હાર્દિક પંડયા સાથે છેંતરપિંડીમાં સાવકા ભાઈ વૈભવના રિમાન્ડ લંબાવાયા

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડયા સાથે છેંતરપિંડીમાં સાવકા ભાઈ વૈભવના રિમાન્ડ  લંબાવાયા 1 - image


સંયુક્ત માલિકીની કંપનીમાં 4 કરોડની ઉચાપતનો આરોપ

મુંબઈ પોલીસે રિમાન્ડ લંબાવવા માટે અરજીનો વૈભવના વકીલે વિરોધ ન કર્યોઃ હવે 19મી સુધી કસ્ટડી

મુંબઇ :  મુંબઈની એક અદાલતે આજે ક્રિકેટર હાર્દિક પંડયા અને કૃણાલ પંડયાના સાવકા ભાઈ વૈભવની પોલીસ કસ્ટડી ૧૯ એપ્રિલ સુધી લંબાવી હતી. વૈભવ સામે સંયુક્ત બિઝનેસ વેન્ચરમાં ચાર કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. આરોપી વૈભવ પંડયાના અગાઉના રિમાન્ડ પૂરા થતા તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ વૈભવની કસ્ટડી વધારવા માટે કોર્ટને વિનંતી કરી હતી. વૈભવના વકીલે  આર્થિક ગુના શાખાની આ અરજીનો વિરોધ કર્યો ન હોવાથી કોર્ટે તેની કસ્ટડી શુક્રવાર સુધી લંબાવી હતી.

૩૭ વર્ષીય વૈભવની ૮ એપ્રિલના રોજ ક્રિકેટર ભાઈઓ સાથે રૃ. ચાર કરોડથી વધુની છેતરપિંડી કરવા બદલ ગુનાહિત વિશ્વાસ ભંગ, ફોજદારી ધાકધમકી, ફોજદારી કાવતરું, બનાવટ અને આઇપીસીની અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. અગાઉ વૈભવે કોર્ટમાં કહ્યું હતું કે આ પારિવારિક મોમલો છે અને ગેરસમજને કારણે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ ક્રિકેટર ભાઈઓએ વૈભવ સાથે મળીને મુંબઈમાં  પાર્ટનરશીપ ફર્મ સ્થાપી હતી અને ૨૦૨૧માં પોલિમર બિઝનેસ શરૃ કર્યો હતો.  પંડયા બંધુઓએ આ બિઝનેસમાં ભાગીદારીની શરતો અનુસાર ૪૦-૪૦ ટકા અને વૈભવે બાકીના ૨૦ ટકા મૂડીનું રોકાણ કર્યું હતું. શરતો મુજબ વૈભવે ધંધાના રોજિંદા કામકાજ પર નજર રાખવાની હતી અને નફાની વહેંચણી સમાન પ્રમાણમાં કરવાની હતી. એવો આક્ષેપ છે કે વૈભવે પંડયાબંધુઓને જાણ કર્યા વિના આ જ વ્યવસાયમાં અન્ય એક ફર્મ સ્થાપી હતી અને આ રીતે ભાગીદારી કરારનું ઉલ્લંધન કર્યું હતું. નવી કંપનીની સ્થાપના સાથે મૂળ ભાગીદારી પેઢીનો નફો કથિત રીતે ઘટી ગયો હતો અને લગભગ ત્રણ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું.

આ સમયગાળા દરમિયાન વૈભવે કથિત રીતે પોતાના નફામાં ૨૦થી ૩૦ ટકાનો વધારો કર્યો અને હાર્દિક પંડયા તેમ જ તેના ભાઈને નુકસાન પહોંચાડયું હતું. વૈભવે કથિત રીતે ભાગીદારી ખાતામાંથી ફંડ પણ પોતાના ખાતામાં ડાયવર્ટ કર્યું હતું જે આશરે એક કરોડ જેટલું છે.



Google NewsGoogle News