ધો. 10 બોર્ડની પરીક્ષા કાલથી, એમએમઆરમાં 3.58 લાખ પરીક્ષાર્થી
17 મી માર્ચ સુધી પરીક્ષા ચાલશે
મુંબઈમાં ૧૦૫૫ કેન્દ્રોએ પરીક્ષા થશે; આ વર્ષે ૧૧ હજાર પરીક્ષાર્થીનો વધારો
મુંબઇ - મહારાષ્ટ્ર બોર્ડની ધો.૧૨ની પરીક્ષા ગયા અઠવાડિયે શરુ થયા બાદ હવે શુક્રવારથી ધો.૧૦ની પરીક્ષાઓ શરુ થઈ રહી છે. આ વર્ષે બોર્ડ પરીક્ષાઓ ગત વર્ષની તુલનાએ ૧૦ થી ૧૨ દિવસ વહેલી શરુ થઈ રહી છે. મુંબઈ વિભાગમાંથી ૩.૫૮ લાખ વિદ્યાર્થીઓ ધો.૧૦ની બોર્ડની પરીક્ષા આપવાના છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યામાં ૧૧ હજારનો વધારો જોવા મળ્યો છે.
રાજ્યમાં નવ વિભાગીય બોર્ડમાં ધો.૧૦ની પરીક્ષા ૨૧ ફેબુ્રઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન ચાલશે. આ પરીક્ષામાં મુંબઈ વિભાગના ૩,૫૮,૮૫૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં સર્વાધિક ૧,૨૧,૨૪૪ વિદ્યાર્થી થાણે જિલ્લાના છે. રાયગઢ જિલ્લામાંથી ૩૭,૧૮૨, પાલઘરના ૬૭ હજાર અતે દક્ષિણ મુંબઈના ૨૯,૧૫૩ અને પૂર્વીય પરાંના ૫૭,૪૬૯ તેમજ ઉત્તર મુંબઈના ૫૬,૮૦૬ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. આ તમામ વિદ્યાર્થીઓને કુલ ૧૦૫૫ પરીક્ષા કેન્દ્રોમાં સમાવાયા છે.
ધો.૧૨ મુજબ જ આ પરીક્ષામાં પણ કોપીમુક્ત પરીક્ષા અભિયાન ચલાવાશે અને તે બાબતની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. પરીક્ષા કેન્દ્રોએ શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેની તકેદારી લેવાશે. કોપી કેસ રોકવા માટે સેન્ટર પર પોલીસનો પહેરો પણ હશે અને ફ્લાઈંગ સ્ક્વોડ પણ સજ્જ હોવાની માહિતી મળી છે.