એટીએમમાં ગ્લુ ચોંટાડી અન્યોની રોકડની તફડંચીઃ ગઠિયો ઝડપાયો
બોરીવલીમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ધરપકડે
કોઈ પૈસા ઉપાડે ત્યારે ખાતાંમાથી ડેબિટ થઈ જાય પણ ગ્લૂ ચોંટવાથી પૈસા નીકળે નહીં, બાદમાં આરોપી રોકડ કાઢી લેતો હતો
મુંબઇ : બેંકના એટીએમ મશીનના ડિસ્પેન્સિંગ સ્લોટમાં ઇન્સ્ટન્ટ ગ્લુ ચોંટાડી મશીન સાથે ચેડાં કરી રોકડ તફડાવતા ૨૧ વર્ષના યુવાનની બોરીવલીના કસ્તુરબા માર્ગ પોલીસે ધરપકડ કરી છે.
હિમાંશુ રાકેશ તિવારી તરીકે ઓળખાયેલા આરોપીએ બોરીવલીના એમજીરોડ પરના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક એટીએમમાંથી પાંચ હજાર રૃપિયાની રકમ તફડાવ્યાના ગણતરીના કલાકોમાં પોલીસે તેને પકડી પાડયો હતો. આરોપી ગુજરાત જવા માટે ટિકિટ બુક કરવાના પ્રયાસમાં હતો ત્યારે જ એક ટ્રાવેલ એજન્સીની ઓફિસમાંથી પોલીસે તેને ઝડપી લીધો હતો.
સોમવારે રાત્રે સાડાબાર વાગ્યે ફરિયાદી શફીક શેખ (૩૪) એસબીઆઇના આજ એટીએમ સેન્ટરમાં રોકડ કઢાવવા આવ્યો હતો. તેણે પાંચ હજાર રૃપિયાની રકમ કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એટીએમના ડિસ્પેન્સિંગ સ્ટોલમાંથી રકમ બહાર આવી નહોતી પણ તેને પાંચ હજાર રૃપિયા ડેબિટ થઇ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. શેખે તરત જ સતર્ક બની આ વાતની માહિતી બેંકની હેલ્પલાઇન પર ફોન કરીને આપી હતી.
આ વાતની જાણ થયા બાદ બેંકના અધિકારીઓએ તરત જ કસ્તુરબા માર્ગ પોલીસને જાણ કરી હતી અને સાંજે છ વાગ્યાથી લઇ રાત્રે ઘટના બની ત્યાર સુધીનું એટીએમ સેન્ટરનું સીસીટીવી ફૂટેજ પણ મોકલ્યું હતું. આ સીસીટીવી ફૂટેજમાં આરોપી તિવારી એટીએમ મશીન સાથેે ચેંડા કરતો જણાયો હતો. ત્યારબાદ પોલીસની એક ટીમે તેની ઓળખ મેળવી તેની તપાસ આદરી હતી અને એક ટ્રાવેલિંગ એજન્સીની ઓફિસમાંથી તેને પકડી પાડયો હતો. આરોપી ગુજરાત ભાગી છૂટવાની ફિરાકમાં હતો અને ટિકિટ બુક કરવા આવ્યો હતો. પોલીસે તેના પાસેથી એટીએમમાંથી તફડાવેલી પાંચ હજારની નોટો પણ જપ્ત કરી હતી.
આ સંદર્ભે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી એટીએમ મશીનના ડિસ્પેન્સિંગ સ્લોટ પર ઇન્સ્ટન્ટ ગ્લુ લગાવી દેતો જેથી જ્યારે કોઇ રોકડ કઢાવવા આવે ત્યારે તેને પૈસા ડેબિટ થયાનો મેસેજ પ્રાપ્ત થાય પણ રોકડ બહાર આવે નહીં. રોકડ કઢાવનારાને એટીએમ બગડયું હશ,ે તેવું લાગે અને તે થોડા સમય બાદ ત્યાંથી નીકળી જાય. જેવી રોકડ કઢાવવા આવેલી વ્યક્તિ રવાના થાય કે તરત આરોપી અંદર જઇ બ્લેડ અથવા કટરની મદદથી ગ્લુ હટાવી રોકડ મેળવી લેતો હતો.
પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૭૯ (ચોરી) અને ૩૪ (સમાન ઇરાદો) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી કોઇ મોટી ગેન્ગનો સભ્ય હોવાની શંકાને આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે.