મરીન ડ્રાઈવમાં 58 મીટર સુધીના હાઈરાઈઝ સ્થાપવાની ગાઈડલાઈન પર સ્ટે
ચર્ચગેટ રહેવાસીઓના ફેડરેશન દ્વારા હાઈકોર્ટમાં પડકાર
હેરિટેજ વિસ્તારની ગરીમા જરૃરી, તમે સ્કાઈલાઈન બદલવા માગો છો? આવી ગાઈડલાઈન કેવી રીતે જારી થઈ શકે? : હાઈકોર્ટના સવાલ
મુંબઈ : મરીન ડ્રાઈવ ખાતે ૫૮ મીટર સુધી ઈમારતોના પુનર્વિકાસની તક આપતી ગાઈડલાઈન્સના અમલ પર બોમ્બે હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ઓથોરિટી આ વિસ્તારની સ્કાયલાઈન બદલવા માગે છે કે શું?
મુખ્ય ન્યા. ઉપાધ્યાય અને ન્યા. બોરકરની બેન્ચે સવાલ કર્યો હતો કે આવી નિયમાવલી પાલિકા અને રાજ્ય સરકાર કઈ રીતે જારી કરી શકે.
ચર્ચગેટના રહેવાસીઓના ફેડરેશને રાજ્ય સરકારે પાલિકાને ૨૦૨૩માં આપેલી નિયમાવલીને પડકારીને કરેલી જનહિત અરજીની સુનાવણી ચાલી રહી હતી. આ નિયમાવલી પ્રોમેનેડ પાસેના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પરવાનગી આપતી વખતે અનુસરવાની જરૃરી હોવાનું જણાવ્યું હતંું.
નિયમાવલીમાં ઈમારતોને ત્રણ કક્ષામાં વહેંચી નાખી હતી જેનેઆધારે તેમની ઊંચાઈના નિયંત્રણો લાદવાના હતા. જો ઈમારત મરીન ડ્રાઈવ રોડની બીજી હરોળમાં હોય અને ૨૪ મીટરની ઈંચાઈ મર્યાદા ઓળંગી હોય તો વિશેષ પરવાનગી પાલિકા કમિશનર પાસેથી મેળવી શકે છે. કમિશનર ૫૮ મીટર સુધીની ઊચાઈની પરવાનગી આપી શકે છે.
જનહિત અરજીમાં દાવો કરાયો છે કે મરીન ડ્રાઈવ વિસ્તાર હેરિટેજ વિસ્તાર છે અને તેને અ ેઅનુસાર જાળવવો જરૃરી છે. કોર્ટે પાલિકા અને રાજ્ય સરકારને ૧૧ ડિસેમ્બર સુધી સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. ત્રીજી વાર નિયમાવલી જારી કરાઈ છે અગાઉ ૨૦૧૪માં પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવતાં સ્ટે અપાયો હતો.
ખાનગી રિએલ્ટર વસંત સાગર પ્રોપર્ટીઝે સુપ્રીમ કોર્ટમાં આદેશ પડકાર્યો હતો જે હજી પ્રલંબિત છે. કેસ પ્રલંબિત હોવાથી આવી જ નિયમવાલી ફરી લાગુ કરી શકાય નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.