Get The App

મહારાષ્ટ્રમાં તોફાની હવામાનઃ વિદર્ભના 5 જિલ્લામાં ઓરેન્જ, 13 માં યલો એલર્ટ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં તોફાની હવામાનઃ  વિદર્ભના 5 જિલ્લામાં ઓરેન્જ, 13 માં યલો એલર્ટ 1 - image


- બે વિરુદ્ધ દિશાના પવનોની ટક્કરની અસર

- ગાજવીજ, તોફાની પવન, કરા- વર્ષાનો માહોલ સર્જાવાનો હવામાન ખાતાનો વરતારો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ : મુંબઈ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં ભારે તોફાની પરિવર્તન થઈ રહ્યાં છે. હવામાનના આ ફેરફાર માનવ આરોગ્ય સહિત ખેતીના પાક માટે પણ ભારે ચિંતાજનક- નુકસાનકારક બની શકે છે.

હવામાન ખાતાએ એવો ચેતવણી સૂચક વરતારો આપ્યો છે કે આવતા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના પાંચ જિલ્લા (અમરાવતી, ભંડારા, ગોંદિયા, નાગપુર, વર્ધા)માં મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા, તોફાની પવન, કરા પડવાનું ભારે તોફાની વાતાવરણ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઈ રહ્યાં છે. એટલે આ પાંચેય જિલ્લા માટે આવતા ૨૪ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.

ઉપરાંત ૨૬, ૨૭ ફેબુ્રઆરી દરમિયાન રાજ્યના પરભણી, હિંગોળી, નાંદેડ, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, બુલઢાણા, ગઢચિરોળી, ગોંદિયા, નાગપુર, વર્ધા, વાશીમ, યવતમાળ એમ કુલ ૧૩ જિલ્લામાં પણ ગાજવીજ, તીવ્ર પવન, હળવી વર્ષાનું ભારે ત્રેખડ સર્જાય તેવી ચેતવણી આપવામાં આવી છે. આ તમામ ૧૩ જિલ્લા માટે હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કરી છે. હવામાન ખાતાએ નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાની સલાહ આપી છે.

હવામાન ખાતાનાં પુણે કેન્દ્રના ડાયરેક્ટર ડો. અનુપમ કશ્યપીએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે આજથી હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની નવી સાયકલ શરૂ થઈ છે. સાથોસાથ મરાઠવાડાના ગગનમાં ૦.૯ કિ.મી.ના અંતરે સાયકલોનિક સકર્યુલેશનની અસર છે. ઉપરાંત મરાઠવાડાથી વિદર્ભ થઈને આંધ્ર પ્રદેશ સુધીના આકાશમાં ૦.૯ કિ.મી.ના અંતરે બે વિરુધ્ધ દિશાના પવનોની જબરી ટક્કર પણ થઈ રહી છે. વળી છત્તીસગઢથી વિદર્ભ થઈને તામિલનાડુ સુધીના આકાશમાં હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે.

આવાં એક કરતાં વધુ કુદરતી પરિબળોની તીવ્ર અસરથી રાજ્યનું હવામાન તોફાની બને તેવી પૂરી સંભાવના છે. 


Google NewsGoogle News