોજના હતી અને સલમાનના વિવિધ શૂટિંગ સ્થળો, ઘર તથા અન્યત્ર સલમાનની એકેએક હિલચાલ પર નજર રાખવા ૬૦થી ૭૦ માણસો રોકવામાં આવ્યા હતા.
પાણીપતમાં સેક્ટર-૨૯માં આવેલી હોટેલમાં નવીમુંબઈ અને હરિયાણા પોલીસે કાર્યવાહી કરી હતી.
કુખ્યાત લોરેન્સ બિશ્નોઈના આદેશ પર કામ કરતો આરોપી સુખા ઉર્ફે સુખબીર બલબીર સિંહ પોલીસથી બચવા જુદા જુદા સ્થળે ભાગી રહ્યો હતો. તે દાઢી અને વાળ વધારીને વેશ પલટો કરીને પાણીપતની હોટેલમાં રહેતો હતો.
સલમાન ખાનની હત્યાના કથિત કાવતરાને અંજામ આપવા માટે પાકિસ્તાનથી એકે-૪૭ એમ ૧૬, એકે ૯૨ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરવાના હતા.
નવીમુંબઈ પોલીસે ગત ૨૪ એપ્રિલના સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના ૧૮ આરોપી સહિત અન્ય સામે કેસ નોંધ્યો હતો.
૧૪ એપ્રિલના બાંદરામાં સલમાન ખાનના નિવાસ સ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ફાયરિંગ બાદ અન્ય ગુનાની વધુ માહિતી મળી હતી.
પોલીસે એફઆઈઆરમાં આરોપી તરીકે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તેના ભાઈ અનમોલ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર, રોહિત ગોધરાનો સમાવેશ કર્યો હતો.
નવી મુંબઈ પોલીસે આ કેસમાં બિશ્નોઈ ગેંગના પાંચ આરોપી ધનંજય ઉર્ફે અજય કશ્યપ ઉર્ફે નાહવી, ગૌરવ ભાટિયા, વાસીમ ખાન ઉર્ફે વાસીમ ચિકના, રિઝવાન ખાન ઉર્ફે જાવેદ અને દીપક હવા સિંહ ઉર્ફે જોનની ધરપકડ કરી હતી.
પોલીસને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ સલમાનની તેના ફાર્મ હાઉસ નજીક હત્યા કરવાના હતા.
લોરેન્સ બિશ્નોઈ અને સંપત નહેરા ગેંગે ખાનની હિલચાલ પર નજર રાખવા તેના બાંદરાના નિવાસસ્થાન, પનવેલ ફાર્મ હાઉસ, ફિલ્મના શૂટિંગ સ્થળો પર રેકી કરવા ૬૦થી ૭૦ જણ રાખ્યા હતા.
પાકિસ્તાનથી શસ્ત્રો ખરીદી સગીરોનો શાર્પશૂટર તરીકે ઉપયોગ કરવાના હતા.
જાન્યુઆરી, ૨૦૨૪માં બનાવટી ઓળખપત્રના આધારે અજાણી બે વ્યક્તિએ પનવેલના ફાર્મ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હોવાનું સલમાને નોંધ્યું હતું.
૨૦૨૨માં તેની બિલ્ડિંગ પાસે બેન્ચ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. માર્ચ ૨૦૨૩માં બિશ્નોઈ ગેંગ તરફથી ઈમેલ પર ધમકી મળી હતી.
બાબા સિદ્દિકી હત્યાના કેસમાં સુખબીર સિંહની પૂછપરછ કરાશે
બાંદરામાં બાબા સિદ્દીકીની હત્યા પોતે કરાવી હોવાનું લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કબૂલ કર્યું છે. મુંબઈ પોલીસે આ ગુનામાં લોરેન્સ બિશ્નોઈના સાગરીતોની ધરપકડ કરી છે. હવે હરિયાણાથી પકડાયેલા સુખબીર સિંહની નવી મુંબઈ પોલીસ બાબા સિદ્દીકી હત્યા કાંડમાં પૂછપરછ કરવાની છે, એમ એક અધિકારીએ જણઆવ્યું હતું.
બિશ્નોઈ ગેંગના નિશાના પર સલમાન ખાન ઉપરાંત બાબા સિદ્દીકી હતા. સિદ્દીકીના મર્ડરમાં સિંહની સંડોવણી છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.
સલમાનની હત્યા માટે ૨૫ લાખમાં સોપારી અપાઈ હતી
અજય કશ્યપને સલમાન પર ગોળી ચલાવવા સિલેક્ટ કરાયો હતો
સલમાનની હત્યા માટે સુખાએ પચ્ચીસ લાખની સોપારી આપી હતી.સુખાએ સલમાન ખાનની હત્યા માટે શૂટર અજય કશ્યપ ઉર્ફે એકે અને અન્ય ચાર જણને કવતરામાં સામેલ કર્યા હતા.
કશ્યપ અને તેની ટીમે સલમાનના ફાર્મ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. તેની સુરક્ષા વ્યવસ્થાની તપાસણી કરી હતી જેના આધારે અભિનેતાની કડક સુરક્ષા અને બુલટ પ્રુફ વાહનોને લીધે હત્યા માટે અત્યાધુનિક, ઉચ્ચ ગુણવત્તાવાળા શસ્ત્રોની જરૃર હોવાનું નક્કી કર્યું હતું. પોલીસે સુખા અને પાકિસ્તાનમાં ગેરકાયદેસર શસ્ત્રો વેચતા ડોગર વચ્ચે મોબાઈલ ફોન પર થયેલી વાતચીતના પુરાવા મળ્યા હતા.
સલમાનના ઘરની રેકી અને શસ્ત્રો ખરીદવા સુખા વીડિયો કોલથી ડોગરનો સંપર્ક કરતો હતો. એમાં ડોગર એકે-૪૭ અને અન્ય અત્યાધુનિક શસ્ત્રો એક શાલમાં લપેટીને રાખતો જોવા મળ્યો હતો. પાકિસ્તાનથી ડોગર શસ્ત્રો વેચવા તૈયાર થઈ ગયો હતો. આ શસ્ત્રો માટે સુખા ૫૦ ટકા એડવાન્સ રકમ ચૂકવવા સંમત થયો હતો.