Get The App

સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઈમ્ફાલ નૌકાદળમાં સામેલ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઈમ્ફાલ નૌકાદળમાં સામેલ 1 - image


બ્રહ્મોસ સહિતના મિસાઈલ છોડી શકવાની  ક્ષમતા

મુંબઈ ખાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા નેવી ચીફની હાજરીમાં ઔપચારિક રીતે સામેલઃ  ન્યુકિલયર, બાયોલિજિકલ યુદ્ધ વખતે પણ કામ બજાવી શકશે

મુંબઈ :  સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઈમ્ફાલને આજે વિધિવત્ત રીતે ભારતીય નૌકાદળમાં સામેલ કરી દેવાયું હતું. મુંબઈમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા નેવી ચીફ એડમિરલ આર. હરિકુમારની હાજરીમાં તેને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. 

આ યુદ્ધ જહાજ સરફેસ ટૂ સરફેસ અને સરફેસ ટૂ એર મિસાઈલ છોડી શકવાની ક્ષમતા ધરાવે છે. 

વિશાખાપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રોયર્સની શ્રેણીમાં સામેલ આ  યુદ્ધ જહાજ નેવીનાં પોતાના  વોરશિપ ડિઝાઈન બ્યૂરો દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.  ભારતીય સંરક્ષણ વિભાગના પીએસયુ મઝગાંવ ડોક દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

તેના પર મિડિયમ રેન્જ સરફેસ ટૂ સરફેસ મિસાઈલ, સરફેસ ટૂ એર મિસાઈલ, એન્ટી સબમરિન રોકેટ લોન્ચર્સ, ટોર્પેડો ટયૂબ્સ, સુપર રેપિડ ગન માઉન્ટ સહિતનાં શસ્ત્ર અને સરંજામ ગોઠવાશે. આ ુપરાંત તે ઈન્ટિગ્રેટેડ કોમ્બાટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ ધરાવે છે. 

આ શિપ ન્યુક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ યુદ્ધ વખતે પણ કામ કરી શકે તે રીતે બનાવાયું છે. તેનામાં ઉચ્ચ સ્તરનાં ઓટોમેશન અને યુદ્ધ ક્ષમતા છે. તના દ્વારા તેની સર્વેલન્સ અને યુદ્ધ ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે. 

આ સ્વદેશી જહાજને વિક્રમજનક સમયમાં બાંધવામાં આવ્યું છે. નેવીના જણાવ્યા અનુસાર ૨૦૧૭ની ૧૭મી મેએ તેના નિર્માણની શરુઆત થઈ હતી. તેનું પહેલુ ંજલાવતરણ ૨૦૧૯ની ૨૦મી એપ્રિલે કરવામાં આવ્યું હતું. ગઈ તા. ૨૮મી એપ્રિલથી તેની સમુદ્રી ટ્રાયલ  શરુ થઈ ગી હતી. ગત ઓક્ટોબરમાં તે નેવીને ટ્રાયલ માટે  સોંપી દેવામાં આવ્યું હતું. ગત નવેમ્બરમાં તેના પરથી બ્રહ્મોસ મિસાઈલ છોડવાનુું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. 

૧૬૩ મીટર લાંબુ અને ૭૪૦૦ ટન વજન ધરાવતા આ યુદ્ધ જહાજનો ૭૫ ટકા ભાગ સ્વદેશી રીતે બનેલો છે. ઈમ્ફાલ ભારતમાં બનાવાયેલાં યુદ્ધ જહાજોમાં સૌથી ઘાતક અને આક્રમક યુદ્ધ જહાજોમાંનું એક છે. 

આ યુદ્ધ જહાજ પર આધુનિક સર્વેલન્સ રડાર ગોઠવેલાં છે. તે શિપની ગનરી વેપન્સ સિસ્ટમને ટાર્ગેટનો ડેટા પૂરો પાડશે. શિપની સબમરીન વિરોધી લડાઈની ક્ષમતામાં સ્વદેશી બનાવટના રોકેટ લોન્ચર્સ, ટોરપેડો લોન્ચર્સ તથા એએસડબલ્યૂ હેલિકોપ્ટર્સનો સમાવેશ થાય છે. 

દ્વિતિય વિશ્વ યુદ્ધના જાંબાઝોને અંજલિ રુપે ઈમ્ફાલ શહેર પરથી નામ અપાયું 

આઈએનએસ ઈમ્ફાલ કોઈ ઈશાન ભારતીય શહેર પરથી નામ અપાયું હોય તેવું ભારતીય નેવીનું પહેલું યુદ્ધ જહાજ છે. દ્વિતિય વિશ્વ યુદ્ધ વખતે ઈમ્ફાલ યુદ્ધમાં શૌર્ય દાખવનારા જાંબાઝોને અંજલિ રુપે તેને આઈએનએસ ઈમ્ફાલ નામ આપવામાં આવ્યું છે.      

ઈમ્ફાલ યુદ્ધ દ્વિતિય વિશ્વ યુદ્ધમાં એશિયન મોરચે લડાયેલી લડાઈમાં ટર્નિંગ પોઈન્ટ સમાન સાબિત થઈ હતી. ત્યારબાદ ભારતના સંરક્ષણ ઈતિહાસમાં ઈશાન ભારતનું સ્ટ્રેટેજિક મહત્વ છતું થયું હતું. 

સાથે સાથે આ  જ મોરચે નેતાજી સુભાષ ચન્દ્ર બોઝની આઝાદ હિંદ ફોજના સેનાનીઓએ અપૂર્વ  શૌર્ય દાખવ્યું હતું. આઈએએનએસ ઈમ્ફાલ નામ આ રીતે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસની પણ યાદ અપાવતું રહેશે. 

ઉલ્લેખનીય છે કે હાલ ભારતીય નેવીમાં ૪૦૦ જવાનો મણિપુરના છે.  મણિપુરના ભારતીય નેવી સાથેના આ નાતાની દૃષ્ટિએ પણ આઈએનએસ ઈમ્ફાલ નામકરમ મહત્વનું છે.



Google NewsGoogle News