રાજ્યમાં વીઆઈપી મૂવમેન્ટને કારણે વિદ્યાર્થિની એમએનું પેપર ચૂકી ગઈ
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
વીઆઈપી મૂવમેન્ટને લીધે અડધો કલાક રસ્તો બંધ રહેતાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકાયું નહીં
મુંબઈ - વીઆઈપી કલ્ચરને કારણે સામાન્ય નાગરિકોને ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેનું તાજું ઉદાહરણ મહારાષ્ટ્રમાંથી આવ્યું છે. જ્યાં વીઆઈપી મૂવમેન્ટને કારણે વિદ્યાર્થિનીનું એમએનું પેપર છૂટી ગયાનો વિડીયો વાયરલ થયો છે.
વાયરલ થયેલા વિડીયો અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ વિસ્તારમાં એક યુવતી પરીક્ષા આપવા જઈ રહી હતી. પરંતુ બેરિકેડિંગને કારણે તેની રીક્ષા અટકાવાઈ હતી. વિદ્યાર્થિનીએ પોલીસકર્મીને પૂછતાં જણાવાયું હતું કે કોઈ વીઆઈપી આવવાના હોવાથી રસ્તો બંધ કરાયો છે.
વિદ્યાર્થિનીએ એક પોલીસ અધિકારીને પોતાને જવા દેવા માટે વિનંતી કરી હતી પરંતુ પોલીસ ટસની મસ થઈ ન હતી. આથી તેને ૩૦ મિનીટ સુધી રીક્ષામાં વાહનવ્યવહાર શરુ થવાની રાહ જોવી પડી હતી. જેના પરિણામે તે પેપર ચૂકી ગઈ હતી.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેની સાથે એવું લખવામાં આવ્યું છે કે, આ વીઆઈપી કલ્ચર, જેમાં માત્ર એક વીઆઈપીના પસાર થવા માટે કલાકો સુધી રસ્તા બ્લોક કરી દેવાય છે તે હવે બંધ થવું જોઈએ. હજારો સામાન્ય નાગરિકો આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને તેમનો કિંમતી સમય બગડે છે.