નંદુરબારમાં રાજ્યની પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલાની વન રક્ષક તરીકે નિયુક્તિ
રાજ્યમાં ટ્રાન્સજેન્ડર તરીકે પહેલું સર્ટિ. મેળવ્યું હતું
નંદુરબારના લોકો કોઈ પુરુષ કયારેય સ્ત્રી બની શકે તે વાતે અચરજ અનુભવે છેઃ વિજયા
મુંબઈ - સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર તરીકેનું પ્રથમ પ્રમાણપત્ર મેળવેલ પ્રથમ વ્યક્તિ વિજયા વેસાવેએ હવે મહારાષ્ટ્ર સરકારના વન વિભાગ દ્વારા વન રક્ષક તરીકે નિમણૂક કરાયેલ પ્રથમ ટ્રાન્સજેન્ડર તરીકે ઈતિહાસ રચ્યો છે. તેઓ નંદુરબાર જિલ્લાના અંતરિયાળ અક્કલકુવા તાલુકામાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે સેવા બજાવે છે. ૨૦૨૩માં જ્યારે રાજ્ય સરકારે ખાલી જગ્યાઓ (વેકેન્સી) માટે જાહેરાત કરી હતી, ત્યારે વિજયા કદાચ આ પોસ્ટ માટે અરજી કરનાર એકમાત્ર ટ્રાન્સજેન્ડરવિમન હતી. જ્યારે ટેક્નિકલ અડચણો આવી ત્યારે પણ વિજયાએ લડત ચાલુ રાખી અને જરુર પડી ત્યાં હાઈકોર્ટમાં પણ જતાં અચકાયા ન હતાં. તેમના જ કહ્યામુજબ, તેમની ભરતી આદિવાસી શ્રેણી હેઠળ હતી અને આદિવાસી ધારાસભ્યોએ આંદોલન શરુ કર્યા પછી જ તેમની લાયકાત મંજૂર થઈ હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારી ભરતીઓ તેમને માટે નવી ન હતી, પરંતુ હાલની ભરતીમાં શારીરિક અને લેખિત પરીક્ષા બંનેનો સમાવેશ થાય છે. જળગાંવ સ્થિત દીપસ્તંભ ફાઉન્ડેશને દીકરીની જેમ મારી સંભાળ લીધી હતી. હું જે તણાવમાંથી પસાર થઈ રહી હતી તે જોતાં આ અતિ મહત્ત્વનું હતું. પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બે વરિષ્ઠ અધિકારીઓ મને ફાળવ્યા જેમણે મને મદદ કરી.
આદિવાસી પરિવારમાં વિજય તરીકે જન્મ્યા બાદ આશ્રમશાળામાં તેણે અભ્યાસ કર્યો તે દરમ્યાન તેના વર્તનને લીધે વિદ્યાર્થી તથા શિક્ષકો પાસેથી તેને ભારે સહન કરવાનું આવ્યું હતું. નાસિકની કૉલેજમાં ભણતી વખતે તેમણે પુણે સ્થિત એક એલબીજીટીક્યુ એક્ટિવિસ્ટનું વ્યાખ્યાન સાંભળ્યું. ત્યારબાદ ૨૦૧૯માં તેણે ગ્રેજ્યુએશન પૂરું કરી પુણેની કર્વે ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સેસમાં એમએસડબલ્યુ માટે એડમિશન લીધું અને લિંગ પરિવર્તનની આખી પ્રક્રિયા જાણી અને તેમાંથી પસાર થઈ. આ પરિવર્તન બાદ તેણે નેશનલ એઈડ્સ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (નારી)માં કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કર્યું અને સાથે સરકારી પરીક્ષાની તૈયારી પણ કરી.
વિજયાની આ કહાનીથી હવે આખું નંદુરબાર જાણીતું છે. વિજયાનું કહેવું છે કે, નંદુરબારના લોકોએ ક્યારેય એવું અનુભવ્યું નહોતું કે એક પુરુષ કદી સ્ત્રી બની શકે. આથી હું જ્યારે પણ નોકરીએ જાઉં તો લોકો મને તાકી રહે છે. પરંતુ હું મને પોતાને કાયમ એક નારી તરીકે જ જોતી રહી છું અને આથી હવે મને એ વાતનો આનંદ છે કે હું જેવી છું તેવી જ દેખાઉં પણ છું. આથી મને આ બાબતે કોઈ તકલીફ નથી.