હની ટ્રેપમાં ફસાયેલા મઝગાંવ ડોકના ફેબ્રિકેટર દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી
મઝગાંવ ડોકમાં પાકિસ્તાનનું વધુ એક હની ટ્રેપ રેકેટ
સોશિયલ મીડિયા થકી મહિલા જાસૂસે જાળમાં ફસાવ્યો : અનેક સંવેદનશીલ માહિતી મેળવીઃ એટીએસ દ્વારા ધરપકડ
મુંબઇ : મઝગાંવ ડોકયાર્ડમાં સ્ટ્રક્ચરલ ફેબ્રિકેટર તરીકે કામ કરતા ૩૦ વર્ષીય યુવકની મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (એટીએસ) ધરપકડ કરી છે. પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ ઓપરેટિવ (પીઆઇઓ)ને દેશના પ્રતિબંધિત વિસ્તારોની માહિતી લીક કરી હોવાનો તેના પર આરોપ છે.
પાકિસ્તાની મહિલા જાસૂસે તેને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાનું કહેવાય છે. આ મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા યુવકની મિત્રતા કરી હતી અને ઘણા મહિનાઓથી તેના સંપર્કમાં હતી. આરોપી કલ્પેશ મૂળ રાયગઢના અલીબાગનો રહેવાસી છે. અલીબાગથી આઇટીઆઇ કોલેજમાં ફિટર તરીકેનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર ૨૦૧૫માં મઝગાવ ડોકયાર્ડમાં પ્રથમ વખત જોડાયો હતો. થોડા સમય માટે બ્રેક લીધો હતો. ત્યારબાદ ફરી કંપનીમાં નોકરી કરતો.
એટીએસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નવેમ્બર ૨૦૨૧થી મે ૨૦૨૩ સુધી પાકિસ્તાની ગુપ્તચર સાથે ફેસબુક અને વોટસએપ દ્વારા સંપર્કમાં હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઘણી વખત ભારતના પ્રતિબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હતી. હાલમાં તે નવી મુંબઇમાં રહેતો હતો. આ યુવક અને પીઆઇઓ વિરુદ્ધ કેસ નોંધી એટીએસની નવી મુંબઇ યુનિટે વધુ તપાસ આદરી છે.
ભારતીય નૌકાદળે વર્ષ ૨૦૧૯માં એક મોટા જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે વિશાખાપટ્ટનમ, કારવાર અને મુંબઇ સ્થિત નૌકાદળના સાત યુવાન ખસાલીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમને નકલી ફેસબુક એકાઉન્ટ દ્વારા ફસાવવામાં આવ્યા હતા. ગત ડિસેમ્બરમાં એટીએસે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ અને હની ટ્રેપમાં ફસાયેલા ગૌરવ પાટીલની ધરપકડ કરી હતી. નેવલ ડોક્યાર્ડના તાલીમાર્થી સિવિલ એપ્રિન્ટિસ પાટીલ દ્વારા સંવેદનશીલ માહિતી આપવાથી ૯૦૦ ચેટ્સ મળી હતી.
નૌકાદળના યુદ્ધ જહાજો વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરનારો આરોપી ગૌરવ પાટીલ ફેસબુક પર પોતાની ઓળખ પાયલ, એજન્લ તરીકે આપનારી પીઆઇઓ એજન્ટની હની ટ્રેપમાં ફસાઇ ગયો હતો. આ મહિલાએ તેને જાળમાં ફસાવવા જરૃરી તપાસ કરી હતી. પીઆઇઓ એજન્ટે નૌકાદળ, યુદ્ધ જહાજો અને અન્ય બાબતમાં ઊંડો રસ દાખવીને તેને નિશાન બનાવ્યો હતો. તેમની ચેટ દરમિયાન એન્જલે ડોકર્યાડ જેટી પરના યુદ્ધ જહાજોઅને સબમરીન વિશે પૂછપરછ કરી હતી.
નેવલ શિપયાર્ડમાં યુદ્ધ જહાજો અને સબમરીનની હાજરી, તેના રોકાણની અવધિ બાબતે પણ એન્જલે માહિતી મેળવી હતી. આ સિવાય ગૌરવે તેને યુદ્ધ જહાજો અને સબમરીનના પિક્ચરો શેર કર્યા હતા. બીજી તરફ ગૌરવ અન્ય એક પીઆઇઓ એજન્ટ આરતી શર્મા દ્વારા પણ હની ટ્રેપમાં ફસાઇ ગયો હતો.
નોંધનિય છે કે આરોપી ગૌરવને અંગત ખર્ચ માટે પૈસાની જરૃર હતી. ત્યારે તેને માત્ર રૃા. બે હજાર ચૂકવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના એક બેંક ખાતામાંથી જી-પે દ્વારા ગૌરવને આ રકમ મળી હતી. આ એકાઉન્ટ નકલી દસ્તાવેજોથી ખોલવામાં આવ્યું હોવાની એજન્સીને શંકા છે.