વીર્ય કે અંડકોશ દાતા બાળકના જૈવિક માતા-પિતા હોવાનો દાવો કરી શકે નહીંઃ હાઈકોર્ટ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
વીર્ય કે અંડકોશ દાતા બાળકના જૈવિક માતા-પિતા હોવાનો દાવો કરી શકે નહીંઃ હાઈકોર્ટ 1 - image


સરોગસી કરારમાં અરજદાર, તેના પતિ ઈચ્છુક માતાપિતા હોવાનું સ્પષ્ટ  

પત્નીને છોડીને અંડકોશનું દાન કરનાર સાળી સાથે રહેતા પતિનીે  જોડિયા બાળકી પર પત્નીનો અધિકાર  ન હોવાની દલીલ કોર્ટે નકારી 

મુંબઈ :  વીર્ય કે અંડકોશ દાન કરનાર વ્યક્તિ બાળક પર કાનૂની અધિકાર ધરાવી શકે નહીં અને પોતે જૈવિક માતા કે પિતા હોવાનો દાવો પણ કરી શકે નહીં, એમ બોમ્બે હાઈકોર્ટે મંગળવારે ચુકાદો આપીને ૪૨ વર્ષની મહિલાને તેની પાંચ વર્ષની જોડિયા પુત્રીઓને મળવાનો અધિકાર આપ્યો હતો.

સરોગસી દ્વારા જન્મેલી પુત્રીઓ તેના પતિ અને  અંડકોશનું દાન કરનારી  નાની બહેન સાથે રહેતી હતી. અરજદારના પતિએ દાવો કર્યો હતો કે તેની સાળી અંડકોશની દાતા હોવાથી જોડિયા બાળકોના જૈવિક માતા કહેવડાવવાનો કાયદેસર અધિકાર છે અને પોતાની પત્નીનો તેમના પર કોઈ અધિકાર નથી.

ન્યા. મિલિન્દ જાધવની સિંગલ બેન્ચે દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને ટાંક્યું હતું કે અરજદારની નાની બહેન અંડકોશની દાતા છે પરંતુ જોડિયા પુત્રીઓની જૈવિક માતા તરીકેનો દાવો કરવાનો કાયદેસર અધિકાર તેને નથી.

કોર્ટે જણાવ્યું હતું કે નાની બહેને સ્વેચ્છાએ અંડકોશનું દાન કર્યું છે અને વધુમાં વધુ તે જીનેટિકલી માતા ગણી શકાય એથી વધુ કંઈ નહીં.

કોર્ટને સહાય કરવા નિયુક્ત વકિલે કોર્ટને જાણ કરી હતી કે વિભક્ત દંપતીનો સરોગસીનો કરાર ૨૦૧૮માં થયો હતો જ્યારે સરોગસી કાયદો ૨૦૨૧ અસ્તિત્વમાં નહોતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ૨૦૦૫માં જારી કરેલી નિયમાવલીને આ કરાર આધિન રહેશે.

નિયમવલી અનુસાર દાતા અને સરોગેટ માતાએ માતાપિતા તરીકેના તમામ અધિકારો ત્યજી દેવા પડે છે એમ કોર્ટે નોંધીને ઉમેર્યું હતું કે હાલના કેસમાં જોડિયા બાળકીઓ અરજદાર અને તેના પતિની જ પુત્રીઓ ગણાશે.

નિયમાવલીમાં સ્પષ્ટ જણાવાયું છે કે વીર્યદાતા આથવા અંડકોશ દાતાને માતાપિતાનો કોઈ અધિકાર કે બાળક પ્રત્યેની ફરજનો અધિકાર રહેતો નથી અને એ દ્રષ્ટીકોણથી અરજદારની નાની બહેન જોડિયા બાળકીઓની જૈવિક માતા તરીકેનો દાવો કે હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવી શકે નહીં.

અરજી અનુસાર દંપતી કુદરતી રીતે ગર્ભધારણ કરી શકે તેમ નહોવાથી અરજદારની બહેને સ્વેચ્છાએ અંડકોશનું દાન કર્યું હતું. ડિસેમ્બર ૨૦૧૮માં સરોગેટ માતાએ જોડિયા બાળકીને ઓગસ્ટ ૨૦૧૯માં જન્મ આપ્યો હતો. એપ્રિલ ૨૦૧૯માં બહેન અને તેના પરિવારનો માર્ગ અકસ્માત થયો હતો અને તેના પતિ અને પુત્રીના મોત થયા હતા.

અરજદાર પતિ અને બે પુત્રીઓ સાથે ઓગસ્ટ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૧ સુધી રહી હતી. લગ્ન વિચ્છેદ થતાં માર્ચ ૨૦૨૧માં પત્નીને જાણ કર્યા વિના બીજા ફ્લેટમાં બાળકોને લઈને જતો રહ્યો હતો.

પતિએ દાવો કર્યો હતો કે તેની પત્નીની બહેન માર્ગ અકસ્માત બાદ હતાશ થઈ ગઈ હતી અને તેની સાથે જોડિયા બાળકીઓનું ધ્યાન રાખવા સાથે રહેવા લાગી હતી.

અરજદારે પોલીસ ફરિયાદ કરી હતી અને  સ્થાનિક કોર્ટમાં અરજી કરીને પુત્રીઓને મળવાના અધિકાર માગ્યા હતા. સ્થાનિક કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૩માં અરજી ફગાવી દીધી હતી. આથી  અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે બહેને માત્ર અંડકોશનું દાન કર્યું છે સરોગેટ માતા નથી આથી બાળકો પર તેનો કોઈ અધિકાર નથી. 

હાઈકોર્ટે આદેશમાં નોંધ કરી હતી કે પતિ,પત્ની, સરોગેટ માતા અને ડોક્ટરે વચ્ચેના ૨૦૧૮ના સોરગસી કરાર પર   અરજદાર, પતિ અને ડોક્ટરે સહી કરી છે.  નરી આંખે જોઈ શકાય છે કે અરજદાર અન તેના પતિએ ઈચ્છુક માતાપિતા તરીકે સરોગસી કરાર પર સહી કરી છે તેમાં કોઈ સંદેહ નથી.

ન્યા. જાધવે પત્નીને અધિકાર નકારતા નીચલી કોર્ટના આદેશને વગરવિચાર્યો અને ટકી શકે તેમ નહોવાનું નોંધીને રદબાતલ કર્યો હતો. કોર્ટે પતિને સપ્તાહના અંતમાં ત્રણ કલાક અરજદારને તેમની જોડિયા બાળકીઓને મળવા દેવાનો નિર્દેશ આપ્યો છે.



Google NewsGoogle News