Get The App

ગોંદિયામાં બાઈકને બચાવવા જતાં એસટી પલ્ટીઃ 11નાં મોત

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
ગોંદિયામાં  બાઈકને  બચાવવા જતાં એસટી પલ્ટીઃ 11નાં મોત 1 - image


25  પ્રવાસીઓ ઘાયલ, અનેક ની હાલત ગંભીર 

પતિનાં અવસાન બાદ તેને સ્થાને નોકરી મેળવનારી મહિલા પોલીસ કર્મચારીનું પણ અકસ્માતમાં મોત

મુંબઈ :  રાજ્યના ગોંદિયામાં આજે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની શિવશાહી બસ પલટી ખાઈ જતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૧ પ્રવાસીના મોત થયા હતા અને અન્ય પચ્ચીસ  ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તની તબીયત નાજુક હોવાથી મૃતકની સંખ્યા વધી શકે છે. બસ ડ્રાઈવરે બાઈકને બચાવવા જતા વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું જાણવા મળ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું. 

આ બનાવ બાદ  સરકારે  પ્રત્યેક મૃતકના પરિવારને રૃા.૧૦ લાખ આપવાની જાહેરાત કરી હતી.

શિવશાહી બસ ભંડારાથી ગોંદિયા જિલ્લામાં જઈ રહી હતી. બસમાં આશરે ૩૬ પ્રવાસી હતા. ગોદિંયાના સડક અર્જુની તાલુકામાં ખજરી ગામમાં અચાનક સામે બાઈક આવી હતી. બાઈક સાથેની અથડામણથી બચવા માટે બસ ડ્રાઈવરે બ્રેક લગાવી હતી. જેના કારણે ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. બસ પલટી ખાઈ ગઈ હતી.

દુર્ઘટનામાં બસને ભારે નુકસાન થયું હતું. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ૧૧ પ્રવાસી મોતના મુખમાં ધકેલાય ગયા હતા. અન્ય  પચ્ચીસ  જખમી જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

૧૧ મૃતકમાંથી નવની ઓળખ થઈ ગઈ છે. પોલીસે જણઆવ્યું હતું કે મૃતકમાં ૩૨ વર્ષીય મહિલા પોલીસ કર્મીનો સમાવેશ છે. અર્જુની મોરગાવની સ્મિતા વિકી સૂર્યવંશીના પતિ પોલીસ વિભાગમાં નોકરી કરતા હતા. થોડા વર્ષ પહેલા બીમારીને કારણે તેમનું  અવસાન થયું હતું. પછી સ્મિતાને નોકરી આપવામાં આવી હતી.

હાલમાં તે ગોંદિયામાં પોલીસ હેડક્વાર્ટરસમાં ફરજ બજાવી હતી. તે સાસરીયો અને એક પુત્ર સાથે રહેતી હતી. પરિવારજનોને મળ્યા બાદ તે ડયુટી પર પરત ફરી રહી હતી. ત્યારે અકસ્માત થયો હતો.

એચએસઆરટીસી લગભગ ૧૫ હજાર બસોમાં રોજના ૬૦ લાખ જણ પ્રવાસ કરે છે.



Google NewsGoogle News