એઆઈ દ્વારા હૃદયરોગના સંભવિત દર્દીઓને ઓળખવામાં સફળતા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
એઆઈ દ્વારા હૃદયરોગના સંભવિત દર્દીઓને ઓળખવામાં સફળતા 1 - image


મહારાષ્ટ્રમાં  6 લાખની તપાસમાં 18 હજાર દર્દી મળ્યા

અગાઉ યોગ્ય સારવાર નહીં મેળવનારાને તત્કાળ સારવાર આપી જીવ બચાવવા સફળતા

મુંબઈ :  મહારાષ્ટ્રમાં એસટી એલેવેશન માયોકાર્ડિઅલ ઈન્ફાર્કશન તરીકે ઓળખાતી એઆઈ આધારીત નિદાન માં છ લાખ દર્દીઓને આવરી લેવાયા હતા તેમાંથી ૧૮ હજાર લોકો હાર્ટની ગંભીર બીમારી ધરાવતા હોવાની સમયસર ઓળખ થઈ ચુકી છે અને તે તમામને સરકારી હોસ્પિટલોમાં સારવાર અપાઈ છે.  મહારાષ્ટ્રમાં ૨૦૨૧થી હાર્ટ એટેકના સંભવિત કેસો શોધી કાઢવા માટે આ એઆઈ આધારિત નિદાન સર્વેક્ષણનો ઉપયોગ સરકારી હોસ્પિટલો દ્વારા થઈ રહ્યો છે. 

એઆઈ દ્વારા અગાઉ જેમની સમયસર યોગ્ય સારવાર ન થઈ હોય તેવા દર્દીઓને ઓળખી કાઢવામાં આવે છે. તેમાં વર્ષે સાત લાખ દર્દીઓનાં નિદાનનું લક્ષ્યાંક છે. 

 ખાસ કરીને યુવાનોમાં હૃદયરોગના વધતા વ્યાપને કારણે આ પ્રોજેક્ટ તાત્કાલિક કાર્યવાહી માટે એઆઈ-આધારીત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ અનુસાર આમાંથી ૩૫ ટકા મૃત્યુ યુવાનોમાં થાય છે. રાજ્યમાં ૩૦-૪૦ વર્ષની વયના પુરુષો અને ૪૦-૬૦ વર્ષની વયની સ્ત્રીઓમાં કાડયોવેસ્ક્યુલર રોગોમાં વધારો થયો છે. એસટીઈએમઆઈ કાર્યક્રમ સરકારી યોજના મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને હૃદયરોગના નિદાન અને સારવારની જોગવાઈ પૂરી પાડે છે.

આ કાર્યક્રમ ૩૮ હબ અને ૧૪૫ સ્પોક્સ-જિલ્લા હોસ્પિટલો, પેટા-જિલ્લા હોસ્પિટલો અને ગ્રામિણ હોસ્પિટલો સમાવિષ્ટ કરતા ૧૨ જિલ્લામાં અમલમાં મુકાયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તરે રાજ્યના તમામ જિલ્લામાં અમલમાં મુકાશે.

ઉલ્લેખનીય છે કે શહેરના હૃદયરોગ નિષ્ણાંતોને છેલ્લા એક દાયકામાં યુવા દરદીઓમાં હૃદયરોગના હુમલા અને હૃદય વિકાર બંનેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. યુવા વર્ગમાં વધુ હૃદયરોગનું ચિંતાજનક સ્તર વધુ પ્રમાણમાં કેલરીયુક્ત આહારનું સેવન, ઓછી ઊંઘ, વ્યાવસાયિક તણાવ, ધૂમ્રપાન, આલ્કોહોલ અને વધુ સમય સુધી કામ કર્યા કરવાની પ્રવૃત્તિ જવાબદાર હોવાનું નિષ્ણાંતો માને છે.



Google NewsGoogle News