અસલી સોનાના સમજીને મેરેથોનના 2200 મેડલની ચોરીઃ 6ની ધરપકડ
મેરેથોનના સ્પર્ધકોને આપવાના મેડલ તંબુમાંથી ચોરાઈ ગયા હતા
મેરેથોનને લગતાં વિવિધ કામો માટે બોલાવાયેલા 6 કામદારોએ જ મેડલના 162 બોક્સમાંથી 22 બોક્સ ઉઠાવી લીધાં હતાં
મુંબઇ : મુંબઇમાં રવિવારે પાર પડેલ ટાટા મુંબઇ મેરેથોન માટે બનાવવામાં આવેલ ૨૨૦૦ મેડલ ચોરી લેનાર છ વ્યક્તિને આઝાદ મેદાન પોલીસે પકડી પાડયા હતા. બોમ્બે જીમખાના ગ્રાઉન્ડમાં તૈયાર કરવામાં આવેલ એક તંબૂમાં આ મેડલ રાખવામાં આવ્યા હતા.
રવિવારે આ મેડલ ચોરાઇ ગયા બાદ આ બાબતે પોલીસ ફરિયાદ થઇ હતી. આ બાબતે આઝાદ મેદાન પોલીસે જણાવ્યું હતું કે મેરેથોનમાં વિજેતા બનેલા સ્પર્ધકોને આ મેડલ આપવાના હતા પણ તે પહેલા જ આ મેડલ ચોરાઇ જવાથી મેરેથોનના આયોજકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આઝાદ મેદાન પોલીસ આ પ્રકરણે તપાસ હાથ ધરી વિઘ્નેશ પાંડે- તેવર, નાસિર અબ્દુલ શેખ, પિરામલ બાલન ગૌંડર, ગૌતમ સાળુંખે, રાહેત વિજય સિંહ, આમીર રફિક શેખ એમ કુલ છ ચોરટાઓને પકડી પાડયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ચોરીની આ ઘટના વહેલી સવારે ૩થી ૧૧ દરમિયાન બની હતી. મેરેથોન માટેના મેડલ ૧૬૨ બોક્સમાં મૂક્યા હતા જેમાંથી ૨૨ બોક્સ ચોરાઇ ગયા હતા. આ ૨૨ બોક્સમાં કુલ ૨૨૦૦ મેડલ મૂકવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓ મૂળ કામદારો છે. અને તેમને અહીં મેરેથોનના વિવિધકામ માટે ભાડે રાખવામાં આવ્યા હતા.
ચોરી કરવામાં આવેલા મેડલોની કિંમત રૃા. ૧.૩૮ લાખ જેટલી થાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પૂરાવાઓને આધારે આ લોકોની ધરપકડ કરી હતી. આ લોકોને લાગ્યું હતું કે આ મેડલ સોનાના બનેલા છે. પોલીસને આ લોકો પાસેથી ૬૨૦ મેડલ પાછા મેળવવામાં સફળતા મળી હતી. આ બાબતે પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે.