પોલીસ બનવા ચોરી : મુન્નાભાઈ સ્ટાઈલથી ઈયર પિસ પર મિત્રો જવાબ લખાવતા હતા
મુંબઈમાં પોલીસ ભરતી પરીક્ષામાં ઉમેદવાર ઝડપાયો
કાનમાં અંદર સુધી સમાઈ જાય અને કોઈને શંકા પણ ન આવે તેવું ડિવાઈસ પકડાયું, ઉમેદવાર ઉપરાંત બહારથી જવાબ લખાવતા બે મિત્રો સામે પણ ગુનો
આ સંદર્ભે વધુ વિગતાનુસાર મુંબઇ પોલીસમાં ડ્રાઇવર-કોન્સ્ટેબલની નોકરી માટે અંધેરીના ઓશિવરા વિસ્તારમાં આવેલ રાયગઢ મિલીટરી ખાતે શુક્રવારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે પરીક્ષા આપવા આવેલ દળવીનું વર્તન ત્યાં ફરજ બજાવતા પરીક્ષુકને શંકાસ્પદ લાગ્યું હતું. તેમણે આ બાબતે દળવીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પરીક્ષકને ધ્યાનમાં આવ્યું હતું કે દળવીએ ડાબા કાનમાં કોઇ માઇક્રો ડિવાઇસ છૂપાવેલ છે. વધુ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે તેણે કાનમાં એક ઇયરપીસ (માઇક્રો ડિવાઇસ) પહેર્યું હતું અને તેની મદદથી તેના મિત્રો તેને સવાલના જવાબ કહેતા હતા.
આ ઘટના બાદ પરીક્ષકે તરત જ આ વાતની જાણ ત્યાં હાજર અધિકારીઓને કરી હતી અને ત્યાર બાદ દળવીની વધુ તપાસ કર્યા બાદ પોલીસે આ માઇક્રો ડિવાઇસ, એક સેલફોન અને સીમકાર્ડ જપ્ત કર્યું હતું. દળવીએ પરીક્ષામાં કોપી કરવા માટે વાપરેલું આ ડિવાઇસ કદમાં એટલું નાનું હતું કે કાનમાં અંદર સુધી સમાઇ જાય અને કોઇને શંકા પણ ન આવે આ ડિવાઇસને ફોન અને બ્લ્યૂટૂથથી કનેક્ટ કરવામાં આવ્યું હતું. જોકે મુન્નાભાઇ ફિલ્મની વાર્તાનું વાસ્તવિક જીવનમાં અનુકરણ કરવાના પ્રયાસાં દળવી રંગેહાથો પકડાઇ ગયો હતો.
આ ઘટના બાદ પોલીસે દળવીની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કૃષ્ણા દળવીને તેના મિત્રો સચિન બાવસ્કર અને પ્રદીપ રાજપૂત કોપી કરવામાં મદદ કરતા હતા. આ લોકો માઇક્રો-ડિવાઇસની મદદથી દળવીને જવાબો આપતા હતા. પોલીસે દળવીની સાથે જ તેના બન્ને મિત્રો સચિન અને પ્રદિપ સામે પણ ગુનો નોંધ્યો હતો.