વિદ્યાર્થીનું ઈમેઈલ એકાઉન્ટ હેક કરી અભદ્ર મેસેજ મોકલાતાં પોલેન્ડના વીઝા રદ
કોન્સ્યુલેટ તથા યુનિ. સત્તાધીશોને અશ્લીલ મેસેજ મોકલાયા
ઘાટકોપરના વિદ્યાર્થીનું પોલેન્ડમાં મેડિકલ અભ્યાસ કરવાનું સપનું રોળી નાખવા કોઈ જાણીતી વ્યક્તિએ જ કાવતરું ઘડયાની શંકા
મુંબઇ : ઘાટકોપરના ૧૮ વર્ષના મેડિકલ સ્ટુડન્ટનું ઈમેઈલ એકાઉન્ટ હેક કરી તેના પરથી પોલેન્ડના કોન્સ્યુલેટ જનરલ તથા પોલેન્ડની મેડિકલ સાયન્સ યુનિવર્સિટીના પદાધિકારીઓને અભદ્ર મેસેજીસ મોકલાતાં આ વિદ્યાર્થીના વીઝા રદ થઈ ગયા હતા. કોન્સ્યુલેટ તરફથી સ્ટુડન્ટ વીઝા રદ કરી દેવાયાની જાણ કરાતાં હાંફળાફાંફળા થઈ ગયેલા વિદ્યાર્થીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વિદ્યાર્થીની નજીકના જ કોઈ વ્યક્તિએ વિદેશમાં અભ્યાસની તેની તકો રોળી નાખવા માટે કાવતરું ઘડયું હોવાની શંકા છે.
ઘાટકોપર પશ્ચિમના એલબીએસ રોડ પર રહેતા ૧૮ વર્ષના હિરેન સારંગ ભુંજેએ વિજ્ઞાાન પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ કર્યું છે. તે પોલેન્ડમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માગતો હતો તેણે વિઝા માટે અરજી કરી હતી. તેણે ઇમેલ આઇડી સહિત તમામ જરૃરી વિગતો અસબમિટ કરી હતી તે પોલેન્ડની પોઝનાન મેડિકલ સાયન્સ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.
કોઈ અજાણી વ્યક્તિએ તા. ૧૭મીએ રાતે હિરેનનું ઈમેઈલ એકાઉન્ટ હેક કર્યું હતું અને પોલેન્ડના કોન્સ્યુલેટ જનરલ ઉપરાંત યુનિવર્સિટી સત્તાધીશોના ઈમેઈલ આઈડી પર અભદ્ર અને અશ્લીલ મેસેજીસ મોકલ્યા હતા. આ મેસેજીસમાં એમ પણ જણાવાયું હતું કે પોતે પોલેન્ડની યુનિવર્સિટીમાં ભણવા માગતો નથી કે ત્યાં પગ પણ મૂકવા માગતો નથી.
બાદમાં તા. ૧૮મીએ હિરેનને પોલેન્ડના કોન્સ્યુલેટ જનરલ તરફથી ઈમેઈલ મળ્યો હતો જેમાં તેના સ્ટુડન્ટ વીઝા રદ કરાયા હોવાનું જણાવાયું હતું.
દેખીતી રીતે જ કોઈ વ્યક્તિએ તેના વિદેશ અભ્યાસની તકો રોળી નાખવા માટે કાવતરું ઘડી તેનું ઈમેલ એકાઉન્ટ હેક કરી આ મેસેજીસ મોકલ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. હિરેન વિદેશ ભણવા જવાનો છે અને પોલેન્ડની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો છે તેની તેના નજીકના લોકો કે તાજેતરના તેના સંપર્કમાં આવનારા લોકોને જ જાણ હતી. તેમાંથી કોઈએ તેનું ઈમેઈલ એકાઉન્ટ હેક કર્યું હોય તેવું બની શકે છે.
હિરેનની ફરિયાદના આધારે વિક્રોલીના પાર્કસાઇટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર, નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.