ફાઈનાન્સ કંપનીના સ્ટાફે જ બેંક લોકરમાંથી 21 કરોડના સોનાની ધાપ મારી
વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ, કંપનીના ઓડિટમાં પર્દાફાશ થયો
ડોંબિવલીના એરિયા હેડ અને બ્રાન્ચ મેનેજરની સંડોવણી, બુલિયન ટ્રેડરની પણ ધરપકડ : સોનાં પર લોન લઈ સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું
મુંબઇ : એક ફાઇનાન્સ કંપનીના બેંક લોકરમાંથી ૨૧ કરોડની કિંમતનું ૨૯ કિલો સોનુ ચોરી લેવાના આરોપસર પોલીસે કંપનીના ત્રણ કર્મચારીની ધરપકડ કરી હતી. જેમાં કંપનીના એરિયા હેડ, બ્રાન્ચ મેનેજરનો સમાવેશ થાય છે. આ લોકોએ ચોરીનું અમૂક સોનું વેચી જ્યારે અમૂક સામે લોન લઇ આ રકમ સ્ટોક માર્કેટમાં રોકી હતી. ફાઇનાન્સ કંપનીએ જ્યારે ઓડિટ કર્યું ત્યારે આ સોનુ ગુમ હોવાની જાણ થતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે કંપનીના ઉચ્ચાધિકારીઓએ આ લોકોની આ બાબતે પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ તેમને કથિત રીતે ધમકી આપી હ તી કે તેઓ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે.
આ કેસમાં શહેરની ક્રાઇમ બ્રાન્ચે કંપનીના ડોમ્બિવલીના બ્રાન્ચ મેનેજર શિવકુમાર ઐય્યર (૩૦) એરિયા હેડ શિવાજી પાટીલ (૨૯) અને બુલિયન વેપારી સચિન સાળુંખે (૪૧)ની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ લોકો સામે બીએનએસની વિભિુન્ન કલમમો જેવી કે છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસભંગ, છેતરપિંડી, ગુનાહિત કાવતરું, અને ભંડોળની ઉચાપત હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ સંદર્ભે ગોલ્ડ લોન આપતી કંપની રોવર ફાઇનાન્સ લિમિટેડના અધિકારી આકાશ પચલોદે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રોવર ફાઇનાન્સે ૨૦૨૪માં ટ્રિલિયન લોન ફિનટેક પ્રા.લી.નો લોન વિભાગ ટેકઓવર કર્યો હતો. એપ્રિલમાં રોવર ફાઇનાન્સે હાથ ધરેલ ઓડિટમાં એવું જાણવા મળ્યું હતું કે કંપનીએ બેંક લોકરમાં ગીરો તરીકે સ્વીકારેલા ૨૯ કિલો સોનાના દાગીના ધરાવતા ૨૬૦ પેકેટ ગુમ થઇ ગયા છે. લોકરની ચાવી પાટિલ અને ઐય્યરના કબજામાં રહેતી હતી. ગુમ થયેલા સોના અંગે પૂછપરછ કરવામાં આવતા આરોપીએ શરૃઆતમાં આ મુદ્દે ઉડાઉ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઐયરે બાદમાં કથિત રીતે કબૂલ્યું હતું કે તેણે જાન્યુઆરી, ૨૦૨૪થી પાટીલ સાથે મળી ઉંચો નફો રળવાના આશયથી આ રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું હતું.
આ ભંડોળનું રોકાણ સાળુંખે દ્વારા કરવામાં આવ્યું હતું જેણે સોનાના જથ્થા સામે બેંક લોન લીધી હતી. આ રકમની વહેંચણી પાટીલ અને ઐયર વચ્ચે કરવામાં આવી હતી જેમાં પાટીલને રૃા. ૪૦ લાખની રકમ જ્યારે ઐય્યરને રૃા. ૮.૭ કરોડ મળ્યા હતા. ઐય્યરએ જણાવ્યું હતું કે તેને સ્ટોક માર્કેટમાં ભારે નુકસાનનો સામનો કરવો પડયો હતો.
જ્યારે ફરિયાદી ૪ જૂનના રોજ ઐય્યારને અંધેરીમાં મળ્યા ત્યારે આ સોનાના જથ્થા બાબતે પૂછપરછ કરી હતી. આ સમયે ઐય્યરે પોલીસમાં ફરિયાદ કરી તો તેની અંડરવર્લ્ડ સુધી ઓળખાણ હોવાનો દાવો કરી ફરિયાદીને ધમકી આપી હતી. અંતે આ બાબતે કંપનીએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. કંપનીએ ફરિયાદમાં એવો આરોપ કર્યો હતો કે ઐય્યર અને પાટીલ જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે ચૂપચાપ લોકરમાંથી સોનાના દાગીનાના ૨૬૦ પેકેટ સેરવી લીધા હતા. પોલીસે ઐય્યારના બેંક સેરમેન્ટ ચેક કરતા તેણે સાળુંખે સાથે મળી સ્ટોક માર્કેટમાં પૈસા રોક્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.