સેકસટોર્શનમાં પોતાનું ખાતું વાપરવા આપનારો વિદ્યાર્થી ઝડપાયો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
સેકસટોર્શનમાં પોતાનું ખાતું વાપરવા આપનારો વિદ્યાર્થી ઝડપાયો 1 - image


ડેટિંગ એપમાં પરિચય બાદ અશ્લીલ વીડિયો મોકલી પૈસા પડાવાયા

જૂહુના યુવક સાથે સેક્સટોર્શનની તપાસમાં રાજસ્થાનના વિદ્યાર્થીના બેન્ક ખાતાંમાં રકમ જમા થતી હોવાનું જણાયું

મુંબઇ :  સીબીઆઇમાંથી બોલી રહ્યા હોવાનું જણાવી લોકોનું સેક્સટોર્શન કરતી એક ફ્રોડ ટોળકીને પોતાનું બેન્ક ખાતું વાપરવા આપનાર એક વિદ્યાર્થીની જુહુ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. 

આ સંદર્ભે ફરિયાદીએ જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ એફઆઇઆર મુજબ માર્ચ મહિનામાં તેની વાતચીત ડેટીંગ એપ પર એક યુવતી સાથે થઇ હતી. આ સમયે યુવતીએ ફરિયાદી પાસેથી તેનો ફોન નંબર માગી લીધો હતો.  થોડા સમય બાદ તેને વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો જેમાં એક મહિલા અશ્લીલ કૃત્ય કરતી નજરે પડી હતી. ફરિયાદીએ તરત કોલ કટ કરી  નાંખ્યો હતો.

ફરિયાદીને ત્યારબાદ બીજા દિવસે એક નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો જે ફરિયાદીએ ડાઉનલોડ કરતા તેના  હોશ ઉડી ગયા હતા કારણ કે આ વીડિયોમાં ફરિયાદીનો પોતાનો જ અશ્લીલ વીડિયો નજરે પડયો હતો. ફ્રોડસ્ટરોએ ફરિયાદીને તેનો જ મોર્ફ કરેલો વીડિયો મોકલ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીને એક નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતે સીબીઆઇમાંથી બોલી રહ્યો હોવાનું જણાવી તેના અશ્લીલ વીડિયોને લઇ તેની સામે ગુનો નોંધાયો છે અને પોલીસ  તેની ક્યારે પણ ધરપકડ કરવા આવશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત જો આ વીડિયો યુ-ટયુબ સહિત અન્ય સોશિયલ મીડિયા સાઇટો પર અપલોડ ન થાઇ ત ેવું ઇચ્છતા હોવ તો ૫૦ હજાર રૃપિયા ચૂકવવા પડશે તેવી ધમકી ફરિયાદીને આપવામાં આવી હતી.

ફરિયાદી આ તમામ વાતોથી ડરી ગયો હોવાથી તેણે ૫૦ હજાર રૃપિયા સામેની વ્યક્તિના જણાવ્યાનુસાર મોકલી આપ્યા હતા.  જોકે આ ઘટના બાદ ફરિયાદીને પોતાની છેતરપિંડી થઇ હોવાની શંકા જતા તેણે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી  વધુ તપાસ આદરી હતી. આ દરમિયાન ઉચ્ચાધિકારીઓએ આ કેસમાં ત્વરિત તપાસની સૂચના આપતા અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં  ફ્રોડની રકમ રાજસ્થાનના એક વ્યક્તિના ખાતામાં જમા થઇ હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ  માહિતીને આધારે જુહુ પોલીસની એક ટીમ રાજસ્થાનના અલવર પહોંચી ગઇ હતી અને છેતરપિંડીની રકમ જે ખાતામાં  જમા થઇ હતી તેની છટકું ગોઠવી ધરપકડ કરી હતી. આ ખાતું આશીષ સ્વામી નામના એક  યુવકનું  હોવાનું અને હાલ  તેનો અભ્યાસ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી આ ફ્રોડમાં સંડોવાયેલ અન્ય લોકોને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News