એસટીનાં એક યુનિયન દ્વારા આજથી હડતાલ
- દિવાળીના ધસારા ટાણે જ નાક દબાવાશે
- એસટી નિગમની સરકારી વિભાગ તરીકે વિલિનીકરણની માગણી ન સંતોષાતાં એલાન
મુંબઈ : આર્થિક કટોકટીનો સામનો કરવા મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેશને દિવાળીમાં ઉતારૂઓના ધસારાને ધ્યાનમાં લઈ તાત્પુરતો ભાડાવધારો કરી વધુ કમાણી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે બીજી તરફ એસ.ટી.ના એક યુનિયને આવતીકાલે સોમવારથી કામબંધની હાકલ કરી છે. પરિણામે તહેવારના દિવસોમાં જ લોકોએ હાલાકી સહન કરવી પડે એવી શક્યતા છે.
એસ.ટી. કોર્પોરેશનનું રાજ્ય શાસનમાં વિલિનીકરણ કરવાની માગણી સાથે એસટી કર્મચારીઓએ ગયા વર્ષે લાંબી હડતાલ પાડેલી. એ વખતે સરકારે વચન આપ્યા છતાં માગણીઓ સંતોષાઈ ન હોવાથી એસ.ટી. કષ્ટ કરી જનસંઘે દિવાળીના દિવસોમાં જ કામબંધનું એલાન કર્યું છે. એસ.ટી. કષ્ટ કરી જનસંઘના અધ્યક્ષ એડવોકેટ જયશ્રી પાટીલે કામબંધની નોટિસ એસ.ટી. પ્રશાસનને આપી છે.
તેલંગણાની જેમ મહારાષ્ટ્ર એસ.ટી. કોર્પોરેશનનું રાજ્ય શાસનમાં વિલિનીકરણ કરવામાં આવે, રાજ્ય સરકારના કર્મચારીઓ જેટલું ૪૨ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે અને સાતમા વેતન પંચની ભલામણો તરત લાગુ કરવામાં આવે વગેરે માગણી તરફ રાજ્ય સરકારનું ધ્યાન ખેંચવા માટે કામ- બંધ આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.