તોફાની વરસાદને પગલે વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર ત્રણેયની લોકલો , મેટ્રો સેવા ખોરવાઈ
ધૂંધળા વાતાવરણને લીધે ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરે ટ્રાફિક જામ
મુલુંડથી થાણે વચ્ચે ઓવરહેડ પોલ ઝૂકી જતાં ટ્રેનો બંધ પડીઃ મેટ્રોનો ઓવરહેડ વાયર તૂટયો
મુંબઇ : સમગ્ર મુંબઈ સહિત થાણે, કલ્યાણ, ડોમ્બિવલી તેમ જ નવી મુંબઈ જેવા વિસ્તારમાં બપોર પછી વાવાઝોડા સાથે વરસાદ વરસતા રેલવેની ત્રણેય લાઇનો અનુક્રમે મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઇનને અસર પહોંચી હતી. પશ્ચિમ અને હાર્બર રેલવેની ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી. જ્યારે મધ્ય રેલવેની ટ્રેનોને ભારે અસર થઈ હતી. સવારે સિંગ્નલમાં ખામી સર્જાતા ટ્રેનો એકથી દોઢ કલાક મોડી દોડી રહી હતી. જ્યારે બપોર પછી વાવાઝોડાને લીધે મુલુંડથી થાણે વચ્ચે ભારે પવનને લીધે ઓવરહેડ ઇક્યુપમેન્ટ પોલ ઝૂકી જતા મધ્ય રેલવેની ટ્રેન સેવા ફરી ખોટવાઈ ગઈ હતી.
મધ્ય રેલવેના પ્રવક્તાના જણાવ્યાનુસાર મેનલાઇન પર ઉપનગરીય સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. મુંબઈથી થાણે તરફ જતી ટ્રેનોને સ્લો લાઇનની જગ્યાએ ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવી હતી અને સમારકામ માટે એક નંબરની લાઇન સંપૂર્મણપમે બંધ કરી દેવામાં આવી હતી. મુંબઈથી થાણે જવા નીકળેલા લોકો ત્રણ કલાકે થાણે પહોંચ્યા હતા. સવારે હેરાન થયેલા નોકરીયાત વર્ગને સાંજે પણ ભારે હાડમારી સહેવી પડી હતી. રેલવેના સ્ટાફે ત્યાર બાદ યુદ્ધના ધોરણે ઝૂકી ગયેલા પોલનું સમારકામ હાથ ધર્યું હતું.
સેન્ટ્રલ રેલવે તથા વેસ્ટર્ન રેલવે બંનેએ સાંજે પ્રવાસીઓ જોગ નિવેદન જાહેર કર્યું હતું કે તોફાની વરસાદને કારણે ટ્રેનો મોડી દોડી રહી છે. ભરબપોરે પણ વાતાવરણ ધૂંધળું બની જતાં લોકલની લાઈટ્સ ચાલુ કરવી પડી હતી.
વાવાઝોડા સહિત વરસાદની અસર મેટ્રો સેવા પર પણ પડી હતી. ઘાટકોપરથી વરસોવા વચ્ચે દોડતી મેટ્રો પર એરપોર્ટ રોડ સ્ટેશન નજીક ઓવરહેડ વાયર પર બેનર તૂટી પડતા મેટ્રો ટ્રેન સેવા થોડા સમય માટે ઠપ્પ પડી ગઈ હતી. જોકે મેટ્રોના પ્રવક્તાના જણાવ્યા મુજબ મેટ્રોના કર્મચારીઓએ તરત જ આ સમસ્યા દૂરી કરી દેતા મેટ્રોની ટ્રેનો ફરીથી રાબેતા મુજબ દોડવા માંડી હતી.
વાવાઝોડા સહિત વરસાદની અસર ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા વાહનવહેવાર પર પણ થઈ હતી અને ઠેર-ઠેર ટ્રાફિકજામ સર્જાયેલો નજરે પડતો હતો. વાતાવરણ ધૂંધળું બની જતાં કેટલાય વાહનચાલકોએ સાઈડમાં કાર અટકાવી દીધી હતી. કેટલાંય વાહનો અતિશય ધીમી ગતિએ આગળ વધતાં હતાં. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘાટકોપરથી મુલુંડ તરફ જતા વાહનોની લાંબી લાઇનો લાગેલી નજરે પડતી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ ઠેર-ઠેર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.નવા બનેલા અટલ સેતુ તથા કોસ્ટલ રોડ પર પણ વિઝિબિલિટીના કારણે વાહનોની ગતિ મંદ કરી દેવી પડી હતી.