માથાડી કામદારોની 14 ડિસેમ્બરે રાજ્યવ્યાપી હડતાળ
લેબર એક્ટ પાંગળો બનાવી દેવાનો વિરોધ
શાક બજારોના માથાડીઓ પણ જોડાશેઃ નવા સુધારાથી હજારો લોકો રસ્તા પર આવી જશે
મુંબઇ : માથાડી શ્રમ અધિનિયમ (લેબર એક્ટ)ને પાંગળો કરવાના કારણસર ૧૪મી ડિસેમ્બરે રાજ્યભરમાં એક દિવસીય સાંકેતિક હડતાળનું આવ્હાન માથાડી કર્મચારીઓેએ કર્યું છે. આ હડતાળમાં પહેલીવાર શાકભાજી, ફળ બજાર અને ખાનગી કંપનીના કર્મચારીઓ પણ જોડાશે.
માથાડી શ્રમ કાયદાને બચાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, શ્રમમંત્રીને વિરોધ પ્રદર્શન તેમજ પત્ર દ્વારા માગણી કરાઈ હતી. પરંતુ કોઈએ તેમની વાત કાને ધરી નહોતી. ગત કેટલાંક વર્ષોમાં માથાડી શ્રમ સુધાર વિધેયક (બિલ) ના નામે જે પ્રસ્તાવ આવ્યા તે તમામ માથાડી શ્રમ કાનૂનને નષ્ટકરવા માટે હતાં. બિલમાં ખરેખર ગેરવસૂલી કરતી ગેન્ગ્સ, ઉદ્યોગપતિઓ તેમજ લેબર એક્ટનું પાલન ન કરનારાઓ સામે કોઈ જ જોગવાઈઓ નથી.
સતત વિરોધ દર્શાવ્યા બાદ પણ આ બાબતે આંખ આડા કાન થઈ રહ્યાં છે. અમે સરકાર સાથે સમાધાન અને સુધાર માટે અનેકવાર મિટીંગ્સ માટે પ્રસ્તાવ મૂક્યો પરંતુ સામે પક્ષેથી કોઈ પ્રતિસાદ નથી. જો સરકાર ધારે છે તે કાયદો લાગુ થાય તો ૮૦ ટકા માથાડી લેબર એક્ટ નિષ્પ્રભાવી થઈ જશે. માથાડી કર્મચારીઓ રસ્તા પર આવી જશે. આથી સરકારે માથાડીઓની વાત જાણવી, સમજવી અને માનવી પડશે, એવું માથાડી નેતાઓએ જણાવ્યું હતું.