અનંત ચતુર્દશી પર મુંબઈ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
અનંત  ચતુર્દશી  પર મુંબઈ પોલીસ દ્વારા  કડક બંદોબસ્ત ગોઠવાયો 1 - image


5 હજાર સીસીટીવીથી ચાંપતી નજર રખાશે

સિવિલ ડ્રેસમાં પોલીસ  વિર્સજન શોભાયાત્રામાં જોડાશે અને તમામ ગતિવિધોઓ પર નજર રાખશે

મુંબઇ  :  મુંબઈમાં અનંત ચતુર્દશીના દિવસે પોલીસે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે અને આકસ્મિક પ્રવૃત્તિઓ રોકવા માટે ૨૩ હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 

મુંબઈમાં અનંત ચતુર્દશીના દિવસે ચોપાટી અને ગણેશ વિસર્જનના સ્થળોએ સાવચેતીના પગલા રુપે એસઆરપીએફ, ક્યુઆરટી, ફોર્સ વન, રેપિડ એક્શન ફોર્સના વધારાના જવાનો અને મુંબઈ પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓને રિઝર્વમા રાખવામાં આવ્યા છે. આમાં હોમગાર્ડ અને એનજીઓના અધિકારીઓની મદદ પણ લેવામાં આવશે. 

અનંત ચતુર્દશીના વિસર્જન સરઘસો  અને ચોપાટી પર વિસર્જન સમારોહ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે  ૭૧ કંટ્રોલ રુમ પર ડ્રોનથી ઝીણવટભરી  નજર રાખવામાં આવશે. વિર્સજન માર્ગ પર સંવેદનશીલ સ્થળોએ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. તો શંકાસ્પદ ગતિવિધિઓ નોંધવા માટે પોલીસ સિવિલ ડ્રેસમાં  ગણેશ વિર્સજન શોભાયાત્રામાં ભાગ લેશે. 

આ દરમિયાન બોમ્બ ડિટેક્ટર અને ડિસ્પોઝલ ટીમ અને ડોગ ટીમની મદદથી ભીડભાડ વાડા સ્થળો  અને વિર્સજનની  જગ્યાઓનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે. તો મુંબઈમાં સ્થિત પાંચ હજાર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરીંગ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, કોસ્ટલ પોલીસ વતી બોટ દ્વારા  પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને કોસ્ટ ગાર્ડ અને નેવીની પણ આમાં મદદ લેવામાં આવશે. 

વધુમાં, લાલબાગના રાજા માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. મુંબઈમાં ગિરગાંવ, દાદર, જુહુ, માર્વે, એક્સા જેવા મુખ્ય સ્થળો સહિત ૭૩ કૃત્રિમ તળાવો પર  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. અહીં સાઉન્ડ સિસ્ટમ સાથેના હંગામી કંટ્રોલરુમ પણ ઉભા કરવામાં આવ્યા છે. અનંત ચતુર્દશીના દિવસે કોઈ અફવાઓ ન ફેલાય તે માટે સાયબર પોલીસ સોશિયલ મિડીયા પર ચાંપતી નજર રાખશે. તેમજ જો કોઈ ઘટનાની જાણ થાય તો પોલીસનો સંપર્ક કરી, પ્રથમ તેની તપાસ કરવી અને પછી જ મેસેજ શેર કરવો  તેવી અપીલ પણ કરવામાં આવી છે.



Google NewsGoogle News